ઓસ્કારમાં જાજરમાન ગાઉનો !

હજી ફિલ્મફેર કે સ્ક્રીન એવોર્ડ્ઝનાં ફંકશનો ટીવીમાં જોતા વખતે આપણે હરખાઈએ તો સમજ્યા કે મોટા ભાગની ફિલ્મો આપણે જોયેલી છે, પણ ભૈશાબ, જેનું નામ પણ દસ દહાડા પહેલાં નહોતું સાંભળ્યું એવી ફિલ્મોને એવોર્ડ મળતાં જોઈને આપણે દેશી (મુરખ) પ્રજાને હરખવા જેવું શું મળતું હશે ?

એવા જ અઘરા સવાલો અમને ઓસ્કારમાં મોટા મોટા ગાઉનો પહેરીને આવતી ગ્લેમરસ બાઈઓ વિશે થાય છે…

*** 

જ્યાં પુરુષો પોતાના ચહેરા અને હથેળીઓ સિવાય કશું ખુલ્લું રાખીને આવતા નથી ત્યાં આ મહિલાઓ જે ઢાંકવાનું છે તે ઉઘાડું રાખીને કેમ હાલી આવે છે ?

*** 

મહિલાઓના ઢસડાતા ગાઉનોનો મૂળ હેતુ શું હોય છે ? હોલના ટાઈલ્સના સફાઈ રાખવી ? કે એ પવિત્ર ધૂળને ઘરે લઈ જઈને પૂજાનાં મંદિરીયાંમાં રાખતી હશે ?

*** 

અચ્છા, ખુરશીમાં બેસતી વખતે આવડા મોટા ગાઉનનો ડૂચો ક્યાં ખોસતાં હશે ? સીટમાં ખોસે છે ? કે ખુરશી નીચે સૌનાં જૂતાં નીચે રગદોળાય એ રીતે રાખે છે ?

*** 

અચ્છા, ફૂલ એરકન્ડીશન્ડ હોલમાં ચાર-ચાર કલાક લગી આ પ્રોગ્રામ ચાલતો હોય એ દરમ્યાન વચચે ‘લઘુશંકા’ લાગે તો શું કરવાનું ? સીટોની વચ્ચેથી સવા બે મીટરનું કપડું ઢસડતાં ઢસડતાં નીકળવાનું ?

અને ત્યાં વોશરૂમમાં એ ઢસડાતું કપડું ભીનું ના થાય એના માટે ‘આસિસ્ટન્ટો’ રાખતા હશે ?

*** 

વળી, ચાર-ચાર કલાક લગી ખુરશીમાં બેસી રહેવાને કારણે આવડા મોટા ગાઉનમાં જે કરચલીઓ પડી ગઈ હોય, તેને સરખી કરવા માટે એ બહેનો ગાઉનમાં જ ક્યાંક નાનકડી ઇસ્ત્રી સંતાડી રાખતાં હશે ?

*** 

અમને તો એ પણ નથી સમજાતું કે આ હિરોઈનો હાથમાં પર્સ ઝાલીને શા માટે આવે છે ? ઓ બહેનો, આવડાં મોટા ગાઉન છે તો એમાં જ બે-પાંચ ખિસ્સાં મુકાવોને ? શું કહો છો…

***

- મન્નુ શેખચલ્લી

Comments