એક સામટા અડધો ડઝન પુરુષો અને અડધો ડઝન સ્ત્રીઓ તમને ‘દૂર હટો ! દૂર હટો !’ કહેવા લાગે તો તમને કેવું ફીલ થાય ? તમે ના હટો તો કંઈ નહીં છેવટે તમારી તો હટી જ જાય ને ?
બાય ધ વે, 1945ની ‘કિસ્મત’ ફિલ્મનું ‘દૂર હટો એ દુનિયાવાલો હિન્દુસ્તાં હમારા હૈ’ આ કદાચ સૌથી જુનું એવું ‘કોરસ’ ગીત છે જે આજ સુધી ટકી રહ્યું છે ! આવાં કોરસ યાને કે સમૂહગાન ગાનારા ગાયકોનાં નામો તો કદી એ જમાનાની રેકોર્ડોમાં પણ લખાતા નહોતાં. આજે પણ એ સૌ ગુમનામ જ છે.
છતાં તમે નહીં માનો, લતા મંગેશકર અને આશા ભોંસલેએ સાવ નાની ઉંમરે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે કોરસ ગાયકો તરીકે શરૂઆત કરી હતી. એ વખતે એમની હાઈટ એટલી ઓછી હતી કે એમનો અવાજ માઈકમાં પહોંચે એ માટે એમને સ્ટુલ ઉપર ઉભા રાખવાં પડતાં હતાં. (છતાં શરૂશરૂમાં તો લતાજીને સ્ટુલ પણ નહોતું મળતું. એટલે જ એમણે મનમાં ખાર રાખીને બીજી કોઈ ગાયિકાઓને ‘ઊંચી’ જ ના આવવા દીધી ! બોલો.)
જુના જમાનાનાં મોટે ભાગનાં ગાયનોમાં તો આવા કોરસ ગાયકોએ નિશાળમાં ગવાતી પ્રાર્થનાની જેમ સાહેબ કે બેન જે ગવડાવે એ રીપીટ જ કરવાનું હતું. ક્યારેક તો ખાલી ‘હોઓઓ… હોઓઓ…’ એટલું જ કરવાનું હોય ! પેલા ‘બરસાત’ના ગીતની જેમ ક્યારેક ખાલી ‘તાક ધીના ધીન !’ એટલું જ બોલવાના રૂપિયા મળી જાય !
પરંતુ સલીલ ચૌધરી નામના જે સંગીતકાર હતા એ આવા કોરસ ગાયકોની પદૂડી કાઢી નાંખતા હતા. તમે પેલું ‘આનંદ’નું ગાયન ધ્યાનથી સાંભળજો… ‘જિંદગી, કૈસી હૈ પહેલી હાયે…’ એમાં મન્ના ડેના ભાગે જેટલું ગાવાનું આવે છે એના કરતાં દસ ગણું જોર તો પેલા કોરસ ગાયકોએ લગાડવું પડ્યું છે ! અને પાછા કોઈ શબ્દો-બબ્દો ના મળે ! આખા ગાયનમાં હોઓઓઓઓ… જ કર્યા કરવાનું ! ફેફસાં ફૂલી જાય કે નહીં ?
સલીલ ચૌધરીનું બીજું એક ગાયન છે… ‘એ દિલ કહાં તેરી મંઝિલ…’ (ફિલ્મ : માયા) આમાં તો એટલા ઉંચા અવાજે કોરસ પાસે ગવડાવ્યું છે આપણને લાગે કે ગાનારીઓનાં રીતસર ગળાં છોલાઈ ગયાં હશે ! એમાંય વળી કોરસ ચાલતું હોય ત્યારે લતાજીને સ્લો મોશનમાં વીંછી કરડતો હોય એ રીતે જોડે જોડે ‘આહાહા… આહાહા…’ કરાવડાવ્યું છે ! આમાં એમની સાથે મેઈલ વોઈસમાં ગાનારા ભઈ દ્વિજેન મુખરજીને એ દિવસે લૂઝ-મોશન થઈ ગયા હશે એટલે ખાસ ખેંચાવડાવ્યું નથી.
જે હોય તે, સલીલ દાની માસ્ટરી તો હતી જ કોરસ ગાયનોમાં ! જુઓને ‘મધુમતી’ના પેલા ‘બિછુવા’ ગાયનમાં સામટા બાવીસ ભૂવા ધૂણતા હોય એવી રીતે બોલાવડાવ્યું છે ને કે ‘જા… રે… જા… રે…! છૂઉઉઉ!!’
ચાલો, ‘બિછુવા’ ગાયનમાં તો બબ્બે ડઝન એકસ્ટ્રાઓને ડાન્સ કરતાં બતાડ્યા છે એટલે બરોબર છે. પણ યાર, ‘છોટી સી બાત’ના ‘ન જાને ક્યું…’માં તો બિચારી વિદ્યા સિંહા એકલી પડી ગઈ છે. આજુબાજુ લારીવાળા, પુરી પકોડીવાળા કે મચ્છી મારકેટવાળા પણ નથી છતાં આટલાં બધાં સ્ત્રી-પુરુષો ક્યાંથી ‘આંઆંઆં…’ કરતાં સંભળાય છે ? મુંબઈ મહાનગરપાલિકાની ગટરમાંથી ?
પણ સલીલદાનું એવું. બબ્બે ડઝન કોરસ ગાયકો કદાચ એટલા માટે રાખતા હશે કે એ બધા એમને ત્યાં સંગીતનું ટ્યૂશન લેવા આવતા હશે. બધાને એમણે કહી રાખ્યું હશે કે ‘ટાઈમસર ફી ભરી દેશો તો જ ફિલ્મના રેકોર્ડિંગમાં ગાવા મળશે !’
જોકે આર ડી બર્મન કોરસનો ઉપયોગ કરવામાં ઘણીવાર જાતજાતનું કરાવતા હતાં. દાખલા તરીકે ‘ધ ટ્રેન’ના એક ગીતમાં મહિલા ગાયકોને તાલબદ્ધ રીતે છીંકો આવતી હોય એમ ‘આક્ છીં આહા ! આક્ છીં આહા !’ એવું કરાવ્યું છે… સાંભળજો એ ગાયન : ‘દૈયા રે દૈયા રે, તારોં કી છૈંયા…’
એ જ રીતે ‘બોમ્બે ટુ ગોવા’માં ‘યે મહેકી ઠંડી હવા’માં કોરસ જાણે ‘વાવ્વાવ્વાવાવા…’ કરીને કીશોરકુમારને હવા ભરતું હોય અને ‘તૂરુરુરુઉઉ’ કરીને હવા કાઢી નાંખતું હોય એવું ગાય છે કે નહીં ?
ઓપી નૈયર પણ જબરા હતા. ‘તુમ સા નહીં દેખા’ના એક ગાયનમાં કોરસ પાસે કંઈ અટપટું જ ગવડાવે છે. ‘તિડીલી તાગલા લીહી લા રે લિહીલા…’ એટલે શું બોસ ? અને ‘ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં’માં બધાએ ‘હેઈર હેઈરે’ કરીને હલેસાં જ માર્યાં કરવાનાં ?
છતાં યાદ કરો, અમુક ગીતો કોરસ વિના કલ્પી જ ન શકાય. જેમ કે ‘નખરેવાલી…’ પછી ‘આઆઆ..’ આવે જ ! ‘જાગો મોહન પ્યારે’ પહેલાં આખું ગામ જાગી જાય એવા અવાજે ‘જાગ રે જાગ રે સબ કલિયાં જાગી…’ એવું ના આવે તો ગાયન સ્ટાર્ટ જ ના થાય ને ? એ જ રીતે ‘અય માલિક તેરે બંદે હમ’ એકલા એકલા ગવાય જ નહીં !
બાકી, કવ્વાલીઓનાં કોરસમાં તમે માર્ક કરજો, એમાંના એક ભઈને એટલી બધી કબજીયાતની અસર ચડી હોય છે કે એ હંમેશા ચીસ પાડવા જેવા ઊંચા અવાજે જ ગાતો સંભળાશે !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Ha..ha..
ReplyDeleteહાંજી,ખરી ધોબીપછાડ ખવડાવી છે.
ReplyDeletePerfect observation Mannubhai maja avi gai thanks
ReplyDelete