થોડા સમય પહેલાં એક જર્નાલિઝમની કોલેજમાં લેકચર લેવા જવાનું થયું ત્યારે અમારા ધોળા વાળ અને સિરિયસ ડાચું જોઈને ત્યાંના સ્ટુડન્ટો અમારી જોડે આવીને સેલ્ફીઓ લેવા લાગ્યા. એમાંના એકાદ છોકરાએ પૂછી લીધું કે તમે ફેસબુકમાં કયા નામે છો ? ટ્વીટર એકાઉન્ટનું આઈડી શું છે ? ઇન્સ્ટા ઉપર તો છો ને ?
ત્રણેય સવાલના જવાબમાં અમે ડોકું ધૂણાવ્યું કે તરત સેલ્ફી લેવા ધસી આવી રહેલા અડધા સ્ટુડન્ટો એવી રીતે પાછા વળી ગયા કે જાણે કોઈ મોટા ખાડામાં પડતાં પડતાં બચી ગયા હોય ! જે સ્ટુડન્ટનો ખાડાની નજીક (એટલે કે અમારી પાસે) ઊભા હતા તે બધાએ વાંકાચૂકા, ત્રાંસા, આડા-ઊભા થઈને પોતાની જાતને બચાવી લીધી ! અને જે ભોળિયાઓએ અમારી સાથે ઓલરેડી સેલ્ફી લઈ લીધી હતી એમણે ફોટા એવી રીતે ડિલીટ કરી નાંખ્યા કે જાણે ફોનમાં વાયરસ ઘૂસી જવાનો હોય !
માત્ર અઢી મિનિટની એ ઘટનામાં અમે સમજી ગયા હતા કે જો આજના જમાનામાં તમારે ફેમસ ગણાવું હોય તો તમારે ‘સોશિયલ’માં રહેવું પડે, નહિતર તમે ‘એન્ટિ-સોશિયલ’માં ગણાઈ જાવ !
જરા વિચાર કરો, આજે કોણ ફેમસ નથી ? બજારમાં ઊભા રહીને ભજિયાંની લારી ચલાવતા ભુરાનાં બત્રીસ સો ફોલોઅર્સ છે ! એમાં જ્યારે કોઈ ‘ફૂડી વ્લોગર’ ‘દેખિયે… શક્કરીયાં કી કાતરી સે કૈસે ગજબ કે બનતે હૈં પકૌડે…’ વાળો વિડીયો બનાવવા માટે ભુરા પાસે આવે ત્યારે એ વ્લોગરના 749 ચેનલ સબસ્ક્રાઈબર્સ, 13,625 ફેસબુક ફ્રેન્ડ્ઝ, 21,941 ટ્વીટર ફોલોઅર્સ અને ગણ્યા ગણાય નહીં એટલા વ્યુઅર્સનો ‘ગુણાકાર’ થાય છે ! (ગણિતના દાખલાની જેમ ગણવું પડે બોસ… 3200 x 4749 x 13625 x 21941 = ?) અને આમાં ‘ઇન્સ્ટા’ ગણવાનું જ રહી ગયું !
શું તમને ખબર છે કે આજે જો કોઈ નવી પતિ-પત્નીની જોક આવે કે તરત જ આખા ગુજરાતમાં કમ સે કમ 199 કપલ એવાં છે કે તે જોકને મોબાઈલ કેમેરામાં પુરેપુરી સેન્સ ઓફ ‘હ્યુમર-ઝેરોક્સ’ વડે ભજવીને સોશિયલ મિડીયામાં અપ-લોડ કરે છે… અને માત્ર 24 જ કલાકમાં તેના લાઈક, શેર અને વ્યુઝની સંખ્યા ટોટલ 1 મિલિયનને પાર કરી જાય છે ! (હંહ ! અને ભૂપેન્દ્રભાઈ એમ સમજે છે કે પોતે ગુજરાતમાં બહુ લોકપ્રિય છે ! ખાંડ ખાઓ છો ભૂપેન્દ્રભાઈ, ખાંડ.)
તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે ગુજરાતમાં 4500થી વધુ એવી મહિલાઓ છે જે કોઈ કાકાના ભારે ખરબચડા અને જાડા અવાજમાં મિમિક્રી કરી શકે છે ! જો તમે હજુ કન્ફ્યુઝ્ડ હો કે મહિલાઓ પુરુષનો અવાજ શી રીતે કાઢે છે ? તો કહી દઉં કે એ અવાજ કોઈ ફેમસ કીશોરકાકાનો છે !
અગાઉ એક જમાનો હતો જ્યારે બિચારા શીખાઉ ગાયકો કીશોરકુમારનો અવાજ કાઢવામાં ફેંફેં થઈ જતા હતા પણ આજે ગુજરાતની અતિ-ટેલેન્ટેડ મહિલાઓ એકી અવાજે કીશોરકાકાના અવાજમાં એકપણ ગાયન ગાયા વિના ‘ફેમસ’ થઈ શકે છે.
તમને શું લાગે છે, આપણા વડાપ્રધાન કંઈ અમસ્તા એવું બોલ્યા હશે કે ‘કિતને પ્રતિભાશાલી લોગ હૈં ઈસ દેશ મેં !’ તમે જુઓ, બિચારા રાહુલ ગાંધી તદ્દન નવો જિનિયસ આઇડિયા લઈને ભારતયાત્રા કરવા નીકળી પડ્યા છે, રસ્તામાં તેઓ કંઈ અદ્દભૂત કોમેડીઓ કરી બતાડે છે છતાં એમને ટ્રુ ફોલોઅર્સ (પાછળ પાછળ ચાલનારા) કેટલા મળે છે ? રોજના બે-પાંચ હજાર ? જ્યારે બીજી તરફ રાહુલજીની ફની ક્લિપમાં બે-પાંચ સ્ટાન્ડર્ડ હસતી, ખિખિયાટા કરતી વ્યક્તિઓની ક્લિપો જોડીને કંઈ સેંકડો લોકો લાખોની સંખ્યામાં લાઈકો ઉઘરાવી લે છે !
તમે પણ એમાંની એક ક્લિપની જેમ પૂછતા હશો કે ‘અરે ભઈ, કહેના ક્યા ચાહતે હો ?’ તો મિત્ર, જવાબ એ છે કે પપ્પુજી પોતાની જોક્સ ઉપર માત્ર એક પૈસાની રોયલ્ટી ચાર્જ કરતા હોત તો આજે એટલું બધું કમાઈ ગયા હોત કે એમના ઘરે EDની રેઈડ પડી ગઈ હોત !
ભવિષ્યમાં તમે જોજો કે પટાવાળાની તો શું, ‘ઝોમેટો’ના ડિલીવરી બોયની નોકરી માટે પણ બાયોડેટામાં લખવું પડશે કે તમારા સબસ્ક્રાઈબરો અને ફોલોઅરો કેટલા છે ! કેમકે હવે બધાને ‘લીડર્સ’ જોઈએ છે, ફોલોઅર્સ નહીં ! ઇન્ફ્લુએન્સર્સ જોઈએ છે, ઇન્ફ્લુઅન્સમાં આવી જનારા નહીં !
જોકે આજની આખી જોક જ એ છે કે જે લોકો ‘ઇન્ફ્લુએન્સર્સ’ ગણાય છે તે લોકો પોતે જ બીજાની જોક, બીજાનું ગાયન, બીજાનાં ડાન્સ સ્ટેપ કે બીજાઓનાં આખેઆખા વિડીયોથી ‘ઇન્ફ્લુએન્સ’ થઈને જ નવું ‘ક્રિએટિવ કન્ટેન્ટ’ બનાવે છે !
અમારી તો નવાં પરણેલાં કપલ્સને સલાહ છે કે અત્યારથી જ તમારાં બાળકોનાં સોશિયલ મિડીયા એકાઉન્ટો ખોલી રાખો, નહિતર એમના માટે જ્યારે પ્લે-ગ્રુપમાં એડમિશન લેવા જશો તો બિચારું બાળક રિજેક્ટ થઈ જશે કે એના ફોલોઅર્સ બહુ ઓછા છે.
બાય ધ વે, તમે ટોઈલેટમાં જાવ છો ત્યારે તમને કટલા લોકો ‘ફોલો’ કરે છે ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment