રેલ્વે મુસાફરોની માંગણીઓ !

લો, હવે તો રાજસ્થાનમાં પણ ‘વંદે ભારત’ ટ્રેન ચાલુ થઈ ગઈ ! ભારતીય રેલ્વેએ આટલી બધી પ્રગતિ કરી છે છતાં રેલ્વેના મુસાફરો તથા સ્ટાફની અમુક માંગણીઓ હજી પણ પેન્ડિંગ જ છે ! જુઓ….

*** 

પાસ-ધારકોને દાદાગિરી – અધિકાર
રોજ અપ-ડાઉન કરતા પાસધારક પેસેન્જરોને હવે કાયદેસર રીતે દાદાગિરી કરવાનો અધિકાર આપી દેવો જોઈએ. (રાઈટ ટુ બુલી) એમાં એવું પ્રાવધાન પણ રાખો કે જે પાસધારક પેસેન્જર દાદાગિરી નહીં કરે તેને સીટ નહીં મળે !

*** 

ખુદાબક્ષ પાસ
જે બિચારાઓ BPL છે, મતલબ કે ગરીબીરેખાની નીચે જીવી રહ્યા છે. એમને BPL કાર્ડની સાથે એક ખુદાબક્ષ કાર્ડ પણ આપો ! પછી એ જ લોકો જે જે રાજ્યોમાં ચૂંટણી હશે ત્યાં જઈને તમને વોટ પણ આપી આવશે ! બોલો.

*** 

ભિખારી-લાયસન્સ
ટ્રેનોમાં ભીખ માંગતા ભિખારીઓને મન્થલી લાયસન્સ આપો. જે એમણે દર મહિને મોબાઈલ વડે રિ-ચાર્જ કરાવી લેવાનું રહેશે. (કેમકે મોબાઈલ તો આજકાલ તમામ ભિખારીઓ પાસે હોય છે !)

*** 

ફેરિયા-પ્રિમિયમ
પાણીની બોટલ, સોફ્ટ ડ્રીંક્સ, નાસ્તાનાં પડીકાં, વેફર્સ, બિસ્કીટ, ચા-કોફી તથા આઇસ્ક્રીમ વગેરે વેચનારા ફેરિયાઓને છાપેલી કિંમત કરતાં દોઢા ભાવે બધું વેચવાનો હવે ‘ઓફિશીયલ’ પરવાનો આપી જ દો ને ! વિકાસ કરો, વિકાસ.

*** 

ટીસી-ક્વોટા અને કુલી-ક્વોટા
VIP ક્વાની જેમ ટીસી-ક્વોટા અને કુલી ક્વોટા પણ રાખો ! રિઝર્વેશન ડબ્બામાં 100 સીટોમાંથી 10 સીટો ટીસી પોતે જ ‘એડજસ્ટ’ કરી આપે ! (પછી પગાર વધારો નહીં આપો તો ચાલશે.)

એ જ રીતે કુલીઓને દરેક જનરલ ડબ્બામાં 15 સીટોનો ક્વોટા ફાળવી આપો ! અરે, ‘ડેઈલી ઑન’ના ભાવ પણ ડિસ્પ્લે કરો અને કુલીઓ પાસેથી 15 ટકા કમિશન લઈ લો ! રેલ્વેની આવકમાં પણ વિકાસ…

***

- મન્નુ શેખચલ્લી

Comments