ઈચ્છાધારી નાગ- નાગણોની એ 'ઝેરી' ફિલ્મો !

‘તન ડોલે, મેરા મન ડોલે, મેરે દિલ કા ગયા કરાર…’ આ ગાયન વડે બિચારા હેમંતકુમાર, જે સંગીતકાર હતા તેના કરતાં આપણા ગુજરાતી કલ્યાણજીભાઈ વધારે જાણીતા છે. હજી એ કહાણી સોશિયલ મિડિયામાં કોઇ ઇચ્છાધારી નાગણની આત્માની માફક ફર્યા કરે છે કે જાણે, કલ્યાણજીભાઈને ભારતની જનતાએ પુરી ક્રેડિટ આપવાની બાકી હોય !

કલ્યાણજીભાઈએ એ ગાયનમાં બીનને બદલે કોઈ નવું વિદેશી વાજીંત્ર વગાડીને જ બીનની ઈફેક્ટ શા માટે ઊભી કરી ? ઓરીજીનલ બીન કેમ ના વગાડી ? કેમકે ઓરીજીનલ બીનમાં પ્રોબ્લેમ એ હતો કે સાલું, ચાલુ રેકોર્ડિંગે ક્યાંકથી સાપ આવી ચડે તો ?

ઠીક છે, આ તો ગમ્મતની વાત છે પણ ’80ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં રીતસર ચારેબાજુ નાગણો ફરી વળી હતી. ફિલ્મ ‘નગીના’ (1986)માં શ્રીદેવીએ ‘મૈં નાગિન તૂ સપેરા’વાળા ગાયનમાં જે રીતે માથા ઉપર બે હાથ વડે ઊંધો ખોબો બનાવીને હલાવ્યા હતા એના કારણે એ સમયની ઇચ્છાધારી નાગણોના આત્મા આજે પણ ક્યાંક લગ્નનો વરઘોડો નીકળ્યો હોય તો નાચનારા પુરુષોમાં ઘૂસી જતો જોવા મળે છે !

તમે નહીં માનો, એ જમાનામાં સ્કુલોના વાર્ષિક ઉત્સવમાં નાની નાની છોકરીઓ પણ ચળકતા કાળા ચણિયા-ચોળી પહેરીને ‘નાગિન’ બની જતી હતી ! એ તો ઠીક, ઘરમાં મહેમાનો આવે ત્યારે બેબીને ફરમાઈશ કરવામાં આવતી હતી કે, ‘બેટા, અંકલ-આંટીને તારો નાગિન ડાન્સ કરી બતાડો ?’

આમાંને આમાં બિચારી શ્રીદેવીએ બીજી વાર ઇચ્છાધારી નાગિન તરીકે પુનર્જન્મ લેવો પડેલો ફિલ્મ ‘નિગાહેં’માં (1989). અરે, એ તો ઠીક ‘મહાભારત’ સિરિયલમાં જે કૃષ્ણ ભગવાન બને છે એ બિચારા નિતિશ ભારદ્વાજને એની કડકીના દિવસોમાં ‘નાચે નાગિન ગલી ગલી’માં એના ડિરેક્ટરે એક ગાયનમાં સાપની જેમ ભીના પથ્થરો ઉપરથી ઊંધા શરીરે લપસીને ઝરણામાં તરતાં તરતાં ગાયન ગવડાવ્યું હતું ! 

આ તો સારું હતું કે હિરોઈન તરીકે મીનાક્ષી શેશાદ્રી જેવી બ્યુટિફૂલ નાગણ પણ એ જ ઝરણામાં પલળતી પલળતી ધોયેલાં કપડાં નીચોવવાના પોઝ બતાડતી હતી એટલે ભારદ્વાજકુમારને ખાસ વાંધો નહતો ! (જોઈ લેજો એ ગાયન ‘મિલે મન સે મન’… નો છેલ્લો અંતરો)

એમ તો મહાન શો-મેન રાજકપૂરનો ત્રીજો દિકરો રાજીવ કપૂર પણ પોતાની પહેલી હિરોઇન મંદાકિની સાથે ‘નાગ-નાગિન’માં ઘરગત્તા રમતાં હોય એમ નાગ-નાગણ રમવા બેસી ગયેલાં ! જોકે એના મુહૂર્ત શોટ વખતે પ્રોડ્યુસરે કોઈ નાગને દૂધ નહીં પીવડાવ્યું હોય એટલે પિક્ચર સાવ ફ્લોપ ગયેલું. 

