ઓસ્કાર એવોર્ડઝના સમારંભમાં ભારતને બે એવોર્ડ્ઝ મળી ગયા એટલે આપણે ખુશખુશાલ છીએ પરંતુ અમારા હિસાબે હજી પણ થોડા એવોર્ડ્ઝ એનાઉન્સ કરવાની જરૂર છે ! જેમકે…
***
મોસ્ટ ‘અન-નોન’ ઓસ્કાર વિનર મુવી
યાર, જે ફિલ્મ આપણે કદી જોઈ નથી, આપણા બાપ જન્મારામાં કદી જોવાના પણ નથી, જેનું નામ પણ આપણે ચાર દહાડા પહેલાં જાણતા નહોતા અને જે ફિલ્મ વિશે આવનારાં દસ વરસ લગી આપણને કશું વાંચવા કે જાણવાનું મળવાનું નથી…
એવી કોઈ પણ અજાણી (છતાં અઘરી) ફિલ્મને આપી દો, આ એવોર્ડ ! શું ફેર પડે છે ?
***
મોસ્ટ ડિફીકલ્ટ-નેમ ઓસ્કાર વિનર
ફિલ્મોમાં તો ટપ્પી નથી જ પડતી પરંતુ અમુક ફ્રેન્ચ, હંગેરિયન, સ્પેનિશ, ચાઈનિઝ, કોરિયન જેવા દેશોની ફિલ્મોનાં નામ પણ એવા અઘરાં હોય છે કે બોલવામાં જીભનો લોચો વળી જાય !
એ તો ઠીક, અમુક અમેરિકન ફિલ્મોમાં પણ યુરોપનાં ભલતા સલતા દેશોનાં કેમેરામેનો, એડિટરો અને સંગીતકારોનાં નામો એવાં હોય છે અંગ્રેજી આવડતું હોય તો પણ નામનો સાચો ઉચ્ચાર કરતાં ફેં થઈ જવાય !
આવા દસ બાર નામોનાં માત્ર ‘સ્પેલિંગ’ જોઈને જ એવોર્ડો આપી દો ! જાવ…
***
મોસ્ટ એવોર્ડ વિનર - ઓસ્કાર વિનર મુવી
અમુક ફિલ્મોને જ્યાં જાય ત્યાંથી એવોર્ડો મળતા જ રહે છે. કાન્સ, બર્લિન, બુસાન, મોસ્કો, બાફટા, ગોલ્ડન ગ્લોબ વગેરે વગેરે… પણ આમ આદમીને એ ફિલ્મ કદી જોવા મળતી જ નથી !
તો યાર, એમને વધુ એક ઓસ્કાર આપો ને ! (આપણે તો જોયા સમજ્યા વિના તાળીઓ જ વગાડવાની છે ને ?)
***
સોશિયલ મિડીયા ઓસ્કાર એવોર્ડ
તમે નહીં માનો, પણ આ તમામ ફિલ્મો તમે જોયેલી છે ! ક્યાં ? અરે, તમારા જ મોબાઈલમાં !
આ બધી ફિલ્મો ત્રણ મિનિટની, પાંચ મિનિટની, સાત મિનિટની જ હોય છે. અને બહુ જ ચાંપલી હોય છે ! જોવાની વાત એ છે કે અમુક ફિલ્મોને બનાવતાં ૩૦ વરસ લાગ્યાં હોય છે અને અમુક ફિલ્મો ૩૦ મિનિટમાં જ બની હોય છે !
અચ્છા, બિચારા ઓસ્કારવાળાને પણ ખબર નથી હોતી કે એ ફિલ્મોને એમણે ક્યારે અને શેના માટે એવોર્ડો આપ્યા ?
તો બોસ, એમને પણ ‘ઓફિશીયલી’ ઓસ્કાર આપી દો ને ? શું વાંધો છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment