જુની-નવી ફિલ્મોના 'સંસ્કાર-ભેદ' !

જુનું જાય અને નવું આવે… આ તો સંસારનો નિયમ છે. પરંતુ હિન્દી ફિલ્મોમાંથી જે જુનું ગયું અને જે નવું આવ્યું… એ વિચારતાં કરી મુકે એવું છે ! જેમકે…

*** 

જુની ફિલ્મોમાં બે ફૂલો ટકરાય અને પાણીનો ધોધ છૂટે એમાં તો હિરોઇન પ્રેગનન્ટ થઈ જતી હતી !

નવી ફિલ્મોમાં પંદર ચુંબનોના સીન અને અઢી સેક્સના સીન પછી પણ હીરોઇન પ્રેગનન્ટ નથી થતી ! બોલો.

*** 

જુની ફિલ્મોમાં હિરો બી. એ. પાસ થાય એટલે હરખાતો દોડતો આવીને કહેતો : ‘માં… માં… મૈં બી.એ. પાસ હો ગયા !’

નવી ફિલ્મોમાં (એકાદ ‘થ્રી ઇડિયટ્સ’ને બાદ કરતાં) કોઈ ફિલ્મમાં એક્ઝામનું ‘રિઝલ્ટ’ પણ બતાડતા નથી !

*** 

જુની ફિલ્મોમાં હિરોની મમ્મી પોતાના દિકરા માટે ગાજર કા હલવા, સરસોં કા સાગ અને મક્કે દી રોટી બનાવાતી હતી. (ફિક્સ મેનુ હતું !)

નવી ફિલ્મોમાં હિરો કાં તો મમ્મીનું રાંધેલું ખાધા વિના જ ઘરેથી નીકળી જાય છે અથવા છેક મોડી રાત્રે બહારથી ખાઇને (અને પીને) આવે છે ! બોલો.

*** 

જુની ફિલ્મોમાં હિરોઇનો નાનાં બાળકને સૂવડાવવા માટે લોરી ગાતી, એમને રમાડવા માટે ઢીંગલા ઢીંગલી બતાડીને ‘બાળકાવ્યો’ ગાતી હતી !

નવી ફિલ્મોમાં બિચારાં નાનાં બાળકોને સૂવડાવવા માટે કોઈ નવરું જ નથી ! (આયા પણ નથી.)  નવી આવનારી ફિલ્મોમાં બાળકને ઊંઘાડવા માટે મમ્મી મોબાઈલ પકડાવી દેશે !

*** 

જુની ફિલ્મોમાં લગ્ન પછી સુહાગરાતનો સીન આવતો. જેમાં હિરોઇન દૂધનો ગ્લાસ લઈને આવતી. એટલું જ નહીં, હિરોઈનનો ઘુંઘટ ખોલાવવા માટે બિચારા હિરોએ આખેઆખું ગાયન ગાવું પડતું હતું !

નવી ફિલ્મોમાં તો લગ્ન પહેલાં જ સુહાગરાત થઈ જાય છે ! જવા દો ને, ભૈશાબ !

***

- મન્નુ શેખચલ્લી

Comments