ઠેર ઠેર ચેતવણીઓ !

સિગારેટના ખોખાં ઉપર જે ડરામણું લાલઘુમ ચિત્ર હોય છે એનાથી હકીકતમાં તો કોઈ સ્મોકર ડરતો નથી. એના બદલે એની ઉપર ચેતવણી લખવી જોઈએ કે ‘જો આ પીવાથી તમને કેન્સર થાય તો રોજનાં આવા વીસ પેકેટો ફ્રી મળશે !’

ખરેખર તો હવે ઠેર ઠેર નવી જાતની ચેતવણીઓ લગાડવાનો સમય પાકી ગયો છે ! દાખલા તરીકે….

*** 

લોકસભાની પાટલી ઉપર ચેતવણી
ટીવી કેમેરા ચાલુ છે. ઊંઘતા ઝડપાશો !

*** 

પોલીસ સ્ટેશનની દિવાલે ચેતવણી
ફરિયાદીઓને ખાસ જણાવવાનું કે અહીંથી નીકળતાં પહેલાં પોત-પોતાનાં ખિસ્સાં પાકિટ સંભાળી લેવા !

ટીવી ઉપર સ્ટીકર
‘બ્રેકિંગ ન્યુઝ છે’… સાચા પણ હોય !

ટીવી ઉપર બીજું સ્ટીકર
‘આ જાહેરખબરવાળો તમને રોજ ઉલ્લુ બનાવે છે !’

*** 

દારૂના અડ્ડા પર ચેતવણી
અહીં એક જ દરવાજો છે. જ્યારે બે દેખાય ત્યારે સમજવું કે ઘરે જવાનો સમય થઈ ગયો છે !

આંખના દવાખાને ચેતવણી
અહીં, પણ એક જ દરવાજો છે. જો બે દેખાય તો ડોક્ટરને તાત્કાલિક મળો ! જો ડોક્ટર પણ બે દેખાય તો સામે બેઠેલી બન્ને નર્સને પૂછો !

મેન્ટલ હોસ્પિટલમાં ચેતવણી
(1) ડોક્ટરનો ડ્રેસ પહેરેલો દરેક માણસ ડોક્ટર જ હોય એ જરૂરી નથી.

(2) હોસ્પિટલમાં દાખલ થતી વખતે કોઈ ચેકિંગની જરૂર નથી પરંતુ બહાર જતી વખતે ટેસ્ટ આપવો પડશે કે તમે ‘ડાહ્યા’ છો !

*** 

ચંદ્ર ઉપર ચેતવણી
હિન્દી ફિલ્મના ગીતકારોએ દૂરથી જ દર્શન કરવાં. નજીક આવવામાં ધંધાનું જોખમ છે.

મંગળ ઉપર ચેતવણી
મંગળવાળી કન્યાઓ માટે પ્રવેશ બંધ છે.

શનિ ઉપર ચેતવણી
શનિની કોઈપણ પાઘડી બંધબેસતી હોય તો પણ પહેરશો નહીં.

*** 

દારૂની બાટલી ઉપર
આ પીધા પછી તમારી પત્ની પણ તમને સુંદર લાગી શકે છે. સાવધાન !

બાટલી ઉપર બીજી ચેતવણી
ગુજરાતમાં આ પીધા પછી પોલીસનો આભાર માનવા માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી !

માંકડ મારવાની દવા ઉપર
આપઘાત કરવા માટે પીતા હો તો મરવાની કોઈ ગેરંટી નથી ! પાછળથી કોઈ તકરાર ચાલશે નહીં.

સ્મશાનગૃહની દિવાલ પર
મરનારનું વજન 100 કિલોથી વધારે હશે તો એકસ્ટ્રા લાકડાંનો ચાર્જ લાગશે !

પ્રસુતિગૃહની બહાર ચેતવણી
આંગડીયા તથા કુરિયરવાળા ધ્યાન આપે. કોઈપણ જાતની ડિલીવરી રીસેપ્શન ઉપર જ કરવી. એનાથી આગળ આવવું નહીં.

*** 

સરકારી ઓફિસમાં ચેતવણી
અહીં ઘોંઘાટ કરવો નહીં. કર્મચારીઓની ઊંઘમાં ખલેલ પડે છે !

ચૂંટણીના બૂથ ઉપર
તમારો મત અમુલ્ય છે એવું કહેનારાઓ તમને છેતરી રહ્યા છે !

EVM મશીન ઉપર સ્ટીકર
તમે સમજી વિચારીને બટન દબાવો કે સમજ્યા વિના, અહીં કશો ફેર પડતો નથી !

ગાંધીનગરના રેસ્ટોરન્ટમાં પાટિયું
અહીં ‘ખાવા’ આવતા સરકારી કર્મચારીઓ ખાસ ધ્યાન આપે… અમારા મેનુમાં ‘રૂપિયા’, ‘પૈસા’ કે ‘લાંચ’ નામની કોઈ આઈટમો નથી.

*** 

એબ્સર્ડ નવલકથા ઉપર વોર્નિંગ
વાંચતાં પહેલાં મગજનો વીમો ઉતરાવી લેવો.

કવિ સંમેલનના મંચ ઉપર બેનર
આ હોલમાં પડઘા નથી પડી રહ્યા… 
આ તો કવિઓ બધું બબ્બે વાર બોલી રહ્યા છે ! બબ્બે વાર બોલી રહ્યા છે !!

સાહિત્યના એવોર્ડ ઉપર
(ઝીણા અક્ષરે લખ્યું છે) પ્રિય લેખક, નિર્ણાયકોએ તમારું લખાણ વાંચ્યું જ છે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી !

*** 

નકલી નોટ ઉપર લખાણ
આ નોટ નકલી છે એવું સાબિત કરી આપનારને આવી બીજી 20 નોટો ઈનામમાં !

દસ પૈસાના સિક્કા ઉપર
આ સિક્કો પુરાતત્વ  વિભાગના મ્યુઝિયમમાંથી ચોરાયેલો છે ! જેને મળે તેને પરત કરવા વિનંતી છે.

*** 

હાસ્યલેખના અંતે ચેતવણી
જરાય હસવું ના આવ્યું હોય તો નીચેના e-mail આઈડી ઉપર ફરિયાદો નોંધવામાં આવે છે.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments