એ ' બક્સમ' એક્સ્ટ્રા ડાન્સરો યાદ છે ?

પેલું ‘શ્રી 420’નું ગાયન યાદ છે ? ‘રમૈયા વસ્તા વૈયા, મૈંને દિલ તુજ કો દિયા…’ એમાં, પેલી ઠીંગણી સરખી ગોળમટોળ છોકરી બ્લાઉઝ વિનાની સાડી પહેરીને ડાન્સ કરતી એ ગાયનની ચાર-પાંચ લાઈનો ગાય છે, યાદ છે ? 

એ બિચારી દોઢ-બે વરસ પહેલાં મૃત્યુ પામી. એનું નામ હતું શીલા વાઝ. ગોવાનિઝ હતી. ફિલ્મોમાં એકસ્ટ્રા ડાન્સર તરીકે કામ કરતી હતી. ‘શ્રી 420’ વખતે રાજકપૂરની નજર એની ઉપર પડી અને લગભગ અડધું ગાયન એની ઉપર પિક્ચરાઈઝ થયું ! એટલું જ નહીં, એ જ પિકચરનું પેલું નટખટ ગાયન ‘દિલ કા હાલ સુને દિલવાલા’માં પણ એ રાજકપૂર સાથે નાચતી દેખાઈ હતી. 

હસમુખા ચહેરાવાળી એ છોકરીને તમે CIDના પેલા ગાયન ‘લે કે પહેલા પહેલા પ્યાર’માં પણ જોઈ શકશો. 1953માં એણે હિન્દી ફિલ્મોમાં એકસ્ટ્રા ડાન્સર તરીકે કામ શરૂ કર્યું અને 1960માં તો એ પરણીને, ફિલ્મોને છોડીને જતી રહી. જ્યારે તે મૃત્યુ પામી ત્યારે સોશિયલ મિડીયામાં એને અંજલિ આપતી એક પોસ્ટ ફિલ્મના રસિયા હોય એવા ગ્રુપોમાં થોડા દિવસ કરી પછી ફરી એ ગુમનામીમાં સરકી ગઈ.

આટલું તમને યાદ કરાવ્યું ત્યારે કદાચ શીલા વાઝ યાદ આવી હશે. પણ એની સાથે જે પુરુષ ડાન્સર હતો એનું નામ કોઈ જાણે છે ? ના. અચ્છા, હેલન સાથે જે ‘મોનિકા… ઓ માય ડાર્લિંગ’ ગાતો હતો એ ડાન્સર એ ક્યાંથી આવ્યો, ક્યાં ગાયબ થઈ ગયો, કોઈ નોંધ મળશે નહીં.

આ તો એવા એકાદ બે ડાન્સ કલાકારોની વાત છે જેમને ‘બેકગ્રાઉન્ડ’માંથી આગળ ‘ફોરગ્રાઉન્ડ’માં આવીને બે ચાર લાઈનો ગાવા મળતી હતી. બાકી, એ જમાનામાં આ બધા ‘એકસ્ટ્રા ડાન્સરો’ તરીકે જ ઓળખાતા હતા. જે રીતે ફાફડા સાથે એકસ્ટ્રા ચટણી ના આવે તો ફાફડાની મઝા જ ના આવે એ રીતે જ્યારે ફિલ્મોમાં ડાન્સવાળું ગાયન આવે ત્યારે એકસ્ટ્રા ડાન્સરો વિના ગાયનની રમઝટ જ નહોતી જામતી ! આજે તો એવું છે કે હિરો હિરોઈનની પાછળ નાચતી છોકરીઓએ ટુંકામાં ટુંકી બિકીની પહેરીને નાચવા માટે તૈયાર રહેવું પડે છે. (છોકરાઓને તો ફક્ત એક ચડ્ડી જ મળે છે !) 

જુના ટાઈમમાં એવું નહોતું. એ વખતે બાબુભાઈ ડ્રેસવાલાને ત્યાંથી મિનિમમ એક ડઝન ચણિયા-ચોળી પ્લસ એક ડઝન ધોતી-બંડીનો ઓર્ડર આપવો પડતો હતો. આમાં ધોતી-બંડી તો સમજ્યા પણ ચોળી-બ્લાઉઝોનું માપ જનરલ ‘મિડીયમ’ સાઈઝનું જ હોય ! પછી દરેક છોકરીએ સેફ્ટી-પિનો વગેરે મારીને પોતાનું ફિટીંગ જાતે કરી લેવાનું રહેતું ! હા, બહુ મોટો પ્રોડ્યુસર હોય તો સેટ ઉપર દરજીને બોલાવતા (એને ટેલર-માસ્ટર કહેતા) એ પરફેક્ટ ફીટિંગ કરી આપતો !

આજે આવા એકસ્ટ્રા ડાન્સરોને ‘બેકગ્રાઉન્ડ ડાન્સર્સ’ કહે છે અને એમનાં શરીરો સ્લીમ-ટ્રીમ અને ફીટ હોવાં ‘મસ્ટ’ છે, જ્યારે એ જમાનામાં એકસ્ટ્રા છોકરીઓ ‘બકસમ’ ટાઈપ હોય તેને જ પહેલો ચાન્સ મળતો હતો ! તમે નહિ માનો, અમારા અમુક મિત્રો કોઈ ફિલ્મ જ્યારે ત્રીજી કે ચોથી વાર જોવા જાય ત્યારે હિરોઈનને બદલે આવી ‘બકસમ’ ડાન્સરો ઉપર વધારે ધ્યાન આપતા હતા ! એટલું જ નહીં, અમને કોણી મારીને ‘ગાઈડ’ પણ કરતા કે ‘જો ! પેલી ડાબી સાઈડથી ત્રીજા નંબરવાળી મસ્ત છે ને !’ 

જોકે પુરુષ ડાન્સરોમાં આજનાં જેવાં ‘હાઈ-સ્ટાન્ડર્ડ’ નહોતાં. આજે તો છેક પાછળની લાઈનમાં ઊભો રહીને કમર હલાવતો એકસ્ટ્રા ડાન્સર પણ સિક્સ-પેકવાળો હોવો જોઈએ. એ વખતે ફાંદાળા દૂંદાળા અને ઈવન માથે ટાલવાળા ડાન્સરો પણ લાગવગ લગાડીને પેલી બકસમ ડાન્સરોના સાથી તરીકે ઘૂસ મારી દેતા હતા ! 

ડાન્સના સ્ટેપ્સમાં પણ એ જમાનામાં થોડું સહેલું હતું. બાજુવાળાની (કે બાજુવાળીની) કમરમાં હાથ નાંખીને લાઈન બનાવવાની અને પછી ડાબે-જમણે, આગળ-પાછળ ગોળ ગોળ ફર્યા કરવાનું ! બહુ બહુ તો ભમરડાની જેમ ચકરડી ફરવાની અથવા ભાંગડાની જેમ તીતીઘોડા સ્ટાઈલમાં ઉછળ્યા કરવાનું. જ્યારે આજે ? પાછળથી પંદરમાં નંબરવાળાએ પણ અઘરાં અઘરાં સ્ટેપો કરવાં પડે છે ! એમાં જો વળી દરિયા કિનારે ડાન્સ હોય તો તો સતત સાપોલિયાંની માફક હલ્યા જ કરવાનું ! 

જોકે આજના પુરુષ ડાન્સરોને જે એક મસ્ત જલસો આજે પડે છે તે એ જમાનામાં નહોતો મળતો; આજે પોતાનાં અડધાં ઉઘાડાં શરીર સાથે અડધી ઉઘાડી હિરોઈનના શરીર સાથ અડોઅડ ઘસાય એવાં સ્ટેપ્સ કરવા મળે છે ! (આમાં રૂપિયા ‘આપવા પડે છે’ કે નહીં તેની ખબર નથી હોં!) બાકી જુના જમાનામાં તમામ રીતે બેસ્ટ ક્વોલીટીની ડાન્સરો જોવી હોય તો રાજકપૂરની ફિલ્મો જોઈ લેવી. 

છેલ્લે જાણવા જેવી એક વાત : આજના બેસ્ટ કોરિયોગ્રાફરો ગણાતા રેમો ડિ’સોઝા અને પ્રભુ દેવાએ પોતાની કેરિયર આ જ ટાઈપના એકસ્ટ્રા ડાન્સર તરીકે ચાલુ કરેલી. બાકી શાહીદ કપૂર અને ફરાહ ખાનના પૈસાદાર મમ્મી પપ્પાએ એમનાં બચ્ચાંને માત્ર ‘પલોટવા’ ખાતર એકસ્ટ્રા ડાન્સર બનાવેલા, હોં !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment