ચૂંટણી પંચે મમતા બેનરજીની TMC અને શરદ પવારની NCP જેવી પાર્ટીઓને રાષ્ટ્રિય પાર્ટીઓના લિસ્ટમાંથી બહાર કરી દીધી છે.
સવાલ એ છે કે હવે એવી તે કેવી પાર્ટીઓ બનાવવી જોઈએ જે ‘રાષ્ટ્રિય પાર્ટી’ બની શકે ? થોડાં સૂચનો…
***
અપક્ષ પાર્ટી
આખી પાર્ટી જ અપક્ષોની ! આખા દેશમાં જ્યાં જ્યાં ચૂંટણીઓ સામે આવે છે કે તરત જ હજારોની સંખ્યામાં અપક્ષ ઉમેદવારો રાતોરાત ફૂટી નીકળે છે !
લોચો એ થાય છે કે ચૂંટણી થાય એ પહેલાં અમુક અપક્ષ ઉમેદવારો બેસી જાય છે ! અથવા અમુક જીત્યા પછી સત્તાપાર્ટીમાં સામે ચાલીને વિલીન થઈ જાય છે !
સોલ્યુશન એ છે કે આખી દેશવ્યાપી પાર્ટીનું નામ જ ‘અપ ક્ષ પાર્ટી’ રાખી દેવાનું !
મેમ્બરશીપ ફી : ડિપોઝીટ જેટલા રૂપિયા જમા કરાવો અને મેમ્બરશીપ લઈ જાવ !
***
ટિકીટ પાર્ટી
તમામ મોટી અને નાની પાર્ટીઓ તમને ટિકીટ આપવામાં ઠાગાઠૈયા કરે છે ને ? તો બોસ, અહીં તો પાર્ટીનું નામ જ ‘ટિકીટ પાર્ટી’ છે ! પાર્ટીમાં જોડાવ અને ‘તત્કાલ’માં ટિકીટ લઈ જાવ ! અરે, ‘સિઝન ટિકીટ’ પણ મળશે !
મેમ્બરશીપ ફી : મિનિમમ 10 હજારથી લઈને 10 કરોડ સુધીનું ડોનેશન આપીને સભ્ય બની શકો છો ! જલ્દી કરો… પોતાને જ ડોનેશન આપીને ટેક્સ બચાવો !
***
બિયર-દારૂ પાર્ટી
બધી પાર્ટીઓ મત મેળવવા માટે મતદારોને દારૂ-બિયરની પાર્ટી તો આપે જ છે ને ? પણ અહીં તો સૌથી પહેલો હક્ક પાર્ટીના મેમ્બરોનો જ રહેશે ! જોડાઈ જાવ, ને જલસા કરો !
મેમ્બરશીપ ફી : વિદેશી દારૂના ત્રણ ક્રેટ, દેશી દારૂના પાંચ અને બિયરનાં માત્ર દસ ક્રેટ. ખુબ જમેગી જબ મિલ બૈઠેંગે સભી… સભ્ય !!
***
ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટી
સોરી, આ પાર્ટી કદી ઇલેક્શન લડશે જ નહીં ! પણ વાતો બહુ સરસ કરશે… લોકશાહી કેવી હોવી જોઈએ, નેતાઓ કેવા હોવા જોઈએ ? અને હા, મતદારો પણ કેવા હોવા જોઈએ ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment