આજકાલ અમદાવાદમાં ‘સપ્તક’ નામનો જાણીતો કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં દેશભરના પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતના કલાકારો જમાવટ કરી રહ્યા છે.
પરંતુ દેશ અને વિદેશોમાં જુદી જ જાતની રાગ-રાગિણીઓ તથા કલાકારો છે ! સાંભળો….
***
કાશ્મીરના કલાકારો
પાકિસ્તાનમાં આ એક પ્રકારનો ‘રીલે-રાગ’ છે ! બે ચાર કલાકારો જ્યાંથી થાકે ત્યાંથી બીજા બે ચાર જણા એ રાગ આલાપવા માટે તૈયાર જ બેઠા હોય છે ! છેલ્લાં 75 વરસથી ગવાઈ રહેલો ‘રાગ કાશ્મીર’ છેક યુનોની મહેફિલોમાં ડઝનબંધ વાર ગવાઈ ચૂક્યો છે. છતાં એ લોકો થાકતા નથી.
***
રાગ સંસ્કારી
છેલ્લાં વીસેક વરસથી લોકપ્રિય થઈ રહેલો આ રાગ અગાઉ તો માત્ર વડીલો જ ગાતા હતા પણ હવે તો નેતાઓ, એક્ટરો અને પત્રકારો પણ આ રાગ ગાવા લાગ્યા છે. ટુંક સમયમાં સેન્સર બોર્ડનો આ ‘ઓફિશીયલ’ રાગ જાહેર થવાની તૈયારી ચાલી રહી છે.
***
રાગ અસહિષ્ણુતા
2014માં શોધાયેલા આ રાગ ગાનારા લગભગ 80 જેટલા ઉસ્તાદ કલાકારો એમાં નવી નવી રાગિણીઓની તાન છેડતા રહે છે જેમકે રાજ મેજોરીટેરીયન, રાગ ઓથોરિટેરિયન, રાગિણી વાણી સ્વાતંત્ર્ય… વગેરે. મજાની વાત એ છે કે આ તમામ રાગો એક જ તાલમાં વાગે છે જેનું નામ છે ‘આંગન ટેઢા !’
***
નવા વાદ્ય કલાકારો
તબલાં સારંગી કે સંતૂર તો જુના થઈ ગયાં. દેશના નવા કલાકારો હવે તો ચમચા, વાટકી, તબેથા, ઝારો વગેરે વગાડતાં વગાડતાં પારંગત વાદ્ય કલાકારો બની ગયા છે ! આમાનું મુખ્ય વાદ્ય ‘ચમચો’ છે પરંતુ કોરોના ટાઈમમાં તેમાં થાળી વગાડનારા પણ જોડાઈ ગયા હતા.
***
રાગ લાગણીનાં વિવિધ સ્વરૂપો
1970ના દાયકમાં એક શાસ્ત્રીય બંદિશ બહુ જાણીતી બની ગઈ હતી. ‘મારી તો લાગણી દૂભાઈ…’ શરૂશરૂમાં આ બંદિશ મુસ્લિમ કલાકારો જ ગાતા હતા પણ સમય જતાં આજે તે તમામ ધર્મ જ્ઞાતિ કે ભાષાના સીમાડા પાર કરી ચૂકી છે ! આ બંદિશના જે મુખ્ય સ્વરો છે તેની ઉપરથી એક નવી બંદિશ પણ શરૂ થઈ ગઈ છે ‘બોયકોટ કરો… બોયકોટ કરો…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment