કે.એન. સિંઘ: એક જ ભ્રમર વડે અભિનય !

કે. એન. સિંઘ જેવો વિલન આખા હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં બીજો જોવા મળે એમ નથી ! 
જરા વિચાર તો કરો, એ માણસે કદી બીજા વિલનોની જેમ ડેન્ટિસ્ટ આગળ બત્રીસે બત્રીસ દાંત બતાડવા માટે આખેઆખું જડબું ખોલીને ‘હાહાહાહા’ કરતાં અટ્ટહાસ્યો કદી કર્યાં જ નથી ! એ જ માણસ શાંતિથી નદી કિનારે શિકારની રાહ જોતા મગરમચ્છની માફક અડધી ખુલ્લી અને અડધી બંધ આંખો રાખીને બેઠો હોય અને ફક્ત એક જ ભ્રમર ઊંચી કરે ! એ જ તો એની કાતિલ અદા ગણાતી હતી !

કે. એન. સિંઘની સ્ટાઈલ પણ એક જાતનો ટ્રેડમાર્ક હતી. ‘કુલ’ છતાં કાતિલ… શાંત છતાં શાતિર…! જુની ફિલ્મોના રસિયાઓ, તમે માર્ક કરજો કે. એન. સિંઘે કદી ગરીબનો રોલ તો નથી જ કર્યો, એ સિવાય કદી પરદા ઉપર ગરીબડા પણ નથી દેખાયા !

આ માણસે કદી ઘાંટો નથી પાડ્યો, કદી ઊંચા અવાજે ધમકીઓ નથી આપી, કદી બોડીના મસલ્સો બતાડીને મારામારી નથી કરી… છતાં કોણ જાણે કેમ, એ માણસ પરદા ઉપર દેખાય એટલે ભલભલાના ગળે મીઠી છૂરી ફરતી હોય એવો અહેસાસ થઈ જતો હતો !

જોવાની વાત એ પણ ખરી કે ભલે સાવ નાનકડો રોલ હોય, એ તમારા મન ઉપર છાપ છોડ્યા વિના રહે નહીં ! એથી પણ જોવાની વાત એ, કે ભલે રોલ નાનો હોય, પણ કદી મેઈન વિલનના ‘ચમચા’નો રોલ નથી કર્યો ! આખી ફિલ્મી કેરિયરમાં ૨૦૦થી વધુ રોલ કરનારા કે. એન. સિંઘ ઉર્ફે ક્રિશન નિરંજન સિંઘની જિંદગીની દાસ્તાન પણ અનોખી છે.

દહેરાદૂનમાં 1 સપ્ટેમ્બર 1908ના દિવસે જન્મેલ ક્રિશનના પિતાજી એ જમાનાના આગ્રા એન્ડ ઔંધ પ્રોવિન્સ નામના રજવાડામાં રાજવી કુંવર હતાં. પિતા ચંડીપ્રસાદ સિંઘ એ જમાનામાં બહુ જાણીતા અને અતિશય પૈસાદાર ક્રિમિનલ લોયર હતા. ધાણીફૂટ અંગ્રેજી બોલતા ચંડીપ્રસાદની ધીકતી કમાણી હતી. એમની ઇચ્છા ક્રિશનને પણ વકીલ જ બનાવવાની હતી પરંતુ એકવાર ક્રિશને જ્યારે જોયું કે પિતાજીએ એક ધરાર નફ્ફટ કહી શકાય એવા ગુનેગારને અદાલતમાં નિર્દોષ છોડાવી દીધો, એ ઘડીએ એમણે નક્કી કર્યું કે મારે વકીલ તો નથી જ બનવું !

ક્રિશન નિરંજનનું શરીર બાળપણથી જ કસાયેલું હતું. તે સ્પોર્ટ્સના શોખીન હતા. આર્મીમાં ભરતી થવાનું સપનું જોતા હતા. અને તમે નહીં માનો, એ ભાલાફેંક અને ગોળાફેંકમાં એટલા ઇનામો જીતેલા કે 1936ના બર્લિન ઓલિમ્પિક્સમાં ભારતની ટીમમાં સામેલ થવા માટે સિલેક્ટ પણ થઈ ગયેલા ! (હવે આ આખી વાત ‘ગપગોળા ફેંક’ છે એવું કદાચ કહી શકાય કેમકે એ સંજોગોવાશાત્ બર્લિન ગયા નહોતા.)

પણ તમે જુઓ, જે માણસે ગોળાફેંક અને ભાલાફેંકમાં ચેમ્પિયનશીપો જીતી હોય એણે કોઈ દહાડો સિનેમાના પરદે મુક્કાફેંક કે ડંડાફેંક કરીને પોતાનાં બાવડાંના મસલ્સ બતાડ્યા ખરા ? આમાં ને આમાં ભલભલા ચોકલેટી હિરોનાં ડાચાં કે. એન. સિંઘના મુક્કા વડે રંગાતા બચી ગયાં ! શું કહો છો ?

ખેર, એ પછી પોતાની બિમાર બહેનની ખબર કાઢવા જ્યારે દહેરાદૂનથી કોલકતા જવાનું થયું ત્યારે એમની મુલાકાત પૃથ્વીરાજ કપૂર (રાજકપૂરના પપ્પા) સાથે થઈ. કે. એન. સિંઘની પર્સનાલિટી જોઈને એમને તરત જ ‘સુનહરા સંસાર’ (1936) ફિલ્મમાં રોલ મળી ગયો. જોકે એ રોલ વિલનનો નહોતો પણ 1938માં એમણે ‘બાગબાન’ ફિલ્મમાં જે વિલનનો રોલ કર્યો ત્યારથી એમનો સિક્કો જામી ગયો. (મતલબ કે જે ગુન્ડા ટાઇપના ગુનેગારને એમના પપ્પા રિયલ લાઇફમાં બચાવતા હતાં એવા જ સફેદપોશ ગુનેગારના રોલ પોતે ભજવવા માંડ્યા ! બોલો.)

કે. એન. સિંઘે બહુ જુજ ફિલ્મોમાં ડોક્ટરનો રોલ ભજવ્યો હશે પણ જ્યારે જ્યારે એ વકીલ બન્યા ત્યારે એ અસલી ગુનેગારના બચાવમાં જ દલીલો કરતાં દેખાયા ! (બોલો, આ પણ વિધિની વક્રતા જ કહેવાય ને ? કે રિયલ લાઇફમાં પોતે જે નહોતા કરવા માગતા એ ફિલ્મોમાં તો કર્યુ જ કર્યું !)

પણ એમનો વટ હતો. પરદા ઉપર સ્ટાઈલ મારવા માટે બીડી તો કદી પીધી જ નહીં પરંતુ જ્યાં સિગારેટ પી શકાય એવો રોલ હોય ત્યાં કે.એન. સિંઘ ચિરુટ અથવા પાઇપ જ પીતા દેખાયા હોય ! ફક્ત પરદા પુરતો એમનો વટ સિમિત નહોતો. એ સિનિયર થયા પછી એમની એવી ધાક હતી કે શૂટિંગ માટે એમની સાથે કામ કરનાર એક્ટરો સહેજ પણ મોડા આવવાની હિંમત કરતા નહોતા ! 

બીજાને હંમેશા ઉતારી પાડવાની ટેવનો ચેપ એમના નાના ભાઈ બિક્રમ સિંહમાં પણ લાગ્યો હતો. એ બિક્રમ સિંહે ‘ફિલ્મફેર’ નામના અંગ્રેજી સામયિકમાં હિન્દી ફિલ્મોના અતિશય અપમાનજનક રિવ્યુ લખવામાં નામ કમાયું હતું. ત્યાં સુધી કે બિક્રમ સિંહે રાજકપૂરની ‘બોબી’ ‘મેરા નામ જોકર’ અને ‘સંગમ’ જેવી ફિલ્મોને માત્ર દોઢ સ્ટાર આપ્યા હતા.

કે. એન. સિંઘની વાત કરીએ તો પાછલી ઉંમરે એ સદંતર અંધ થઈ ગયા હતા. 91 વર્ષની વયે 31 જાન્યુઆરી 2000ના રોજ એમનું નિધન થયું.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. Very informative.A rare review on a rare actor

    ReplyDelete

Post a Comment