બાકી એ ટાઈમે  ‘નાગિન’ નામની ફિલ્મ જબરી ચાલેલી. એમાં પેલી રીના રોય અને જિતેન્દ્ર આગલા જન્મમાં નાગ-નાગણ હતા પરંતુ અમુક લાખ ડોલરનો ગણાતો ‘નાગમણિ’ મેળવવા માટે વિલનોએ નાગને મારી નાંખેલો. પછી આ જનમમાં રીના રોય વારાફરતી ફિરોઝખાન, કબીર બેદી, રણજીત, સુનીલ દત્ત વગેરે અડધો ડઝન વિલનો આગળ વારાફરતી જઈ જઈને ફ્રીમાં ડાન્સ કરીને એમને ‘બે દિવસ એક રાત’ની સ્કીમમાં ફસાવે છે ! અને પછી સ્પેશીયલ ઇફેક્ટ વડે સ્ત્રીમાંથી નાગણ બનીને ડંખ મારી દે છે ! બોલો.

એમ તો ભારતીય સિનેમાના ઇતિહાસમાં છેક 1919માં દાદાસાહેબ ફાળકેની મુંગી ફિલ્મ ‘કાલિયમર્દન’માં કાલિનાગના રોલમાં નાગે એન્ટ્રી મારી હતી. જોકે એ નાગ બનાવટી રબ્બરનો હોવાના ચાન્સ વધારે છે કેમકે દાદાસાહેબે એને અમદાવાદની મેટ્રો-ટ્રેન જેવડી સાઈઝનો બતાડવાનો હતો ! 

પરંતુ  પછી હિન્દી ફિલ્મોમાં નાગ કે સાપની એન્ટ્રી ક્યાંકને ક્યાંક થતી જ રહેતી હતી. કોઈવાર કોઈ રાજકુમારને ડંખ મારીને ચૂપચાપ જતો રહે, પણ કોઈવાર સુંદર હિરોઈનને ડંખ મારે તો હિરોને એના પગનો અંગૂઠો ચૂસીને ઝેર કાઢવાને બહાને રોમાન્સ કરવાનો ચાન્સ મળી જો હતો ! (બોલ, કેવું કેવું બતાડતા હતા ?)

એ જમાનામાં નાગ-નાગણવાળી ફિલ્મોનો એવો વાવર ચાલ્યો હતો કે ગુજરાતી, મરાઠી, બંગાળી, તામિલ, તેલુગુ વગેરે તમામ ભાષાઓમાં એની બોલબાલા હતી. આમાં બિચારા રિયલ સાપોનો ખો નીકળી જતો હતો. એક ગુજરાતી ફિલ્મના શૂટિંગ વખતે અમે જોયું હતું કે બે સાપોની લડાઈનું દૃશ્ય શૂટ કરવા માટે ફિલ્મ યુનિટના આસિસ્ટન્ટો રીતસર સાપોને પકડીને એમનાં મોં એકબીજામાં ખોસીને એમને રબ્બરની માફક વળ ચડાવતા હતા ! બિચારો મદારી, જે 100-200 રૂપિયાની લાલચે સાપોને લઈ આવેલો, તે માથે હાથ દઈને નિસાસા નાંખતો હતો કે ‘મારા સાપોનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો આ સૂટિંગવારાઓએ…’

જોકે હવે તો કોમ્પ્યુટરો વડે જ સાપને પરદા ઉપર દેખાડે છે એટલે ઇચ્છાધારી નાગણોએ જથ્થાબંધ એપિસોડોના સસ્તા ભાવે ટીવીમાં ઘૂસ મારી છે. ‘ચંદ્રકાંતા’માં રૂપમતી નામની નાગણથી લઈને આજ સુધીમાં નાગિન, નાગિન-૨, નંદીની, નીલી આંખે, ફિર લૌટ આયી નાગિન… એમ બધું મળીને 1000 એપિસોડ થઈ ગયા, બોસ !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. હવે તો એ નાગનાગણની ત્રીજી ચોથી પેઢી હાઇ પ્રોફાઇલ થઇ ગઇ કહેવાય!

    ReplyDelete

Post a Comment