અરે, આજના જમાનામાં... !

જમાનો બદલાઈ ગયો છે. આજે માણસ ઓફ-લાઈન કરતાં ઓન-લાઈન વધારે હોય છે. ગ્રાઉન્ડ કરતાં મોબાઈલમાં વધારે ગેમ રમે છે અને રિયલ ચહેરા કરતાં સ્માઈલી વડે વધારે સ્માઈલો આપતો થઈ ગયો છે ! તમે જુઓ તો ખરા…

*** 

આજના જમાનામાં…

જે માણસ પત્ની, નોકરી,
મોંઘવારી અને મોબાઈલ વચ્ચે
સંતુલન જાળવી શકે છે
એ બાબા રામદેવ કરતાંય
મોટો યોગી છે !

*** 

આજના જમાનામાં…

સ્વભાવને માફક આવે તેવી પત્ની
ભણતરને માફક આવે તેવી નોકરી
ટેસ્ટને માફક આવે તેવી પાણીપુરી
બજેટને માફક આવે તેવી લોન
હાઈટ-બોડીને માફક રેડીમેડ કપડાં…
આ બધું જ કદાચ
મળવું સહેલું છે પણ...

તમે બહાર ગામ ગયા હો ત્યારે
તમારા મોબાઈલને માફક આવે
તેવું ચાર્જર…
મળવું મુશ્કેલ છે !

*** 

આજના જમાનામાં..

સૌથી મોટી કુરબાની
કોઈ હોય, તો એ છે
કે પોતાનો મોબાઈલ
ચાર્જરમાંથી કાઢીને કોઈ
તમારા મોબાઈલને
ચાર્જરમાં લગાડી આપે !

*** 

આજના જમાનામાં…

મા-બાપને બે ચિંતાઓ છે
એક,
એનો દિકરો મોબાઈલમાં
શું શું ડાઉનલોડ કરી રહ્યો છે
અને બે,
એમની દિકરી મોબાઈલમાં
શું શું અપલોડ કરી રહી છે !

*** 

આજના જમાનામાં…

બ્યુટિપાર્લરમાં ગયેલી મહિલા
મોબાઈલમાં ઘુસેલો ટીન-એજર
અને
ઓનલાઈન ફ્રોડમાં ગયેલા
રૂપિયા…
ઝટ ‘પાછા’ આવતા નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments