નસીબ ફૂટેલાં હોય તો...


જુની કહેવત છે કે ‘નસીબ આડે પાંદડું, તો સળી કરી જાય વાંદરું !’

આજે પણ જો આપણાં નસીબ ખરાબ ચાલતાં હોય તો એનાં લક્ષણો વિચિત્ર જ હોય છે ! જેમકે…

*** 

નસીબ ફૂટેલાં હોય તો…
બાથરૂમમાં નહાતી વખતે આખા શરીરે સાબુ ચોળીને બેઠા હો એ જ વખતે ટાંકીનું પાણી ખલાસ થઈ જાય !

*** 

નસીબ ફૂટેલાં હોય તો…
ત્રણ દિવસની કબજિયાત પછી માંડ માંડ ‘ખુલાસો’ થઈ રહ્યો હોય ત્યારે એ ખુલાસો કેટલો અને કેવો છે તે જોવા માટે ગરદન વાંકી કરો ત્યારે જ ચશ્મા અંદર પડી જાય !

*** 

નસીબ ફૂટેલાં હોય તો…
કાર ચલાવતાં ચલાવતાં પેપર કપમાંથી ગરમાગરમ કોફીની ચૂસ્કી લેવા જતા હો એ જ ક્ષણે તમને જોરદાર છીંક આવે !

*** 

નસીબ ફૂટેલાં હોય તો…
છીંક આવવાને કારણે તમે તમારી કાર જેની બાઈકમાં ઠોકી દીધી હોય એ માણસ ખરાબમાં ખરાબ ગૂંડો નીકળે !

*** 

નસીબ ફૂટેલાં હોય તો…
વિધાઉટ હેલમેટમાં પકડાઈ ના જાવ એટલા માટે ટ્રાફિક પોલીસથી બચવા માટે તમે જે નાની ગલીમાં ઝડપથી ટર્ન માર્યો હોય ત્યાં જ લટકતી એકાદ પાઈપમાં તમારું માથું ભિટકાય !

*** 

એ તો ઠીક…

નસીબ ફૂટેલાં હોય તો…
તમે ચાર વાર નાકમાં આંગળી ખોસો, છતાં એકે ય વાર અંદરથી ગૂંગો પણ ના નીકળે !

*** 

બાકી…

નસીબ ખરેખર ફૂટેલાં હોય તો…
તમે બગાસું ખાવા મોં ખોલ્યું હોય એ જ વખતે અંદર મધમાખી ઘૂસી જાય !

***

- મન્નુ શેખચલ્લી

Comments