આજકાલ જે રીતે મહિલા ટીમોની IPL ચાલી રહી છે તેની સામે અમને સખ્ખત વાંધો છે. શું મહિલા ક્રિકેટરો પુરુષોની નકલ કરવા માટે જ જન્મી છે ? બધું પુરુષોમાંથી કોપી-પેસ્ટ જ કરવાનું છે ? (બે ચાર નવાં રૂપાળાં ફિલ્ટરો પણ નહીં મારવાનાં?) અમારા હિસાબે WPL (વિમેન્સ પ્રિમિયર લીગ)માં અમુક ક્રાંતિકારી ફેરફારો કરવાનો સમય હવે પાકી ગયો છે.
***
ચિયર લીડર બોય્ઝ
ચોગ્ગા અને છગ્ગા વાગે ત્યારે મેદાનની સાઈડમાં જો છોકરીઓ નાચતી-ગાતી ઉછળી શકતી હોય તો અહીં પુરુષોને શા માટે ના નચાડવામાં આવે ? (કોઈ બહેનો હોંકારો કેમ નથી ભણતી?) જે રીતે પુરુષોની મેચોમાં સુંદર છોકરીઓને ચપોચપ વસ્ત્રો પહેરાવીને આજ સુધી નચાવી છે એ જ રીતે (બદલા… બદલા.. રિવેન્જ…!) હેન્ડસમ સિક્સ પેક બોડીવાળા જુવાનિયાઓને બોલાવો અને ચપોચપ રંગીન કપડાં પહેરાવીને એમને પણ નચાવો ને ! (મહિલા પ્રેક્ષકો એમની જોડે જઈ જઈને રીલ્સ બનાવશે !)
***
યુનિફોર્મ બદલો
ચાલો, ભલે પંજાબી સૂટ કે લહેંગા શરારા ના પહેરાવો પણ મહિલા ક્રિકેટરોના યુનિફોર્મમાં ય કોપી-પેસ્ટ ? મતલબ કે મુંબઈ ઇન્ડિયન્સના ભાયડાઓ જે ભૂરાં ટી-શર્ટ ટ્રાઉઝરો પહેરે એ જ કલર અને એ જ ડિઝાઈન બહેનોને ચિપકાવી દેવાની ? અમને તો ડાઉટ છે કે આખી વાતમાં નીતાભાભીને સાવ અંધારામાં જ રાખવામાં આવ્યા હશે ! બાકી કમ સે કમ એમણે એટલું તો કીધું જ હોય ને કે ‘આમાં બીજો કલર નથી ?’
તમે જુઓ, મહિલા ટીમો બેંગ્લોરની હોય, ગુજરાતની હોય કે યુપીની… એમને ભાયડાઓનાં જ કપડાં પધરાવી દીધાં છે ! આના કરતાં તો પ્યાલા બરણીવાળી સારા ચોઈસો માગતી હોય છે ! (હવે તો કોઈ બહેનો હોંકારો ભણો?)
***
શોપિંગ બતાડો ને…
પુરુષોની ટીમો જે તે શહેરમાં પહોંચે પછી એ લોકો શું કરે ? નેટ પ્રેક્ટિસ કરે, બહુ બહુ તો રાત્રે પાર્ટીઓમાં જાય (બીજું એમને આવડે પણ શું ?) પરંતુ મહિલાઓ અલગ અલગ દેશમાં અને અલગ અલગ શહેરોમાં જાય તો શું કરે ? સીધી વાત છે, શોપિંગ !!
તો યાર, બતાડોને કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ ક્યાં જઈને શોપિંગ કર્યું ? વેસ્ટઇન્ડિઝની ક્રિકેટરોએ કઈ ટાઈપની જ્વેલરી ખરીદી ?
અચ્છા, અમદાવાદમાં ક્રિકેટરો હોળી રમ્યા એના ફોટા અને વિડીયો તો સેંકડોની સંખ્યામાં આવી ગયા. તો મારી બહેનો, WPLની છ-છ ટીમોને મુંબઈમાં કોઈએ હોળી રમાડી જ નહીં ?
કોઈ ગુજરાતી ટીવી ચેનલ જોડે ટાઈ-અપ કર્યું હોત તો ફોરેનની ક્રિકેટરોને આપણે ગરબા જ રમાડ્યા હોત. એ પણ રંગેચંગે !
***
અને જો વાંધો ના હોય તો…
જે રીતે પુરુષ ક્રિકેટરો વિદેશોમાં જાય ત્યારે દરિયાના સુંદર બિચ ઉપર જઈને પાણીમાં ધૂબાકા મારતાં બતાડે છે, અને દરિયા કિનારે વોલી-બોલ રમીને ઇન્સ્ટાગ્રામમા ફોટાઓ મુકીને હજારો લાઈકો ઉઘરાવે છે. તો મહિલા ક્રિકેટરોને કમ સે કમ જ્યાં ઉતારો આપ્યો છે એ મોઘી હોટલના સ્વિમિંગ પુલમાં નહાતાં તો બતાડો ?
***
એવોર્ડો વધારો
પ્લેયર ઓફ ધ મેચ અને વુમન ઓફ ધ મેચ એવા તે કંઈ એવોર્ડો હોતા હશે ? ભલે એ ટાઈપના એવોર્ડો રાખો, પણ ભૈશાબ મહિલા પ્રેક્ષકોને રસ પડે એવું તો કંઈક રાખો ? જેમકે…
બેસ્ટ બૅટ-વોક : પેવેલિયનથી પગથિયાં ઉતરીને પિચ સુધી પહોંચવાની જે ‘વોક’ છે એમાં બેસ્ટ વોક કોની છે ? ચાર બ્યુટિ-ક્વીનોને જજ તરીકે બેસાડો અને મેચના અંતે સ્લોમોશનમાં એ વોકને ટીવીમાં બતાડ્યા પછી જ એવોર્ડ આપો !
બેસ્ટ હેર-સ્ટાઈલ : શું ઘોડીની પૂંછડી જેવી એક જ સ્ટાઈલ બચી છે. મહિલા ક્રિકેટરો માટે ? (અંગ્રેજીમાં એને પોની ટેઈલ જ કહે છે !) જ્યાં પુરુષ ક્રિકેટરો દરેક દરેક સિરિઝમાં માથાના વાળની અને દાઢીઓની ફેશન પરેડ ચાલી હોય એવી સ્ટાઈલો કરાવે છે, તો મહિલાઓને તકલીફ શું છે ? (જરૂર લાગે તો ‘સ્ટાઇલિંગ ભથ્થું’ આપો.) આના કારણે શેમ્પુઓ, હેર-ઓઈલો અને ક્રીમ, જેલ, હેર-કલર વગેરેની જાહેરખબરો પણ મળશે.
બેસ્ટ અપીલ : અને તમે જ કહો, જે મહિલામાં ‘અપીલ’ ના હોય તે મેદાનમાં ગમે તેવી ‘અપીલ’ કરતી હોય તે શી રીતે જોવી ગમે ? શું એમણે પણ ભાયડાઓની જેમ ‘હાઉઝધેએએટ..’ કરીને ઘાંટા જ પાડવાના છે ? શું મહિલાઓ પોતપોતાની સ્ટાઈલમાં ‘ડિયર અંપાયર… પ્લીઈઈઝ !’ એવું ના કહી શકે ?
જો તમે મહિલા હો અથવા મહિલાઓના સપોર્ટરો હો તો નીચેના ઈમેલ આઈડી ઉપર સ્હેજ હોંકારો તો ભણો ? નહિતર પછી તમે જ કહેશો કે દેશમાં મહિલાઓને અન્યાય થાય છે…
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
I want Mannu shekhchalli on the selection board
ReplyDelete😄😄😄 તમારી શુભેચ્છાઓ બદલ આભાર !!
ReplyDelete