આપણે અમુક વખતે બોલતાં શું બોલી જઈએ છીએ એની આપણને જ ખબર હોતી નથી ! જુઓ નમૂના…
***
બહેનો કહેતી હોય છે કે ‘લોટ દળાવવાનો છે…’
અરે બહેન, લોટ તો દળેલો જ હોય ! જે દળાવવાનું છે તે અનાજ કે કઠોળ હોય !
***
એ જ રીતે બહેનો કહેતાં હોય છે કે ‘ઘઉં વીણવાના છે…’
અરે, ઘઉં નહીં, ઘઉંમાંથી ‘કાંકરા’ વીણવાના છે !
***
આજકાલના સ્ટુડન્ટો કહે છે કે ‘સખ્ખત હાર્ડ પેપર હતું…’
એ બકા, સખત એટલે જ ‘હાર્ડ’ ! બબ્બે વાર કહેવાની શી જરૂર છે ?
***
એ જ રીતે યંગસ્ટર્સ કહેતા હોય છે કે ‘ફલાણી જગ્યાનું ફૂડ એકદમ સોલ્લીડ હોય છે બોસ !’
ઓ હલો ! જો ફૂડ ખરેખર એટલું ‘સોલ્લીડ’ હોય તો તને બીજા દિવસે એકદમ ‘લિક્વીડ’ ઝાડા થઈ જશે !
***
આપણે મેચ જોતાં જોતાં પૂછી લઈએ છીએ. ‘બોસ, કુલ ટોટલ કેટલા રન થયા ?’
- ભાઈ સાહેબ, ‘કુલ’ એટલે જ ‘ટોટલ ’ !
***
ભાવની રકઝક કરતી વખતે પણ આપણે કહેતા હોઈએ છીએ : ‘ચાલો, ડિસ્કાઉન્ટમાં કેટલું ઓછું કરી આપશો ?’
- વડીલ, ડિસ્કાઉન્ટ એટલે જ ઓછું કરી આપવું ! એમાં વળી જો તમે ‘ઓછું’ કરાવો તો સરવાળે વધારે ચૂકવવાના થાય !
***
અમુક વડીલો દલીલો કરતી વખતે ઉશ્કેરાઈને કહેતા હોય છે કે ‘સાહેબ, આ ફેક્ટ હકીકત છે ! છાપામાં આવી ગયું છે !’
- તો વડીલ, ફેક્ટ એટલે જ હકીકત ! અને છાપામાં તો ફેક્ટ જ આવે છે. ‘ફેક’ તો મોબાઈલમાં આવે છે !
***
જોકે છાપામાં પણ અમુક રીતે લખાયેલું સમજાતું નથી હોતું. જેમકે… ‘સ્ટેન્ડિંગ કમિટીની બેઠક..’
- બોલો, જો કમિટી ‘સ્ટેન્ડિંગ’ હોય તો એમની ‘બેઠક’ શી રીતે હોય ?
***
એવી જ રીતે ટીવીની ન્યુઝ ચેનલોમાં પણ કન્ફ્યુઝન થાય છે. એમાં ન્યુઝ એન્કર વારંવાર બોલ્યા કરે છે : ‘તમે જોઈ શકો છો… તમે જોઈ શકો છો…’
મેડમ, અમે જોઈ જ શકીએ છીએ ! હજી અમને મોતિયો આવ્યો નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment