પગાર પુરો.. કામ ઝિરો !

તમે નહિ માનો, પરંતુ આજે ય અમુક નોકરીઓ એવી છે જેમાં પૈસા તો પુરા મળે છે પણ કામ કંઈ ખાસ હોતું જ નથી ! જુઓ…

*** 

વિલનના સાઈડ-કીક
ફિલ્મોમાં વિલનની આજુબાજુ જે બે ચાર મુશ્ટંડાઓ બોડી બતાડતા ઊભા હોય છે. એમણે કરવાનું શું ? કંઈ જ નહીં ! ફક્ત ઊભા રહેવાનું ! ના તો ડાયલોગ બોલવાના, ના મારામારી કરવાની, ના ગોળીઓ ખાવાની, ના તો ગોળીઓ ચલાવવાની…

*** 

વેલે પાર્કિંગમાં
મોંઘી હોટલોની બહાર અથવા ભભકાદાર મેરેજ રિસેપ્શનની બહાર વેલે પાર્કિંગનો સ્ટાફ ઊભો હોય છે. એમાં બે ચાર તો ડ્રાઈવરો હોય, જે તમારી કાર પાર્કિંગમા મુકી આવે… પણ પેલો જે ટેબલ પર બેસી રહે છે એણે તમારી ચાવીઓ સાચવવા સિવાય બીજું કરવાનું શું ?

*** 

બેન્કમાં બંદૂકધારી
આ નોકરી તો ખરેખર ત્રાસ છે ! બેન્કને લૂંટનારા કંઈ નવરા થોડા છે કે શહેરની જેટલી બ્રાન્ચો છે એમાં દર મહિને એકાદ વાર લૂંટ કરવા આવે ? પરિણામે બેન્કના બંદૂકધારી ચોકીદારે રોજ ખભે સાડા બાર કિલોની રાઈફલ ખભે લટકાવીને આખો દહાડો બેસી જ રહેવાનું ! વરસો લગી…

તમે જોજો, આવા બિચારા બંદૂકધારીઓએ પોતાનો ટાઈમપાસ કરવા માટે ખભે બંદૂક રાખીને બેન્કના ગ્રાહકોને ફોર્મ ભરી આપવામાં મદદ કરવા જેવાં ફાલતુ કામો કરવા પડે છે !

*** 

મુખવાસના કાઉન્ટરવાળો
રિસેપ્શનમાં જે છેલ્લું અટુલું જે મુખવાસનું કાઉન્ટર હોય છે ત્યાં ઊભેલા ભાઈએ શું કરવાનું? એણે મુખવાસ પીરસવાનો ? ‘ગુડબાય’ કહેવાનું ? જમવાનું કેવું લાગ્યું ? એવું પૂછવાનું ?
ના, બસ ઊભા રહેવાનું ! શેના માટે ? પેલા 25-25 રૂપિયાના વાડકા કોઈ ચોરી ન જાય એટલા માટે ?

*** 

અને ‘બિગ બોસ’ના કોન્ટેસ્ટન્ટો
સાચું કહેજો, શું તમે એમને કંઈ ‘કામ કરતા’ જોયા છે ? ના, એમણે પોતે શું કામ કર્યું અને બીજાએ શું ના કર્યું એના ઝગડા જ કરવાના હોય છે ! છતાં રૂપિયા પુરા ! યુ સી ?

***

- મન્નુ શેખચલ્લી

Comments