પિયર જતી પત્ની !

કવિ કાલિદાસ જો આજે જીવતા હોત, પરણેલા હોત અને સ્વાભાવિક છે, કવિ છે એટલે મિડલ ક્લાસિયા હોત તો એમણે ‘અષાઢસ્ય પ્રથમ દિવસે’ને બદલે ‘વેકેશનસ્ય તૃતિય દિવસે’ એવું કાવ્ય જરૂર લખ્યું હોત ! 

બાકી આજના કવિઓ જે ટેરવામાંથી ફૂટતી કુંપળ તથા ઝાકળમાંથી ઉગતી ઉર્મિઓ જેવા તદ્દન ‘રિમોટ’ વિષયો ઉપર કવિતાઓ લખી શકે છે એ લોકોએ પિયર જતી પત્ની વિશે શા માટે એક નાનકડું હાઈકુ પણ હજી લખ્યું નથી ?

પતિ જ્યારે પિયર જઈ રહેલી પત્નીને વિદાય આપી રહ્યો હોય છે ત્યારે એના હૈયામાં કેવા કેવા ઉમળકાઓના દરિયાઓ હિલ્લોળા લેતા હોય છે ? બિચારો ચહેરા ઉપર તો માંડ માંડ ‘મિસ યુ’ ટાઈપના હાવભાવને ટકાવી રાખવાની કોશિશમાં હોય છે. પણ ડીપ ડાઉન ઇન ધ હાર્ટ તો એમ જ ચાલતું હોય છે કે ‘હજી કેટલી વાર???? નીકળવામાં…?’

પત્ની જ્યારે પિયર પહોંચે છે ત્યારે પતિ જે ફોન કરીને પૂછે છે ને, કે ‘સેઈફલી પહોંચી ગઈ ?’ ત્યારે એની પાછળ પત્નીની સેફ્ટીની ચિંતા નથી હતો. ઉલ્ટું, હવે પોતે બિલકુલ ‘સેફ’ છે ને, એની ખાતરી કરવા માટે જ એ કોલ કરવામાં આવ્યો હોય છે.

અગાઉના લોકગીતોમાં જ્યારે પણ પતિ બહારગામ જતો ત્યારે પત્ની એને ‘ઓલું લાવજો, પેલ્લું લાવજો, કચકડાની બંગડી લાવજો રે… હો મારવાડા !’ એવું કહેતી હતી. પણ આજે જ્યારે પત્ની પિયર જાય છે ત્યારે ‘ઓલું જોજો, પેલ્લું સંભાળજો, ને પેલ્લાં પેલ્લાંનું ધ્યાન રાખજો રે…’ એવું એનું લાંબુ-લચક લિસ્ટ હોય છે... જેમકે, હજી તો બીજા દિવસે સવારે સાડા સાતની ટ્રેન હોય તો પણ આગલી સાંજના સવા પાંચથી લિસ્ટની રેકોર્ડ ચાલુ થઈ જાય છે : 

‘સવારે દૂધ અડધો લિટર જ લેવાનું છે, કામવાળીને પગાર આપી દીધો છે, તમારા માટે શક્કરપારાનો નાસ્તો બનાવીને ડબ્બામાં મુકી રાખ્યો છે, ચા જાતે બનાવીને પીજો, બહારથી કચરો ખાઈને ના આવતાં, બાજુવાળાં શાંતામાસીને કહ્યું છે તમને જમવાનું આપી જશે, ખોટા ઉજાગરા કરતા નહીં, તબિયત સાચવજો, અને પડોશવાળાં રૂપાલીબેન વાટકી ગઈ ગયા છે તે પાછી લાવવા જવાની કોઈ ઉતાવળ નથી, સમજ્યાને ? અને હા, મને કોલ કરો તો વિડીયો કોલ કરજો. એટલે ખબર પડે કે…’

‘કે શું ?’ એવું જો તમે ભૂલેચૂકે પૂછ્યું તો તરત જ AK-47માંથી છૂટતી ગોળીની ઝડપે જવાબ છૂટશે.. 'કે તમે કેટલા ડાહ્યા છો ! બહુ હોંશિયારી ના મારો ! અમને બધી ખબર પડે છે…’

મૂળ તો પતિના હૈયે માત્ર એટલા માટે હરખ સમાતો ન હોય કે ‘એને ક્યાં કંઈ ખબર પડવાની છે ?’ પરંતુ વિડીયો કોલની વાત તો હજી દૂર રહી, પત્નીને પિયર જવાના 24 કલાક પહેલાં જ પતિના ચહેરામાં ઊંડે ઊંડે છૂપાઈ રહેલા હાવભાવો વગર વિડીયો કોલે વંચાઈ ચૂક્યા હોય છે ! 

બાકી વિડિયો કોલમાં તો પતિની હાલત મહાભારતના પેલા અર્જુન જેવી હોય છે, જેના બન્ને પગ ત્રાજવાનાં અલગ અલગ પલડામાં છે ! જો પત્નીને વિડિયો કોલમાં સ્માઈલ આપીને એમ પૂછે કે ‘સુ ચ્છેએએ? મજ્જામાં ને ?’ તો પત્નીનું મોં ફૂલી જશે. ‘આહાહા… મારાથી છૂટ્યા એટલે મોં કેવું હસુંહસું થઈ રહ્યું છે ?’ 

અને જો ગમગીન કવિની માફક ઉદાસ મોં રાખીને કહે કે  ‘ખાસ ગમતું નથી…’ તો પણ પત્ની સામું તીર છોડશે ‘બસ બસ હવે. બહુ એક્ટિંગ ના કરી બતાડો… મનમાં તો લાડવા ફૂટી રહ્યા હશે, નંઈઈ ?’

હવે તમે જ કહો, આમાં પતિ કરે તો કરે પણ શું ? 

એક બાજુ દોસ્તારો મંડ્યા હોય કે ‘અલ્યા, તારા ઘરે તું એકલો છે તો પત્તાં-પીવાનો પ્રોગ્રામ કરીએ ને ?’ બીજી બાજુ પડોશનાં શાંતામાસી તમારા ઘર ઉપર CBIના સર્વેલન્સ કેમેરાની જેમ નજર રાખતાં હોય, ત્રીજી બાજુ તમારા ઘરમાંથી રાતના બે વાગે ખડખડાટ હાસ્યો અને બેસૂરા અવાજે ગવાતાં નશીલાં શરાબ-ગીતો સાંભળીને ગલીનાં કૂતરાં અચાનક એક-સામટાં ભસવા લાગ્યાં હોય ત્યારે પાડોશીઓ ફટાફટ લાઈટો કરી કરીને પૂછવા માંડે કે ‘ભઈ… બધું બરોબર છે ને ? કંઈ તકલીફ તો નથી ને ?’ 

...અને આવામાંપત્નીનો ફોન ભૂલેચૂકે ના આવી ચડે એટલા ખાતર તમે ફોનની બેટરી જાણી જોઈને ઝીરો પર લાવીને ફોન સાઈડમાં મુકી રાખ્યો હોય તે છતાં, સાલી ફોનની ઘંટડી વાગે !!

તમે જુઓ તો પત્નીનો જ વિડીયો કોલ હોય ! અને, એ જ વખતે તમારો કોઈ જિગરી દોસ્ત તમારો ખભો થાબડીને કહેતો હોય : ‘ઉપાડ ને ? કોનો ફોન છે ? આ તો જસ્ટ મારું ધ્યાન પડેલું એટલે મેં જ તારો ફોન ચાર્જિંગમાં મુકેલો !’

-તારી ભલી થાઆઆઆય ?!?!

બોલો, આવું બધું કવિ કાલિદાસ એમની કવિતામાં લખી શકે ખરા ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments