જીવનમાં બહુ ઝોલ છે !

જિંદગીમાં સફળ થવા માટે હવે તો જ્યાં જુઓ ત્યાંથી આપણા માથે ‘જીવનમંત્રો’ ફટકારવામાં આવે છે ! આપણે એ બધા મંત્રોને બેસ્ટ માનીને ફોરવર્ડ પણ કરી દઈએ છીએ ! પણ બોસ, એમાં બહુ ઝોલ છે…

*** 

જીવનમંત્ર છે કે…
બીજાઓ શું કહેશે એની જરાય પરવા કરશો નહીં.

ઝોલ એ છે કે…
આવી સલાહ આપનારા પોતે જ પોતાના મોબાઈલમાં સતત જોયા કરતા હોય છે કે કોની કેટલી કોમેન્ટો આવી, કેટલી લાઈક મળી, કેટલાએ શેર કર્યું…

*** 

જીવનમંત્ર છે કે…
નિષ્ફળતાથી કદી ડરો નહીં.

ઝોલ એ છે કે…
આવી સલાહ આપનારા પણ પોતાનાં સંતાનોના માર્ક ઓછા ના આવે એટલા માટે એમને રોજનાં ત્રણ ત્રણ ટ્યૂશનોમાં ધકેલે છે, કોચિંગ ક્લાસોમાં મોકલે છે અને માત્ર બે માર્ક ઓછા આવે એમાં તો બાર કલાક સુધી કકળાટ કરે છે !

*** 

જીવનમંત્ર છે કે…
હંમેશાં બીજાઓને મદદ કરો.

ઝોલ એ છે કે…
મેં તો જ્યારે જ્યારે કોઈ પાસેથી દસ-વીસ લાખ ઉધાર માગ્યા છે ત્યારે તો મળ્યા જ નથી ! જોકે હા, બેન્કો મદદ કરવા માટે રોજના દસ ફોન કરે છે પણ લોન માગવા જઈએ તો ગેરંટી માગે છે !

*** 

જીવનમંત્ર છે કે…
જે મળ્યું છે તેમાં સંતોષ રાખો.

ઝોલ એ છે કે…
દુનિયામાં કોઈપણ પતિને આ વાત કદી હજમ થઈ જ નથી !

*** 

જીવનમંત્ર છે કે…
સપનાંઓ હંમેશાં મોટાં જુઓ…

હલો...આમાં ઝોલ છે જ નહીં…
કેમકે અમે તો મોટાં મોટાં સપનાં જોવા મળે એના માટે કદી વહેલા ઊઠતા જ નથી ! ઉલ્ટું, બે કલાક વધારે ઊંઘી લઈએ છીએ !

- થેન્ક્યુ !

***
- મન્નુ શેખચલ્લી

Comments