ખબરોમાં ખણખોદ !

એક જમાનો હતો જ્યારે ‘ચાય પે ચર્ચા’ થતી હતી… એ પણ શાંતિથી ! હવે એવું છે કે ખબરોની ખણખોદ થવા માંડી છે, એ પણ ગરમા-ગરમીથી ! જુઓ…

*** 

ખબર
અમદાવાદમાં હાટકેશ્વરનો ફ્લાયઓવર બ્રિજ તોડી પાડવામાં આવશે.

ખણખોદ
જેટલા કરોડનો બ્રિજ બન્યો હતો તેટલા કરોડ રૂપિયા અમદાવાદના કરદાતાઓને રિફંડમાં મળવા જોઈએ ! શું કહો છો ?

*** 

ખબર
લોકપાલની 67 ટકા ફરિયાદો અંગ્રેજીમાં નહોતી એટલે રદ થઈ.

ખણખોદ
હદ થાય છે ! મતલબ કે જે ભ્રષ્ટ નેતાઓ અભણ, ઓછું ભણેલા અને અંગ્રેજીનો ‘અ’ જાણનારા નથી એમની સામે ફરિયાદ કરવી હોય તો તમારે ગ્રેજ્યુએટ થવું પડે ?

*** 

ખબર
અંતરીક્ષમાં ઉગાડેલાં 2000 કિલો ટામેટા ધરતી ઉપર લાવવામાં આવશે !

ખણખોદ
બહું સારું ! પણ હિમાચલ તથા પંજાબમાં જે 2 લાખ કિલો ટામેટાંનો પાક ઓલરેડી ધરતી ઉપર ઉગ્યો છે એના સરખા ભાવ અપાવવાની કોઈ સાદી ટેકનોલોજીની શોધ કરોને ?

*** 

ખબર
કેજરીવાલ કહે છે કે ‘જો હું ભ્રષ્ટાચારી હોઉં તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી.’

ખણખોદ
આ તો ટેન્શન થઈ ગયું ! કાલે ઊઠીને જો કેજરીવાલ ભ્રષ્ટાચારી સાબિત થયા, તો દેશના 100 કરોડ મામુલી લોકોએ પોતાની ઇમાનદારી શી રીતે સાબિત કરવાની ?

*** 

ખબર
જોન અબ્રાહમે જાહેર કર્યું છે કે હવે તે ફિલ્મોમાં કોમેડી નહીં કરે.

ખણખોદ
એ ભાઈ બહુ મોટા ભ્રમમાં લાગે છે ! એને કોણે કહ્યું કે એ જે કંઈ કરતો હતો એ કોમેડી હતી !

*** 

ખબર
ગેંગસ્ટર અતિક એહમદ અને તેના ભાઈની હત્યા કરનારાઓ મિડીયાકર્મી બનીને આવ્યા હતા.

ખણખોદ
તમે જોજો, આ બહાને હવે મિડીયાને VIP નેતા તથા VIP ગુંડાઓથી મિનિમમ 50 મીટર દૂર ઊભા રહીને જ સવાલો પૂછવા પડશે ! વાણી સ્વાતંત્ર્ય છે સાહેબો !

***

- મન્નુ શેખચલ્લી

Comments