સૌ જાણે છે કે બેસવાની જગ્યા એટલે કંઈ પેલા કોર્પોરેટરોએ પોતાનાં નામોની તકતી લગાવીને જે સિમેન્ટના બાંકડા નંખાવ્યા છે એ નહીં ! અને ચાર ગુજરાતીઓ ભેગા થઈને જ્યારે બાટલીનો પ્રોગ્રામ કરે ત્યારે જે ભઈબંધના ઘરે બેસવાનો આખો વહીવટ નક્કી થયો હોય એ જગ્યા પણ નહીં ! બેસવાની જગ્યાએ એટલે શરીરના કયા ચોક્કસ ભાગની વાત થઈ રહી છે એનું નામ લખવાની જરૂર જ નથી.
આખા મામલામાં એવું છે કે જેની ઉપર આ ગુજરી છે એને જ ખબર હોય છે કે આમાં કેવું કેવું થાય છે. (અને ખાનગીમાં કહું તો, ભલે કોઈ માઈનો લાલ કબૂલ કરે કે ના કરે, આ ‘યાદગાર’ અનુભવ જિંદગીમાં એકવાર સૌને થયો જ હોય છે.) અફસોસ એટલો જ, કે ભલભલા ફેમસ મહાનુભાવોએ પણ પોતાની આત્મકથાઓમાં આના વિશે એક લીટીની યે કબૂલાત કરી નથી.
(જો કરી હોય, તો પછી જ્યારે એમની બાયોપિક બનાવવામાં આવે ત્યારે એ દૃશ્ય જોતાં સેન્સર બોર્ડને કેવી મુંઝવણો થાય ? આ તો એક વાત થાય છે.)
આ ગુમડાનું ભૌગોલિક સ્થાન જ એવું છે કે ના કહેવાય અને ના સહેવાય. છતાં જોવાની વાત એ છે કે (ઓ ભાઈ, ‘વાત’ને જોવાની છે. ગુમડું નથી જોવાનું !) શરૂશરૂમાં માનવીને એમ લાગે છે કે કદાચ ‘સહેવાય’ એવું છે એટલે ‘કહેવાય’ એવી સ્થિતિમાં આવવાનું જોખમ પોતે ટાળતો રહે છે. આમાં ને આમાં બે ત્રણ દિવસ નીકળી જાય છે.
પછી સ્થિતિ એવી બગડવા માંડે છે કે માણસને તમામ બેસવાની જગ્યાઓ, દા.ત., ખુરશી, સોફા, પાટલો, આસન, સાદડી અને પેલો બાંકડો… આ બધું જ જોખમી લાગવા લાગે છે. તેનાં તમામ ‘આસનો’, યાને કે બેસવાની રીતો વિચિત્ર બનતાં જાય છે. તે જમતી વખતે ત્રાંસો બેસે છે, ઓફિસમાં આડો બેસે છે અને તમે માર્ક કરજો, ખડખડપંચમ સ્કુટર ઉપર તો ખરેખર બેસતો જ નથી ! બિચારું સ્કુટર ઉત્સાહમાં આવીને પોતાની સીટ વારંવાર ઓફર કરતું હોવા છતાં માણસ પોતાની અંગત સીટ અને સ્કુટરની રેક્ઝિનવાળી સીટનો સંગમ થવા વચ્ચે મિનિમમ ચાર આંગળનું અંતર ‘મેન્ટેન’ રાખવા મથે છે.
જોકે આ તો હજી ‘ના કહેવાય’નું પ્રથમ સ્ટેજ છે. બીજા સ્ટેજમાં જ્યારે ‘ના સહેવાય’માં માણસ પ્રવેશે છે ત્યારે તે સ્કુટર છોડીને બસમાં જવા લાગે છે. બસની તમામ સીટો ખાલી હોય અને કોઈ રૂપાળી કન્યા સ્માઈલ આપીને ‘બેસો ને અંકલ !’ કહીને પોતાની નજીકની સીટનું નિમંત્રણ આપે, છતાં જે અંકલ સતત ઊભા જ રહેલા દેખાય, તો તમે માત્ર નીરીક્ષણ વડે નિદાન કરી શકો છો કે એમને જરૂર ચોક્કસ જગ્યાએ ગુમડું થયું હશે !
‘ના કહેવાય’નું ત્રીજું સ્ટેજ ત્યારે આવે છે જ્યારે પતિ રોજ રાત્રે સુતી વખતે ચોક્કસ દિશામાં પડખું ફરીને આખી રાત વીતાવી નાંખે છે ! આમાં ને આમાં બિચારી પત્નીને ડાઉટ પડવા માંડે છે કે એનો ભોળિયો ભૂપ ક્યાંક કોઈ બીજી સગલીના લફરામાં તો નથી પડ્યો ને ?
છેવટે જ્યારે પતિ ‘ના કહેવાની’ની શરતનો ભંગ કરીને પત્નીને કહી દે છે ત્યારે પત્ની કશું ‘જોયા’ વિના જ કહી દે છે કે કોઈને ‘બતાડતા’ હો તો ? હવે તમે જ કહો, પતિ બિચારો કોને બતાડે ? (જવાબ છે, ડોક્ટરને !) પરંતુ ખરી કશમકશ અહીં જ શરૂ થાય છે કે માણસને દાંત દુઃખતો હોય તો ડોક્ટર આગળ સહેલાઈથી દાંત કાઢી શકે છે પણ આમાં ?
આખરે જ્યારે સ્ટેજ નંબર ચાર, યાને કે ‘ના સહેવાય’ની સ્થિતિમાં દરદી આવી જાય છે ત્યારે એની હાલત પ્રથમ વાર સેક્સ માણવાનાં પ્લાનિંગ કરી રહેલા એ ટીન-એજર જેવી થાય છે જેને મેડિકલ શોપમાં જઈની બીજા બધા ગ્રાહકોની હાજરીમાં કોન્ડોમ માગવો પડે છે ! અહીં તો પ્રૌઢ વયના અંકલ બિચારા ડોક્ટર આગળ બેસે છે (ત્રાંસા) છતાં (સીધું) કહી શકતા નથી કે દુઃખે છે ક્યાં ?
ચાલો, જેમતેમ કરીને, ઇશારાની ભાષામાં કે ધીમા અવાજે ડોક્ટરને કહી પણ દીધું હોય, ત્યારે ડોક્ટર તો નોર્મલ અવાજે એમ જ કહેવાનો ને કે ‘એવું છે ? તો અંદર જઈને સૂઈ જાવ !’ આવા વખતે દોઢ-ચાંપલા સજ્જનો બીજા પેશન્ટોને ‘સેફ-ગેરસમજ’ કરાવવા માટે મોટેથી બોલે છે : ‘અચ્છા, ઇંજેક્શન મુકાવવું જ પડશે ?’
આમાં બિચારો ડોક્ટર ભલે કંઈ ના બોલે, પણ જ્યારે કેબિનનો પરદો આડો કર્યા પછી અંદરથી પેલો કમ્પાઉન્ડર મૂછમાં હસતો હસતો બહાર આવે, ત્યારે બહાર બેઠેલા પેશન્ટો કેવી કેવી કલ્પનાઓ કરતા હશે ?
હદ તો ત્યારે થતી હોય છે જ્યારે એ પેશન્ટોમાં તમારી જ સોસાયટીનો કોઈ ચાંપલો બેઠો હોય ! એ મારો બેટો વારંવાર તમારી વાઈફને પૂછી પૂછીને મનમાં મજાઓ લેશે કે ‘હેં ભાભી ? ભઈને શું થયું છે ? કંઈ સિરિયસ તો નથી ને ? હું પૂછું છું તો કંઈ કહેતા જ નથી ! બોલો.’
હવે તમે જ કહો, ભાભી શું બોલે ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
શેઠને કુલે ફોલ્લી થઈ,પાળી પોષીને મોટી કરી.
ReplyDeleteJordar
ReplyDelete