કહેવત છે કે ‘જગત કી રીત ન્યારી’ ! તમે જરા જુદા એંગલથી દુનિયાના લોકોને જોશો તો ખ્યાલ આવશે કે બોસ, દુનિયામાં બહુ મોટો ઝોલ ચાલી રહ્યો છે ! દાખલા તરીકે…
***
અમુક લોકો બીજાઓનાં દુઃખ દૂર કરવાનાં માત્ર વચનો જ આપે છે પણ એ પછી એમની પોતાની જિંદગીમાં ક્યારેય દુઃખ આવતું જ નથી !
… દાખલા તરીકે નેતાઓ !
***
બીજી બાજુ અમુક લોકો ઘેર ઘેર જઈને ખશીઓનો સામાન પહોંચાડવાનું કામ કરે છે. છતાં સમાજમાં એમની કોઈ ઇજ્જત નથી !
… દાખલા તરીકે બૂટલેગરો !
***
અમુક લોકો આખી જિંદગી બીજાઓને સાચો રસ્તો બતાડવાનું કામ કરે છે, અરે, ખોટા રસ્તે જતાં રોકે પણ છે, છતાં બિચારાઓ પોતે હંમેશા રસ્તા ઉપર જ રહી જાય છે !
… દાખલા તરીકે ટ્રાફિક પોલીસવાળા !
***
અમુક લોકો હંમેશાં બીજાઓની પીડામાંથી જ પોતાનો લાભ કાઢે છે છતાં એમની સમાજમાં બહુ મોટી ઇજ્જત હોય છે !
… દાખલા તરીકે ડોક્ટરો !
***
અમુક લોકો આપણે કેટલું ખોટી રીતે જીવીએ છીએ, કેવાં કેવાં ખોટા કામો કરીએ છીએ, કેવી મોહમાયામાં ફસાઈ ગયા છીએ… એવું જ સતત નેગેટિવ અને ગિલ્ટી-ફીલિંગ કરાવ્યા કરે છે… છતાં એ લોકોને તો મહાન ગણવામાં આવે છે !
… દાખલા તરીકે ઉપદેશકો !
***
બીજી બાજુ અમુક લોકો આપણને આપણી મોહમાયાથી મુક્તિ અપાવે છે છતાં સમાજ એમને ગુનેગાર ગણે છે !
… દાખલા તરીકે ચોરો, પાકિટમારો અને ઓનલાઇન ફ્રોડ કરનારા !
***
અમુક વ્યક્તિ એવી હોય છે જે તમારી પાસેથી પૈસા લઈ લે છે પણ કદી પાછા આપતી નથી. ઉલ્ટુ, એ પૈસાને ખાણીપીણીમાં, પહેરવામાં ઓઢવામાં અને મોજશોખમાં વાપરી નાંખે છે છતાં તમે એને કંઈ જ કહી શકતા નથી ! બોલો.
… દાખલા તરીકે તમારી પત્ની !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment