સાથે શું લઈ જવાના?

આપણા જ્ઞાની પુરુષો વરસોથી કહેતા આવ્યા છે કે બધા ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે. મરી ગયા પછી તમે સાથે શું લઈ જવાના ?

બધું બરોબર, પણ ધારો કે મર્યા પછી આપણે આપણી સાથે જે લઈ જવું હોય તે લઈ જઈ શકતા હોત તો ?

*** 

અશુભ’નું વોટ્સએપ

તમારા ઉપર આ ટાઈપનાં ‘અશુભ’નાં વોટ્સએપ આવતાં હોત :
'સ્વર્ગસ્થ શ્રી ફલાણા ફલાણા આ મહિનાની ફલાણી તારીખે ધરતી છોડીને સ્વર્ગમાં સીધાવ્યા છે. સદગતશ્રી પોતાની સાથે એમનો ફોલ્ડિંગ પલંગ, એક ગોદડું, બે ગોદડીઓ, ત્રણ ઓશિકાં અને ચાર દિવસથી ધોયા વિનાની ચાર ચાદરો લેતા ગયા છે. જોડે જોડે એમનો પાણીનો લોટો, દવા પીવાની પવાલી, ઘસાઈ ગયેલા કાચવાળા ચશ્મા, બ્રશ કર્યા પછી ઉલ ઉતારવાનું ઉલિયું તથા દાંતનું ચોકઠું મુકવાની ડબ્બી ઉપરાંત લગભગ બંધ પડી ગયેલો નોકિયાનો જુનો મોબાઈલ ફોન પણ લેતા ગયા છે. સદ્ગતનું બેસણું ફલાણી ફલાણી તારીખે… વગેરે.'

*** 

સાસુજીની માયા

એકાદ વહુની સાસુ ઉકલી ગઈ હોય પછી ઘરમાં સફેદ સાડલા પહેરીને બેસણે આવેલી વહુઆરુઓ વચ્ચે વાતચીત ચાલતી હશે :

‘હેં અલી, તારી સાસુ શું શું લઈને ગઈ ?’

‘બળ્યું, વાત જવા દે ને ? મૂઈ આખેઆખો ઘરેણાંનો દાબડો લેતી ગઈ છે ! જુની સોના-ચાંદીનાં તારવાળી એકેય સાડી રહેવા દીધી નથી. મેં કીધું, માજી જાઓ છો તો ભેગું ભેગું આ લાકડાનું મંદિરીયું લેતા જાવ ને… તો કહે છે વઉ, ત્યોં ઉપર તો ભગવોન હજરાહજૂર જ હશે ને ? મંદિરીયાને શું કરવું છ ? ઇંનો કરતોં થોડો શીરો ખદખદઈને ડબ્બામાં ભરી આલ, રશ્તે ભૂખ લાગ તો ખાવા થોંય !’

‘હાય હાય, શીરો ય લેતાં ગયાં ?’

‘હાસ્તો ? મેં કીધું, છીંકણીની દાબડી તો સાડીના છેડે બરોબર બોંધી છ ન ? તો કે, છેંકણી નહીં લઈ જવી. રશ્તે છેંક થોંય તો અપશુકન થોંય ! ઇમો ન ઇંમો ક્યોંક શરગને બદલે નરકમોં લઈ જોંય તો ?’

એવામાં એકાદ ટેણિયું રડતું રડતું આવે છે. ‘મમ્મી… મમ્મી… દાદી મારી ડિજિટલ ગેમ પણ જોડે લઈ ગયાં… એંએંએ…’

*** 

આખેઆખો પ્લોટ ?

એક સવારે મહેસુલ વિભાગની ઓફિસમાં કલાર્ક કે. સી. ચોકસી કોમ્પ્યુટરમાં નવી જંત્રી મુજબ જે જે સોદા રજિસ્ટર થયા છે તેની ડિટેલ્સ ચેક કરતા હશે ત્યાં અચાનક એમની નજર પડશે : 

‘અલ્યા ડી. કે. પટેલ ? આ સર્વે નંબર 139 બાય 54 નંબરનો પ્લોટ કેમ દેખાતો નથી ?’

‘કોમ્પ્યુટરમાં એરર હશે. ઓરિજિનલ નક્શામાં જુઓ.’ 

કારકુન કે. સી. ચોક્સી નકશાઓ ખોલીને જુએ છે તો એમાંથી પણ 139/54 નંબરનો પ્લોટ ગાયબ છે ! ગભરાયેલા બન્ને કર્મચારી મારતા સ્કુટરે ઘટનાસ્થળે પહોંચે છે તો ત્યાંથી પણ આખેઆખો પ્લોટ ગાયબ છે !

હા, પ્લોટની બાજુમાં એક ભરવાડ માથે હાથ દઈને પોકે પોકે રડતો દેખાય છે… જઈને પૂછે છે કે ‘અલ્યા, તું શેનો રોવે છે?’

તો પેલો કહેશે ‘કાલે રાતનાં મેં મારોં અઢીસો ઘેટોં આ પ્લોટમોં બેસાડેલોં હતોં ! આજે હાહરો આખો પ્લોટ જ ગાયબ છે !’

*** 

આખરે સ્વર્ગ-નર્કના ચેક પોઇન્ટે

પેલી બાજુ સ્વર્ગ-નર્કના કોમન એન્ટ્રી પોઇન્ટ ઉપર કડક ચેકિંગ ચાલતું હશે. ‘ચલો, બોલો, શું લઈને આવ્યા છો ? ખાવાની ચીજો સ્વર્ગમાં લઈ જવાની મનાઈ છે… પીવાની ચીજો માત્ર નર્કમાં એલાઉડ છે… ઓ માજી, તમારો શીરો કાં તો ખાઈ જાવ કાં તો ફેંકી દો… અંદર એલાઉડ નથી ! અને વડીલ આટલાં બધાં ઘેટાં કેમ લઈને આવ્યા છો ? એની લીંડીઓ અહીં કોણ સાફ કરશે ?’

એ જ ચેક પોઇન્ટ ઉપર આખું સેકન્ડ હેન્ડ માલનું રિ-સેલ બજાર ગોઠવાઈ ગયું હશે. ‘ચલો… ચલો… ચલો… નીચેથી જે જે વસ્તુ લઈને આવ્યા છો એના વાજબી અને સારા ભાવ મળશે… ઓ માજી ! સોના-ચાંદીનાં ઘરેણાંનો તો અહીં ઢગલો થઈ ગયો છે ! જુઓ પેલી ત્રણ ટ્રક ભરીને માલ પડ્યો છે ! બોલો, આપવાં છે ઘરેણાં ? અઢીસો રૂપિયે કિલો મળશે… બોલો છે વિચાર ?’

‘અને હલો વડીલ, જમીનનો પ્લોટ લઈને આવ્યા છો ? કાગળિયા બતાડો… શું કહ્યું મોકાની જગ્યાનો પ્લોટ છે ? વડીલ, અહીં મોકાની જગ્યા ના ગણાય… લોકેશન જ બદલાઈ ગયું ને ? જુઓ સ્વર્ગમાં મંદિર બાંધવા માટે પ્લોટ આપવો હોય તો દાનમાં જ આપવો પડશે… બાકી નરકમાં એક દારૂની ફેકટરી માટે પ્લોટની ઇન્કવાયરી છે… બોલો, આપવાનો વિચાર ખરો ?’

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments