મોબાઈલમાં હાથવગા થઈ ગયેલા સોશિયલ મિડીયાએ આપણી નોર્મલ જિંદગીને એબ-નોર્મલ બનાવીને મુકી દીધી છે. પરિસ્થિતિ એ હદે વકરીચૂકી છે કે…
***
સવારના ઉઠતાં વેંત સેંકડો બોયઝ એન્ડ ગર્લ્સ એન્ડ ફ્રેન્ડ્ઝને જે ટીન-એજરો ‘ગુડ મોર્નિંગ’ના લવલી મેસેજો સેન્ડ કરે છે…
એ જ ટીન-એજરો સવાર સવારના ગરમા ગરમ ફ્રેશ નાસ્તો બનાવી આપતી મમ્મીને ‘ગૂડ મોર્નિંગ’ કરવાનું ભૂલી જાય છે !
***
કોલેજમાં રોઝ-ડે, મિસ-મેચ ડે, ધમ્માલ ડે, ફ્રેન્ડશીપ ડે વગેરેની સેલ્ફીઓ અને ગ્રુપીઓને તો એ લોકો જરૂર ‘લાઈક’ કરે છે…
પણ કોલેજનો જે લાખેક રૂપિયાનો ખર્ચો ઉઠાવે છે એ ડેડીને ‘લાઈક’ કરવાનું ભૂલી જાય છે. (સિવાય કે ફાધર્સ ડે આવ્યો હોય.)
***
એમ તો પપ્પાઓ પણ કંઈ ઓછા નથી. માઈલો દૂર બેઠેલો એમનો કોઈ ફ્રેન્ડ ‘ઓનલાઈન’ હોય અને વોટ્સએપમાં ‘ટાઈપિંગ… ટાઈપિંગ…’ થયા કરતું હોય તો રાહ જોઈને સ્ક્રીન ઉપર ચોંટી રહેશે….
પણ એમનાં જ સંતાનો ઘરથી બહાર ‘ઓફલાઈન’ જઈને શું ધંધા કરે છે એની ઉપર નજર સુધ્ધાં નાખતા નથી !
***
મમ્મીઓ પણ પોતાની સેલ્ફીઓ, વાનગીઓ અને વિડીયોઝને કેટલી ‘લાઈક’ મળે છે એ ગણ્યા કરતી હોય છે…
પણ પોતાની સાસુ, નણંદ કે પડોશણ એને કેટલી ‘લાઈક’ કરે છે, તેની પરવા નહીં કરે ! (સીધી વાત છે ને !)
***
અરે, આપણા સૌની જ વાત કરોને, સવારથી સાંજ સુધીમાં આપણે જે ડઝનબંધ લોકોને ડઝનના ભાવે ‘સ્માઈલીઓ’ મોકલીએ છીએ…
એના દસમા ભાગ જેટલાં સ્માઈલ આપણા ફેસ ઉપર આવે છે ખરાં ?
***
ના ના, સિરિયસલી… રાતે બે વાગે ઊઠીને ચેક કરીએ છીએ કે ફલાણો અથવા ફલાણીનું ‘લાસ્ટ સીન’ કેટલા વાગ્યાનું છે…
પરંતુ ઘરમાં જ પેલા રૂમમાં બિમારીથી ઝઝૂમી રહેલા દાદાજીને આપણે જાતે જઈને ‘લાસ્ટ સીન’ ક્યારે કરેલા ?
***
પણ છોડો યાર, નવી મસ્ત જોક દોસ્તને ફોન કરીને લાઈવ સંભળાવવાને બદલે આપણે ‘ફોરવર્ડ’ કરીએ છીએ…
અને પૂછીએ છીએ ‘મારી પેલી જોક જોઈ ? લોલ… લોલ…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment