મોબાઈલમાં તમે ફોન લગાડો અને લાગે નહીં ત્યારે કેવા લાંબા-લાંબા અને ચાંપલાં એનાઉન્સમેન્ટો સાંભળવા પડે છે ?
એના કરતાં લોકોની ભાષામાં સીધું બોલો ને ! જેમકે…
***
‘આંપ જિસ વ્યક્તિઇઇ સે બાત કરનાં ચાહતેં હેંઈ… વહ ઇસ વક્ત દૂસરેઈ કોલ પર વ્યસ્ત હેઈ… ક્રિપયા પ્રતીઈક્ષા કરેંએં… યા કુછ સંમય બાંદ ફિંર સેં પ્રયાંઆંસ કરેંએં…’
અલી, આટલું બધું ચાંપલું ચાંપલું બોલવાને બદલે શોર્ટમાં બોલને કે –
‘હમણાં એન્ગેજ આવે છે ! થોડી વાર રહીને ટ્રાય કરો ને ?’
***
છતાં પેલી લાંબું-લાંબું ચલાવશે :
‘આંપ જિસ વ્યક્તિઇઇ સે બાંત કરનાં ચાહતે હૈં વહ ઇસ વક્ત ફોન ઉઠા નહીં રહે હેંઈ… ક્રિપયા કુછ દેર બાઆદ…’
ઓ તારી ભલી થાય, ચાંપલી ! સીધું બોલને કે –
‘એ ફોન ઉપાડતા નથીઈ!’
***
અચ્છા, કોઈ વાર કંઈ ભલતું જ ગાણું ગાતી હોય છે :
‘આંપ જિસ વ્યક્તિઇઇ સે સંમ્મપર્ક કરનાં ચાહતેં હેંઈ વહ નેટવર્ક ક્ષેત્ર સે બાંહર હૈ… ક્રિપયાઆં ફલાણું ફલાણું ઢીકણું ફલાણું, પૂછડું… ઢીકણું’ વગેરે વગેરે…
આટલી લાંબી લપ્પન-છપ્પન કરવાને બદલે સીધું બોલતી હોત કે –
‘સાંભળો, નેટવર્કની બહાર લાગે છે !' તો શું વાંધો હતો ?
***
ઘણીવાર તો દોઢ દોઢ મિનિટ સુધી ટૂંટ ટૂંટ થયા પછી પેલી ચાંપલાશ કરવા આવશે :
‘આંપ જિસ વ્યક્તિઇઇ સે સંમ્મપર્ક કરનાં ચાહતેં હેંઈ… ઉન કા ફોન બંધ હૈ !’
તો સીધું બોલને કે ‘સ્વીચ-ઓફ’ આવે છે !
***
ઉપરથી મોટો ત્રાસ તો એ કે એમનું ‘આંપ જિસ વ્યક્તિઇઇ સે…’ વાળું ત્રણ ત્રણ ભાષામાં આવે છે !
આપણા જેવું શોર્ટ રાખ્યું હોય તો એટલા જ ટાઈમમાં ભારતની તમામ ભાષાઓમાં આવી જાય કે નહીં ?
– ક્રિપયાંઆં આપ કે પ્રતિભાવ કે લિયે શૂન્ય દબાયેં… યદિ સહમત હૈંઈ તો એક દબાયે… યદિ અસહમત હૈંઈ તો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment