2023ના હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ભારતનો નંબર છેક 126મો છે ! અને છેલ્લા એક વરસથી સતત બોમ્બમારા, ગોળીઓ અને ખુવારીનો ભોગ બનેલું યુક્રેન આપણાથી આગળ છે… 92માં નંબરે !
સાલું, બે ઘડી વિચારમાં પડી જવાય એવી વાત છે કે આપણું ભારત આટલું ‘દુઃખી’ કેમ છે ?
***
આપણે ત્યાં સામાન્ય ઘરમાં લગ્ન હોય કે અમીર કુટુંબમાં, આપણે શા માટે આટલા બધા ઉછળી ઉછળીને નાચીએ છીએ ? આપણાં પોતાનાં દુઃખ દૂર કરવા ?
***
જ્યાં જ્યાં IPLની મેચો ચાલે છે ત્યાં 30,000થી લઈને 1 લાખ 20 હજાર સુધીની સંખ્યામાં લોકો સ્ટેડિયમો સુધી શા માટે લાંબા થાય છે ? અને ચોગ્ગા, છગ્ગા કે વિકેટો જોઈને શા માટે ચિચિયારીઓ પાડે છે ? દેશનું દુઃખ દૂર કરવા ?
***
એ જ IPL ટીવી કે મોબાઈલમાં લાઈવ જોનારાની સંખ્યા 20 લાખથી 40 લાખ સુધીની થઈ જાય છે ! કેમ ? બિચારા લોકો દુઃખી હશે એટલે જ ને ?
***
અરે, રોજ 85 કરોડ જેટલા મોબાઈલોમાં ફની જોક્સ, ફની વિડીયો, ફની મિમ્સ અને સુપરફની રીલ્સ જોવાય અને ફોરવર્ડ થાય છે તે શેના માટે ? હેપ્પીનેસ માટે ? ના ભઈ ના ! દુઃખ માટે !
***
અચ્છા, નવરાત્રિ આવે ત્યારે આખું ગુજરાત ઘેલું થઈને સળંગ ‘નવ-નવ રાતો શા માટે નાચે છે ? (એ પણ સરસ મજાનાં કપડાં પહેરીને !)’ દુઃખી છીએ એટલે જ ને !
***
આખા ઇન્ડિયામાં વરસ દરમ્યાન મીઠાઈઓ, ચોકલેટો તથા વિવિધ પ્રકારની કેકના વેચાણનો આંકડો 1 લાખ 85 હજાર કરોડને પાર કરી જાય છે ! કેમ ? કારણ કે બધા દેશીઓ દુઃખમાં જ મોં મીઠું કરાવતા હશે, નહીં ?
(ઇન્ડેક્સ બહાર પાડનાર આંધળાઓને તો એ પણ ખબર નહીં હોય કે અહીં કોઈના મૃત્યુના બારમા દિવસે પણ લાડવાનું જમણ હોય છે.)
***
જોકે મોડે મોડે અમને ટ્યુબલાઈટ થઈ કે આ હેપ્પીનેસ ઇન્ડેક્સ પણ એક જાતની મોટી ‘જોક’ જ છે ! શું કહો છો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment