હવે જોઈશે નવા 'ડે' !

‘વર્લ્ડ થિયેટર ડે’ શા માટે હોય છે ? કેમ કે નાટકોને સપોર્ટની જરૂર છે. ‘વર્લ્ડ સ્પેરો ડે’ શા માટે હોય છે ? કેમકે બોસ, ચકલીઓ ગાયબ થતી જાય છે !

આ હિસાબે દેશમાં પણ અમુક એવા નવા દિવસો ઉજ્વવા પડશે જેનાથી લુપ્ત થઈ રહેલી ચીજોને લોકો યાદ કરે ! જેમકે…

*** 

રાષ્ટ્રિય હડતાલ ડે’
જરા યાદ કરો, કેટલાં વરસો થયાં, સાલી જાહેર હડતાળો પડતી જ બંધ થઈ ગઈ છે ! તો દેશવાસીઓ ઘરની બહાર નીકળો, દુકાનો બંધ કરાવો, પથ્થરમારો કરો… અને આપણો ગૌરવવંતો ઇતિહાસ જીવંત રાખો !

*** 

ભારત બંધ ડે’
એકાદ રાજ્યમાં ઇન્ટરનેટ બંધ થાય એટલાથી થોડું ચાલશે ? ‘ભારત બંધ’નાં એલાનો પણ હવે તો ભૂલાઈ ગયાં છે ! વિરોધ પક્ષો, તમે આ કામ નહીં કરો તો ના-છૂટકે ભાજપે જ કરવું પડશે !

*** 

પાર્લામેન્ટ વર્કીંગ ડે’
આજકાલના હાલાત જોતાં લાગે છે કે વરસમાં કમ સે કમ એક દિવસ તો એવો રાખવો જ પડશે જે દિવસે પાર્લામેન્ટ ફરજિયાત રીતે ચાલુ રાખવી જ પડે ! (ભલે એમાં રાહુલજી ગેરહાજર હોય.)

*** 

કોલેજ લાયબ્રેરી ડે’
દેશના યુવાનો, તમારાં માથાં મોબાઈલમાંથી ઊંચા કરીને આસપાસ જુઓ તો ખરા ? કોલેજમાં ક્યાંક એક લાયબ્રેરી પણ હોય છે ! (આ દિવસે ‘લાયબ્રેરી શોધી કાઢો’ એવી સ્પર્ધા પણ રાખી શકાય.)

*** 

અન્ય પુસ્તક ડે’
પાઠ્ય પુસ્તક સિવાયનાં પણ પુસ્તકો હોય છે ! અથવા કહો, કે એક જમાનામાં તો ઠેર ઠેર હતાં ! આવનારા વરસોમાં નવી પેઢીને આ દિવસે મ્યુઝિયમોમાં લઈ જઈને ‘પુસ્તક-દર્શન’ કરાવવાં પડશે !

*** 

શ્રાદ્ધ કાગડા ડે’
બરાબર શ્રાધ્ધના દિવસોમાં જ કાગડાઓ ધાબા ઉપર ના આવે એ કેવું ? કાગડાઓને કાગવાસ સુધી ખેંચી લાવવા માટે શું કરવું ? કમ સે કમ એની ‘વિચારણા’ના સેમિનારો રાખીશું !

(કેમ વળી, પર્યાવરણ દિવસે પણ એ જ કરીએ છીએ ને… ‘વિચારણા’ !!)

***

- મન્નુ શેખચલ્લી

Comments