અરેરે... આવી કોલર ટ્યુનો ?!

અમુક લોકોને પોતાની કોલર ટ્યુનોમાં કયું ગાયન રાખવું તેની અક્કલ નથી હોતી. દાખલા તરીકે એક બિચારા સીધા સાદા સજ્જન છે છતાં એમને ફોન કરો તો ગાયન સંભળાય :

મુજ કો યારો માફ કરના, મૈં નશે મેં હું…’

આ જ રીતે અમુક લોકોએ અમુક કોલર-ટ્યુનો હરગિઝ ના રાખવી જોઈએ. જેમકે…

*** 

કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે કોલર ટ્યૂન રાખી હોય કે :
મૈં હું ડોન… મૈં હું ડોન..’
- તો કેવું લાગે ?

*** 

તમે કોઈ આઈ-સ્પેશીયાલિસ્ટને ફોન કરો અને એમાં સંભળાય કે
તેરી આંખો કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યા હૈ ?’
- તો આપણે શું સમજવાનું ?

*** 

અને કોઈ હાર્ટ-સ્પેશિયાલિસ્ટને ફોન કરતાં સાંભળવા મળે કે –
દિલ દે કે દેખો, દિલ દે કે દેખો, દિલ દે કે દેખો જી…’
- તો આપણા ધબકારા વધી જ જાય ને !

*** 

અચ્છા, તમે કુંવારા હો, જીવનસાથી માટે યોગ્ય પાત્ર શોધતા હો અને કોઈ મેરેજ બ્યુરોના માલિકને ફોન કરતાં જ સામેથી સંભળાય કે –
મુઝે મેરી બીવી સે બચાઓ ! અકડતી હૈ હંમેશા મુજ સે લડતી હૈ…’
- તો તમે માંડી જ વાળોને ? પરણવાનું…

*** 

તમે તમારો જીવનવીમો ઉતરાવી લીધો હોય, પછી એકાદ વાર તમારા વીમા એજન્ટને કોઈ કામસર ફોન કરો, અને સાંભળવા મળે…
તેરી યાદ આયેગી… તેરે જાને કે બાદ…’
- તો શું સમજવાનું ?

*** 

હમણાં તો કોરોનાનો વાવર નથી, છતાં તમે કોઈ મલ્ટિ સ્પેશીયાલિટી હોસ્પિટલમાં રીંગ કરો અને સામેથી સાંભળવા મળે કે –
જીના યહાં, મરના યહાં, ઇસ કે સિવા જાના કહાં…’
- તો સાતે સાત જનમ યાદ આવી જાય કે નહીં ?

*** 
બાકી, જો તમે કોઈ મિનિસ્ટરને ફોન કરો અને સાંભળવા મળે કે…
ના બીવી ના બચ્ચા, ના બાપ બડા ના મૈયા, ધ હોલ થિંગ ઇઝ ધેટ કે ભૈયા સબ સે બડા રૂપૈયા..’

- તો બિલકુલ નવાઈ ના લાગે ને ? બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments