થોડા દિવસ પહેલાં ન્યુઝ હતા કે મુંબઈના એક યુવાને પોતે ‘વિગન’ હોવા છતાં એવરેસ્ટ સર કર્યો છે !
અમને થયું કે ઓહોહો… દુનિયામાં આવું ‘છતાં’વાળું તો ઠેર ઠેર જોવા મળે છે ! જેમકે…
***
મારા એક મિત્ર ડોક્ટર છે છતાં…
- એમના અક્ષર સારા છે ! બોલો.
***
મારા બીજા એક મિત્ર વકીલ છે છતાં…
- એ તો કોર્ટમાં પણ જુઠ્ઠું નથી બોલતા.
(એમનું ઘર શી રીતે ચાલે છે એ મને ખબર નથી.)
***
તમે દેશમાં અનેક એવા નેતાઓ જોયા હશે તેમની પાસે બંગલો, ગાડી, જમીનો અને કરોડો રૂપિયા છે. છતાં….
એ નેતાઓ ‘ભ્રષ્ટાચાર’ સામે લડવાની વાતો કરતા હોય છે !
***
તમે એવા પણ અનેક લોકોને જોયા હશે જેઓ પાન-મસાલા, તમાકુ, ગુટખા વગેરે ખાતા જ હોય છે. છતાં…
એમ માને છે કે કેમિક્લ્સથી પકવેલી કેરીઓ ‘ઝેરી’ હોય છે ! બોલો.
***
એક સજ્જનનો આઈક્યુ ખૂબ જ ઊંચો છે છતાં…
એમને હિન્દી કોમેડી ફિલ્મો બહુ જ પસંદ છે !
***
અરે, દેશના જુવાનોને જોઈ લો. એ લોકો જીમમાં જાય છે. બોડી બનાવે છે. વર્ક આઉટ કરે છે, છતાં…
એમને એવી કોઈ નોકરી નથી કરવી જેમાં ‘હાર્ડ-વર્ક’ કરવાનું આવે !
***
તમને નવાઈ લાગશે, પણ અમુક લોકોનાં ફોનમાં ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ટિન્ડર અને સત્તર જાતની ગેઈમ્સ હોવા છતાં…
- એમની ગરદન હજી ટટ્ટાર રહી શકે છે !
***
અને બોસ, હું એક એવા બહુ જ સારા સ્પોર્ટ્સમેનને જાણું છું, જે સ્પોર્ટ્સમેન હોવા છતાં…
- રોજ ક્રિકેટમાં સટ્ટાની ગેઈમ રમે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment