એપ્રિલ ફૂલના વોટ્સએપ નુસખા !

નેતાઓ તો આપણને બારે માસ એપ્રિલ ફૂલ બનાવતા જ રહે છે પણ વરસમાં એક જ દિવસે આપણે આપણા મિત્રો તથા સ્વજનોને નિર્દોષ મજાક વડે ‘ફૂલ’ બનાવી શકીએ છીએ ! પ્રસ્તુત છે કેટલાક ઘેર બેઠા અજમાવી શકાય તેવા નુસખા…

*** 

કોઈ મિત્રના (અથવા દુશ્મનના) બાબલાનો ફોટો મુકીને નીચે લખવું કે સવારે સ્કુલ જવા નીકળ્યો છે પરંતુ સ્કુલે પણ નથી પહોંચ્યો અને ઘરે  પણ નથી પહોંચ્યો…
ઘરે પહોંચાડનારને 5000 રૂપિયા ઇનામ. સાથે સરનામુ અને ફોન નંબર લખવો, અને આ મેસેજને ભલતા ગ્રુપોમાં વહેતો કરવો !

*** 

મોટું ફેમિલી ગ્રુપ હોય તો આ નુસખો મજેદાર છે : એકાદ ઓછું પાર્ટિસીપેટ કરતા સગાના કોઈ દૂરનાં કાલ્પનિક (રિયલ નહીં) સગાનું અવસાન થયું છે તેવું લખીને RIPનાં તોરણો બાંધવાની શરૂઆત કરો….
- પછી રાત્રે જ ફોડ પાડવો !

*** 

હાલમાં જેનાં લગ્ન થઈ ગયાં હોય તેવા હેન્ડસમ મિત્રનો મસ્ત ફોટો અને તેનો આકર્ષક લગ્નવાંચ્છુ બાયોડેટા (લાખોની આવક સાથે) જુદાં જુદાં ફેમિલી ગ્રુપોમાં ફરતો કરો !
- ખાસ તો એની પત્નીને કોઈ રીતે પહોંચે એ રીતે સેન્ડ કરો !

*** 

એકાદ ખમણની દુકાનનો ફોટો મુકો. નીચે લખો કે આજે દુકાનનાં 10 વરસ થયાં હોવાથી દરેક ગ્રાહકને માત્ર 10 ટકા ભાવે ખમણ આપવામાં આવશે !
- તકેદારી એ રાખવાની કે સરનામું કોઈ બીજા જ શહેરનું આપવાનું ! ભલે શોધ્યા કરતા સૌ…

*** 

કોઈ બોગસ (છતાં ખ્યાતનામ લાગે એવા) હવામાનશાસ્ત્રીના નામે ‘ચેતવણી’ બહાર પાડો કે આજે સમગ્ર ગુજરાતનાં શહેરોમાં રાત્રે 9 થી 10 વચ્ચે ખતરનાક ધરતીકંપ થવાની સંભાવના છે. બચવા માટે સૌએ પોતાના માથે જાડો ટુવાલ બાંધીને ઘરની બહાર નીકળી, મિનિમમ 100 ફૂટ દૂર ઊભા રહેવા વિનંતી છે !
જાણકારી એ જ બચાવ !

*** 

(ખાસ ચેતવણી : આમ કરવા જતાં તમને માર પડે તો અમારી કોઈ જવાબદારી નથી.)

***

- મન્નુ શેખચલ્લી

Comments