ધીમી ગતિના કોમેડિયન અ... સિ.. ત.. સેએએએન !

પેલા લોરેલ-હાર્ડીવાળામાંથી જાડિયાભાઈ કોણ ? લોરેલ કે હાર્ડી ? અલ્યા ભઈ હાર્ડી ! જે હાર્ડ નહોતા પણ પોચા ગોદડાં જેવા સોફ્ટ હતા એ ! 

હવે જરા કલ્પના કરો, કે આપણા જુના જમાનાના સ્લો-મોશન કોમેડિયન અસિત સેનને ઢીલું બેગી પેન્ટ પહેરાવ્યું હોય, ઉપર શર્ટ અને કોટ પહેરાવી દઈએ, માથે મસ્ત કાળી હેટ ખોસી દઈએ અને હોઠ ઉપર અદ્દલ હિટલર કટની મૂછો ચીતરી દઈએ તો એ બિલકુલ હાર્ડી જેવા લાગે કે નહીં !

અસિત સેનની કમનસીબી એટલી જ કે એ જમાનામાં પણ લોરેલ-હાર્ડીની ફિલ્મો મુંબઈમાં આવતી જ હતી છતાં કોઈ ડિરેક્ટરને, સ્ટોરી રાઈટરને કે ખુદ અસિત સેનને એવો વિચાર ના આવ્યો કે પોતાની જોડી એકાદ ખેંખલી ખપાટિયાં જેવા પાતળિયા એકટર જોડે જમાવી દીધી હોય તો કેવી મજા પડે ? બાકી, પેલા હોલીવૂડવાળા હાર્ડીકાકાનું ખાતું પણ અસિત સેનની જેમ ખાસ્સું સ્લો-મોશનમાં જ ચાલતું હતું ને !

આજે આપણને નવાઈ લાગે કે કોઈ કોમેડિયન માત્ર એક ધીમી ગતિના સમાચારની જેમ ડાયલોગ બોલવાની સ્ટાઈલથી સળંગ ૩૦-૩૦ વરસ સુધી શી રીતે ટકી ગયા ? પરંતુ એ જમાનો જ એવો હતો. બિચારો એક એકટર એક રોલમાં કે ખાસિયતમાં ફસાઈ ગયો એટલે… ગયો ! 

જોકે અસિત સેનનો ગોળ માટલાં જેવો ચહેરો, બે-પાંચ મમરાની ગૂણ ભેગી કરી હોય એવી મસ્ત ફાંદ અને લખોટીની ગેમમાં જેને આપણે ‘કિંગ’ લખોટો કહેતા હતા એવી મોટી મોટી આંખો… અને ઉપરથી ફેસની પરમેનન્ટ બાઘાઈ… આ બધાના સરવાળા ગુણાકાર જેવું એમનું પાત્ર પરદા ઉપર આવે કે તરત જ પ્રેક્ષકોના ચહેરા ઉપર ઓટોમેટિકલી સ્મિત આવી જતું હતું.

એ જમાનામાં જો ડાયલોગ ડિલીવરીના બે છેડા, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ સમાન ગણવા હોય તો, એક બાજુ દેવઆનંદ લઈ લો અને બીજી બાજુ અસિત સેનને મુકી દો ! કમનસીબે આ ડેડલી કોમ્બિનેશન કદી પરદા ઉપર જોવા મળ્યું જ નહીં ! બાકી દેવઆનંદ કોઈ વિલનનો પીછો કરવાની સખત દોડાદોડીમાં હોય અને અસિત સેન એ વિલન કઈ દિશામાં ગયો એનું સરનામું બતાડવામાં જ સાંજ પાડી દેતો હોય એવો સીન કેવો મજેદાર બન્યો હોત ?

જોકે સાવ એવું પણ નહોતું કે અસિત સેનનો પનારો બહુ મોટી હસ્તી સાથે ના પડ્યો હોય. હકીકતમાં તો એમના ગુરુ ગ્રેટ ડિરેક્ટર બિમલ રોય હતા. તમને જાણીને નવાઈ લાગશે પણ બિલમ રોયના પ્રોડક્શનમાં અસિત સેને બે ફિલ્મોનું ડિરેક્શન પણ સંભાળ્યું હતું ! પરિવાર (1956) અને કૌન (1957). 

વાત એમ બની કે ગોરખપુરમાં જન્મેલા અને ત્યાં જ ફોટોગ્રાફીનો સ્ટુડિયો ચલાવતા અસિત સેનનું સાસરું કોલકતા હતું. એકવાર પત્નીની બિમારીના કારણે અસિત સેનને કોલકતામાં થોડા મહિના માટે રોકાવાનું થયું. આ દરમ્યાન એમણે ત્યાંના એકાદ બે બંગાળી નાટકોમાં જે અભિનય કર્યો તે બિમલ રોયની નજરે ચડી ગયો. એમણે પોતાની ફિલ્મમાં રોલ ઓફર કર્યો. 

પરંતુ એ 1947થી લઈને 1949 સુધીનો સમય કોલકતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કપરો કાળ હતો. બિમલ રોય મુંબઈ શીફ્ટ થયા અને સાથે સાથે અસિત સેન પણ બિસ્તરા પોટલાં સાથે મુંબઈમાં આવી ચડ્યા. અહીં બબ્બે ફિલ્મોનું દિગ્દર્શન કરવા છતાં પોતે માત્ર કોમેડિયન શા માટે બની ગયા ? તો કદાચ એવું બન્યું હશે કે શૂટિંગ વખતે અસિત સેન જે રીતે ધીમી ગતિના રેડિયો સમાચારની માફક ‘એ..એક્શઅઅન !’ અને ‘ક...અઅઅટ !’ બોલતાં હશે એમાં કેમેરાનાં રીલનો વધારે પડતો બગાડ થઈ જતો હશે ! (વેલ, આ તો જસ્ટ ગમ્મત છે.)

લગભગ ૨૦૦ જેટલી ફિલ્મોમાં એક સરખા રોલ કરનાર અસિત સેનને જો આજે યાદ કરવા હોય તો બે ફિલ્મો જરૂર ગણી શકાય. એક તો ‘બીસ સાલ બાદ’માં એ ગોપીચંદ જાસૂસ બન્યા હતા તે. (આ નામ એટલું ક્લિક થઈ ગયેલું કે આગળ જતાં રાજકપૂરે પોતાની ફિલ્મનું અને પોતાનું નામ ‘ગોપીચંદ જાસૂસ’ રખાવેલું) અને બીજો યાદગાર રોલ તે ‘દો દુની ચાર’માં કીશોરકુમારના નોકરનો ! આ ફિલ્મમાં તો એમનો પેરેલલ હિરોના બબ્બે રોલ હતાં ! જીહા, કીશોરકુમાર પણ ડબલ રોલમાં અને અસિત સેન પણ ડબલ રોલમાં ! 

પણ નસીબ જુઓ અસિત સેનનાં, કે એ ફિલ્મ ખાસ ચાલી નહીં. મૂળ શેક્સપિયરના નાટક ‘કોમેડી ઓફ એરર્સ’ ઉપરથી આ ફિલ્મના વધુ બે હિન્દી રિ-મેક થયા. એક ગુલઝારે બનાવેલી ‘અંગૂર’ અને હાલમાં રોહિત શેટ્ટીએ બનાવેલી ‘સર્કસ’, છતાં કોઈને અસિત સેન યાદ આવ્યા નહીં. (અમને યાદ આવ્યા એ બદલ અસિત સેનનો આત્મા અમને ધી…મે ધી…મે આશીર્વાદ આપતો હશે.)

આજે તમને અસિત સેનના સેંકડો સ્લો-મોશન ડાયલોગોમાંથી ભલે એક પણ ડાયલોગ યાદ ના હોય પણ એ જે રીતે ડઘાઈ જઈને, આંખો પહોળી કરીને ‘હેંઇંઇં…’ કરતા હતા એ તો જરૂર યાદ આવશે ! રાઈટ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments