નોર્મલ ડે કોને કહેવાય ?

હોળી-ડે એટલે કે ‘હોલી-ડે’ ક્યારે હતો ? છઠ્ઠીએ કે સાતમીએ ? એ છોડો, આજે ‘ગ્રેહામ બેલ-ડે’ છે, ‘નેશનલ સ્પોર્ટ્સમેનશીપ-ડે’ છે અને ‘પ્લાન્ટ પાવર - ડે’ પણ છે !

આપણને થાય કે જ્યારે જુઓ ત્યારે કંઈ ને કંઈ ‘ડે’ ચાલતો હોય છે તો ભૈશાબ ‘નોર્મલ-ડે’ ક્યારે હોય ? તો સાંભળો…

*** 

જે દિવસે દૂધ, પેટ્રોલ, ટામેટાં, ગેસ કે વીજળી અથવા કોઈપણ ચીજમાં ભાવવધારો ના થયો હોય…

- એને ‘નોર્મલ-ડે’ કહેવાય !

*** 

જે દિવસે ફલાણા નેતાનો જન્મદિવસ, ફલાણી હિરોઈનની પૂણ્યતિથિ, ફલાણી ફિલ્મનો 50મો દિવસ… અને આજકાલ નવું ચાલ્યું છે… ફલાણું ગાયન રિલિઝ થયાની ત્રીસમી વરસગાંઠ…. આવું કશું જ માથે ના મરાતું હોય…

- એને ‘નોર્મલ-ડે’ કહેવાય !

*** 

ફલાણી હિરોઇન ફલાણા જોડે રહેવા જતી રહી, ફલાણી ફિલ્મમાં ફલાણાને પડતો મુકીને ફલાણાને લીધો, ફલાણો કલાકાર ટ્રોલ થયો, ફલાણા સ્ટારે લાફો માર્યો, ફલાણા સ્ટારે આજે છીંક ખાધી…

- આવા ન્યુઝ જે દહાડે મોબાઈલમાં ના આવે એને ‘નોર્મલ-ડે’ કહેવાય !

*** 

જે દિવસે ફેસબુકમાં કોમેન્ટ, બ્લોગમાં સળી, ટ્વિટરમાં ગાળાગાળી, વોટ્સએપમાં પંચાત… આવું બધું ના હોય…

પરંતુ જે દિવસે ચાની કિટલી ઉપર ‘સામસામે’ બેસીને એકબીજાની ફિરકી લઈએ…

- એને કહેવાય ‘નોર્મલ-ડે’ !

*** 

ક્યાંક બળાત્કાર, ક્યાંક અકસ્માત, ક્યાંક ખૂન, ક્યાંક કૌભાંડ, ક્યાંક આક્ષેપબાજી, ક્યાંક દેશપ્રેમ, ને ક્યાંક દેશદ્રોહ…
શું કહ્યું ? 

આવું બધું જોવા સાંભળવા ના મળે એ ‘નોર્મલ-ડે’ ?
ના ભાઈ ના ! હવે તો આ બધું હોય એ જ ‘નોર્મલ-ડે’ કહેવાય !

*** 

બાકી જે દિવસે બોસ બગડ્યા ના હોય, પત્ની તમારાથી ખુશ હોય, બાળકો તમને હેલ્પ કરે અને પાડોશીઓ તમારી પંચાત પણ ના કરે…

- તો ચેક કરજો, તમે પોતે તો ‘નોર્મલ’ છો ને ?

***

- મન્નુ શેખચલ્લી

Comments