હાલમાં ગુજરાતમાં NRI સિઝન ચાલી રહી છે. કોઈ ફરવા આવ્યા છે, કોઈ બેન્કની FDના વહીવટો કરવા આવ્યા છે, તો કોઈ કમૂરતામાં પરણવા આવ્યા છે !
આપણા આ ગુજરાતી NRIઓની અમુક ખાસ ખાસિયતો છે ! તમે માર્ક કરજો…
***
તમે માર્ક કરજો…
એ લોકો આપણા ઘરે આવશે તો આપણા ઘરનું પાણી નહીં પીએ ! પોતાની ‘મિનરલ વોટર’ની બોતલમાંથી જ પાણી પીશે…
પણ એ જ લોકો જ્યારે માણેકચોક જશે ત્યારે ધનાધન પાણીપુરીઓ ઝાપટતા જોવા મળશે !
***
તમે માર્ક કરજો…
પોતાના મોબાઈલમાંથી એ લોકો આપણને ફોરેનનાં મોટાં મોટાં બિલ્ડીંગો, બરફના પહાડો અને પોતાના મસ્ત બંગલાઓના ફોટા બતાડ્યા કરશે…
પણ અહીં આવીને શેના ફોટા પાડશે ? રખડતી ગાયો… ગલીમાં સૂતેલાં કૂતરાં… ધાબાની પાળે બેઠેલો કાગડો… રોડ ઉપર ઊભેલા પિપૂડીવાળા… જુની પોળનાં ખખડી ગયેલાં મકાનો… બોલો, ખોટી વાત છે ?
***
તમે માર્ક કરજો…
એ બધા પાકા ગુજરાતી છે છતાં તમને એમ નહીં પૂછે કે ‘આ કાર કેટલામાં લીધી ?’ ‘થ્રી BHK એપાર્ટમેન્ટના શું ભાવ ચાલે છે ?’ ‘અહીં સ્માર્ટ ટીવી કેટલામાં મળે છે ?’
પણ પૂછશે શું ? ‘અહીં સારા ડેન્ટીસ્ટો કેટલી ફી ચાર્જ કરે છે ?’ ‘બાય-પાસનું ઓપરેશન કેટલામાં પડે ?’ ‘અચ્છા, સારામાંના ચશ્માની પ્રાઈઝ રેન્જ શું ચાલે છે, આજકાલ ?’
(કેમકે આ બધું જ ‘ત્યાં’ મોંઘું છે!)
***
તમે માર્ક કરજો…
આમ તો, કહેતા હશે કે ‘જુઓને, ટાઈમ જ ક્યાં છે ?’ ‘દિવસો બહુ ઓછા છે’ વગેરે છતાં તમને કહેશે ‘ચાલો ને, પેલું ‘અવતાર-ટુ’ થિયેટરમાં જોવા જઈએ ?’
અલ્યા, પુરા ત્રણ કલાકનું મુવી જોવાનો ‘ટાઈમ’ ક્યાંથી કાઢ્યો ?
તો સિક્રેટ એ છે કે એ જ મુવી જો ત્યાંના મલ્ટિપ્લેક્સમાં જોવા જાય તો એક ટિકીટ પુરા 1300 રૂપિયામાં પડે છે !જ્યારે અહીં તો પૈસા આપણે જ કાઢવાનાં છે ને !
વાંધો નહીં, કરાવો જલ્સા આપણા NRIઓને… એ પણ યાદ કરશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment