તમે જોજો, અમુક લોકો એટલા નસીબદાર હોય છે કે એમને સાવ સહેલાં કામ કરવાની નોકરીઓ મળે છે અને ઉપરથી એનો મસ-મોટો પગાર પણ મળે છે !
અમારી નજરમાં આવી ૩ નોકરીઓ છે…
***
(1) થર્ડ અંપાયર
ના ના, તમે જ મને કહો, જે એક્શન રિ-પ્લેનો વિડીયો જોઈને કોઈપણ મામૂલી ક્રિકેટ રસિયો કહી શકે કે બેટને બોલ અડ્યો હતો કે નહીં, બોલ પેડમાં વાગ્યો હતો કે નહીં, બોલ સ્ટંપલામાં જઈને વાગ્યો હોત કે નહીં… અથવા રન-આઉટ વખતે બેટ ક્રીઝમાં હતું કે બહાર ?
યાર, સાવ મામુલી માણસ પણ જોઈ શકે એવું ચાર-ચાર વાર જોઈને આ સાહેબ આઉટ કે નોટ-આઉટનું ડિસિઝન આપે છે !
છતાં કેટલા બધા રૂપિયા લઈ જાય છે !
***
(2) કપિલ શર્મા શો
પેલાં અર્ચના પૂરનસિંહ નામનાં બહેને આમાં શું કરવાનું ? મસ્ત પહોળા સોફામાં સામે બેસી રહેવાનું ! અને થોડી થોડી વારે હોહો હાહા હીહી કરીને હસ્યા કરવાનું !
હા, દર વખતે નવાં નવાં કપડાં પહેરીને આવે છે પણ ભલું પૂછવું એની સિલાઈ પણ કદાચ બિચારા ચેનલવાળા આપતા હશે !
છતાં બોલો, મારફાડ પૈસા મળતા હશે ને અર્ચનાબેનને !
***
(3) વિધાનસભા / લોકસભાના સ્પીકર
એક તો વરસમાં માંડ 30-35 દહાડા માટે આ કામ કરવાનું. એમાંય જો ગૃહના સભ્યો ધાંધલ ધમાલ કરે તો ‘હાઉસ એડજર્નડ’ એમ કહીને ઊભા થઈ જતા રહેવાનું !
જ્યારે હાઉસ ચાલતું હોય ત્યારે ય શું કરવાનું ? બસ, ‘બૈઠ જાઈયે… પ્લીઝ બૈઠ જાઈએ…’ ‘શાંત હો જાઈએ…’ ‘પ્લીઝ… પ્લીઝ…’ બસ આટલું જ બોલવાનું ને ?
છતાં પગાર તો પુરો 365 દિવસનો ! ઉપરથી ગૃહ ચાલે તેટલા દિવસનાં ભથ્થાં !
હા, તકલીફ માત્ર એટલી જ કે બીજા સભ્યોની જેમ ચાલુ ગૃહે પાટલી ઉપર માથું નાંખીને ઊંઘી જવાનો ચાન્સ મળતો નથી !
- બોલો, છે ને મસ્ત નોકરીઓ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment