‘પઠાન’ ફિલ્મે આખી દુનિયાના ભોળા પ્રેક્ષકોના ખિસ્સામાંથી 1000 કરોડ રૂપિયા સેરવી લીધા છે એ વાત સાચી, પણ ભારતના સોશિયલ મિડીયામાં જે મહાચતૂર વિવેચકો બેઠા છે એમના દિમાગમાં પણ ‘પઠાન’ની આટલી બધી પોલમપોલની બત્તીઓ નથી થઈ ? એ ખરેખર નવાઈની વાત છે !
એથી પણ ભેદી રહસ્યમય વાત એ છે કે ભલભલી ફિલ્મોમાંથી લોચા શોધીને રાતોરાત મિમ્સ બનાવી નાંખનારા સ્માર્ટ લોકોએ પણ ‘પઠાન’ના લોચાલાપસી ઉપર એકેય મિમ બનાવ્યું નથી ! એવું કેમ?
અમારા ખિસ્સામાં હરામની કમાણીનો એક પણ રૂપિયો નથી હોતો એટલે અમે તો થિયેટરમાં ફિલ્મ જોવા ગયા જ નહોતા પણ જે વાહિયાત કારણસર દેશના 4 લાખ લોકો ફિલ્મ જોવા ગયા હતા એ જ વાહિયાત કારણસર અમે પણ આ ફિલ્મને OTTમાં જોઈ નાખી. (કારણ એ જ હતું કે ‘એવું તે બળ્યું શું છે ‘પઠાન’માં?’) પરંતુ ફિલ્મ જોતાજોતાં અમને રોહિત શેટ્ટીની કોઈ ભેજાંગેપ કોમેડી ફિલ્મ કરતાંય વધારે હસવું આવ્યું છે ! (થેન્ક યુ સિધ્ધાર્થ આનંદ !)
***
પોલમપોલ નંબર (1)
ફિલ્મની શરૂઆતમાં બતાડે છે કે ભારતના રાષ્ટ્રપતિ જ્યારે દૂબઈની મુલાકાતે ગયા છે ત્યારે એમની હત્યા થવાની છે, એવી ‘ઇન્ટેલ’ (એટલે કે ‘ઇન્ટેલિજન્ટ ઇન્ફોરમેશન’ હોં?) મળે છે. પછી અધવચ્ચે ખબર પડે છે કે બોસ, આખો ખેલ તો એ કાફલામાં સામેલ બે ભારતીય સાયન્ટિસ્ટોનું અપહરણ કરવાનો હતો !
હવે પોલમપોલ એ છે, મારા વ્હાલા વિલન, જો તારે વૈજ્ઞાનિકોનું જ કિડનેપ કરવું હતું તો છેક દૂબઈ સુધી લાંબા થવાની શી જરૂર હતી ? બિચારાઓ આમેય ઇન્ડિયામાં કોઈ સિક્યોરીટી વિના ફરતા હોય છે ! એ લોકો જ્યારે ઓફિસેથી છૂટીને ઘર માટે શાકભાજી ખરીદવા ગયા હોય ત્યાંથી જ ઉપાડી લેવામાં શું વાંધો હતો ? શું કહો છો !
***
પોલમપોલ નંબર (2)
અચ્છા, શું દુબઈમાંથી જ એમને ઉઠાવવા દેવાના હતા એવું નક્કી હતું ? જો એમ ના હોય તો બન્ને વૈજ્ઞાનિકોને ઓપન-રૂફ કારમાં બેસાડવાનું શું લોજીક હતું ? ફક્ત એટલા માટે, કે ઉપરથી પેલો વિલન જોન અબ્રાહમ હેલિકોપ્ટર લઇને આવે અને દોરડાં વડે એમને કારમાંથી ખેંચી જઈ શકે ? જો ત્યાં સીધી સાદી નોર્મલ છાપરાંવાળી કાર હોત તો કંકોડામાંથી એને ઉઠાવી શકવાનો હતો ? ના ના, તમે જ કહો બોસ.
***
પોલમપોલ નંબર (3)
અચ્છા, હેલિકોપ્ટર વડે વૈજ્ઞાનિકોને ઉઠાવી જવાનો પ્લાન છે એવી ખબર પડે કે તરત આપણો શાહરૂખ, જે કારમાં બેઠો હતો, તે કાર ભગાવીને વૈજ્ઞાનિકોની કાર પાછળ ધસી જવાને બદલે શું સીધો દૂબઈ એરપોર્ટ પર જાય…? ત્યાંથી એક હેલિકોપ્ટર બુક કરે…? એક મશીનગન પણ રસ્તેથી નવી ખરીદી લે..? અને છેક એ પછી… પેલી વૈજ્ઞાનિકોની કાર ઉપર આવીને ગોળીઓ છોડવા માંડે છે !!! બોલો.
અલ્યા શાહરૂખ, તારી પાસે આટલો બધો ટાઈમ હતો ? અને હેલિકોપ્ટરમાંથી ગોળીઓ જ છોડવી હતી તો ડાયરેક્ટ વિલન ઉપર કેમ નથી છોડતો ?
***
પોલમપોલ નંબર (4)
અચ્છા, એ પછી તો બન્ને જણા કારના છાપરાં ઉપર, એકબીજાને ઢીશૂમ ઢીશૂમ કરતા રહે છે. તો ભઈ, પેલી કાર, જે પ્રેસિડેન્ટ સાહેબના કાફલામાં હતી એના ડ્રાઈવરને એમ વિચાર ના આવે, કે બોસ, હું કચ્ચીને એક બ્રેક મારું તો બન્ને જણા સીધા રોડ ઉપર પડશે ! પછી તો વિલન ઉપર કારનું પૈડું જ ચડાવી દેવાય ને ?
***
પોલમપોલ નંબર (5)
અને હા, જે કન્ટેનરના છાપરાં ઉપર બન્ને ઢીશૂમ ઢીશૂમ કરે છે તે કન્ટેનરની ઉપર દોઢ ઈંચની પહોળાઈવાળી લોખંડની એક નાની સરખી હૂક છે ! એમાં જો બન્ને હેલિકોપ્ટર વડે લટકતું દોરડું ફસાવી દેવામાં આવે તો આખું કન્ટેનર એટલા અમથા હૂક વડે હવામાં ઉંચકી શકાશે, એમ ?
યાર, કયા જિનિયસ મિકેનિકલ એન્જિનિયરે આવા સુપર-મજબૂત હૂકની ડિઝાઈન બનાવી છે ?
***
પોલમપોલ નંબર (6)
આખરે દૂબઈની આટલી લાંબી ચેઝ પછી જ્યારે શાહરૂખની કાર પલ્ટી ખાઈ જાય છે… ત્યારે શાંતિથી સીટી વગાડતો જોન અબ્રાહમ નજીક આવે છે… ત્યાં સુધીમાં પલ્ટી ખાધેલી કારમાથી બહાર ના નીકળી શકાય ? કોણે આવી કમાન્ડો ટ્રેનીંગ આપી છે શાહરૂખને ?
અને જ્યારે લીક થતા પેટ્રોલના લાંબા લીસોટા ઉપર જોન ગોળી ચલાવે છે ત્યારે બોસ, એક સીટ બેલ્ટ તોડીને બહાર નીકળતાં આટલી બધી વાર કેમ લાગે છે આપણા સુપર કમાન્ડો સમાન એજન્ટ પઠાનને ?
(હજી ઘણી પોલમપોલ બાકી છે. શાંતિ રાખજો!)
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
મશીનગન માટે...પાછળ શાક માર્કિટ હતું તે સેન્સર બોર્ડે ..હં. સમજી ગયા?
ReplyDeleteFunny.
ReplyDelete