ટાઈ: ગળે બાંધેલી ગુલામી

અંગ્રેજોની માનસિક ગુલામી કરનારાઓની દેશમાં કદી ખોટ પડવાની નથી. તમે જુઓ, આપણા પહેરવેશમાંથી ફાળિયા ગયાં, પાઘડીઓ ગઈ, સાફા ગયા, ગાંધીટોપી ગઈ, ધોતિયાં ગયાં… અને જો સાઉથની ફિલ્મોમાંથી લુંગી ડાન્સનાં ગાયનો જતાં રહેશે તો દેશમાંથી લુંગી પણ જતી રહેશે.

આની સામે આપણે અક્કલનું પ્રદર્શન કરતા હોઈએ એમ અપનાવ્યું શું ? ટાઈઓ !

મને કહો, કે જે દેશમાં બાર મહિનામાંથી આઠ મહિના ગરમી જ પડે છે ત્યાં શરીરના જે ભાગમાં સૌથી વધુ પરસેવો થતો હોય એ બોચી અને ગળાંને મુશ્કેટાટ બાંધી રાખવા પાછળ કયું લોજિક છે ? (ઇંગ્લીશ મિડિયમ સ્કુલોમાં અંગ્રેજીની એક્ઝામમાં આ સવાલ શુદ્ધ ઇંગ્લીશમાં પૂછાવો જોઈએ !)

આપણાં મા-બાપો પણ જાણે પોતાનું ટાબરિયું ગળામાં ગાંઠ મારીને નિશાળે જશે તો બહુ ઊંચા આઈ-ક્યુવાળું બની જવાનું હોય એવો ગર્વ લેતાં હોય છે. હવે તો નાનાં-નાનાં ટાઉનોમાં પણ ઇંગ્લીશ મિડિયમ સ્કુલો ચાલુ થઈ ગઈ છે. તમે જોજો, એ બાબલાંઓને મમ્મીઓ ઇલાસ્ટિકવાળી ટાઈઓ પહેરાવે છે !

નવાઈની વાત એ છે કે એ સ્કુલોનાં માસ્તરો તો ઠીક, પ્રિન્સિપાલો પણ ટાઈઓ બાંધતા નથી ! અચ્છા, ઇલાસ્ટિકવાળી ટાઈઓ શા માટે ? કેમકે હજી સુધી સાચી રીતે ટાઈ બાંધવાના ‘માર્કસ’ નથી મળતા ને ? એટલે ! જો મળતા હોત તો આજની મમ્મીઓ જે ‘ક્વીક્લી, ક્વીક્લી મિલ્ક ડ્રીંક કરી લો’ અને ‘ઢેબરાં ઈટ કરીને સ્નેક્સ ફીનીશ કરી લો…’ જેવું ઇંગ્લીશ બોલે છે તે મમ્મીઓ એમનાં ટાબરિયાંને ‘કમ ઓન, પ્રોપરલી પ્રોપરલી, ટાઈ ટાઈ કરતાં લર્ન કરી લો !’ કરીને છોકરાંઓને રીતસરની ‘ગળે’ જ પડી હોત ને ?

આ ઇંગ્લીશ મિડીયમ છોકરાંઓની સ્કુલો છૂટે ત્યારે જોયું છે ? જો બે છોકરાં લઢતાં હોય તો એમનો એક કુશ્તી દાવ પરમેનેન્ટ છે : એ લોકો પાછળથી ઇલાસ્ટિકવાળી ટાઈ ખેંચીને બીજાનું ગળું ગૂંગળાવવાની કોશિશ કરતાં હોય છે ! એ તો ઠીક, જ્યારે મારામારી ‘ફ્રી સ્ટાઈલ’ કક્ષાએ પહોંચે છે ત્યારે પોતપોતાની સ્કુલ-બેગોને ટાઈ વડે બાંધીને સામસામાં ‘દફતરો લડાવતાં’ દેખાશે !

અચ્છા, તમે જો ઇંગ્લીશ મિડિયમ સ્કુલોમાંથી બચી ગયા હો પણ મોટા થઈને ભૂલેચૂકે માર્કેટિંગમાં જોબ મળી તો સમજો, ફરી પેલી ટાઈ તમારા હૈડિયે ઘો બનીને ચોંટવા આવશે !

માર્કેટિંગની નોકરીમાં એક તો આખો દહાડો સાડા પાંચ કિલોની બેગ ઝાલીને ફરતા રહેવાનું, ડોક્ટરોને ત્યાં બબ્બે કલાક રાહ જોતાં બેસી રહેવાનું, અથવા ઘેર-ઘેર ભટકીને રોબોટની જેમ ગોખેલાં વાક્યો બોલ્યા પછી ‘મોસ્ટ ક્રિએટિવ ટાઈપનાં અપમાનો’ સહન કરવાનાં ! આ બધાં ઇન્સલ્ટો ભેગાં થવાને કારણે જો ગળે ડૂમો બાઝે તો તે સરખી રીતે ગળી પણ ના શકાય, કેમ કે તમે ઓલરેડી ગળામાં ટાઈટ ગાળિયો બાંધીને બેઠા છો !

યાર, જરા વિચાર તો કરો ? જ્યારે ગામ આખું શર્ટનાં બે બટનો ખુલ્લાં રાખીને, મસ્ત હવાદાર બર્મુડાઓ પહેરીને ફરતું હોય એવા વખતે પણ ગળામાં પાળેલા કૂતરાના બેલ્ટ જેવો કંઠ-લંગોટ બાંધીને ફરવાની સજાને તમે કયા એંગલથી ‘જોબ’ માની શકો ? અમને તો વિચાર આવે છે કે જો આ માર્કેટિંગવાળાને ટાઈમાંથી મુક્તિ આપવામાં આવે તો શું એ લોકો વધારે સારા ‘ટાર્ગેટ એચિવ’ ના કરી શકે ?

પણ ના. અમુક નોકરીઓ જ એવી છે જે તમને સતત યાદ અપાવવા માગે છે કે તમે ગળે દોરડું બાંધેલાં પશુથી વધુ કંઈ જ નથી. દાખલા તરીકે મોટી રેસ્ટોરન્ટના વેઈટરો, હાઈ-ફાઈ ઓફિસના સિક્યોરીટીવાળા અને સાવ ફાલતુ રિસેપ્શનોમાં ફરતા કેટરિંગવાળાં છોકરાઓ ! સાલું, ઇંગ્લેન્ડમાં બેઠેલા ધોળિયાઓ તો આજે પણ મૂછમાં હસતા હશે કે જુઓ, પંચોતેર વરસ પછી પણ ઇન્ડિયનોએ પોતે જ પોતાની જાતને ‘ડોગ્સ’ બનાવી રાખ્યા છે. (યાદ છે ને પેલાં ‘ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ નોટ એલાઉડ’નાં પાટિયાં ?)

સવાલ એ છે કે આ માનસિક ગુલામીનો ગળાફાંસો આપણે ક્યારે ફગાવી શકીશું ? 

મને લાગે છે કે જે રીતે અમેરિકામાં એક ‘ચેઈન-સો-મર્ડરર’ લાકડું કાપવાની કરવત વડે લોકોનાં ગળાં કાપતો હતો એવો જ કોઈક ‘ટાઈ-મર્ડરર’ જ્યારે ભારતમાં પાકશે… ઘોડા ઉપર સવાર થઈને હવામાં ટાઈનો ગાળિયો વીંઝતો નીકળશે… અને ગુલામી માનસ ધરાવતાં તમામ મુર્ખ-માનવોને જાહેરમાં ફાંસી આપવા માંડશે… ત્યારે જ લોકો જાગશે !

એક મિનિટ, આ કલ્પના વધારે પડતી લાગે છે ? તો એમ રાખો કે જ્યારે સાઉથમાંથી કોઈ ‘ટાઈ-મર્ડરર’ નામની સુપરહિટ ફિલ્મ બનાવશે અને તેને જ્યારે હોલીવૂડમાં એવોર્ડ મળશે.. અને તે એવોર્ડ લેવા માટે ફિલ્મનો ડિરેક્ટર જ્યારે ‘ટાઈ પહેર્યા વિના’ સ્ટેજ ઉપર જશે.. ત્યારે જ આપણને ‘સાચા રાષ્ટ્રવાદી’ હોવાની ફિલીંગ આવશે ! 

બોસ, એટલી રાહ તો જોવી પડશે ને ? બોલો મેરા ભારત મહાન.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments