એને કહેવાય શિયાળો !

ઠંડીની મોસમ ફરી જામી રહી છે. એક બાજુ રજાઈ છોડવાનું મન થતું નથી અને બીજી બાજુ સવારના તડકામાં બેસી રહેવાનું મન પણ થાય છે ! બસ, આ જ છે શિયાળાની મજા…

*** 

વગર ગુસ્સાએ દાંત કકડાવે…
એને કહેવાય શિયાળો !

*** 

વગર ઉંમરે ‘બુઢિયા’ બનાવે…
એને કહેવાય શિયાળો !

*** 

ભરબપોરે, પેટ ભરીને જમી લીધા પછી પણ તડકો ‘ખાવાનું’ મન થાય…
એને કહેવાય શિયાળો !

*** 

દારૂ-બારુ સમજ્યા, અરે, બિયરને પણ છોડો, સાલું ગરમાગરમ ‘ચા’ પીવાની ‘તલબ’ લાગે…
એને કહેવાય શિયાળો !

*** 

પાતળાં શરીર ભરાવદાર લાગે અને ભરાવદાર શરીરો ભંભોટિયા લાગે…
એને કહેવાય શિયાળો !

*** 

વજન ઉતારવા માટે કસરત કરીએ, અને પછી કસરતથી જ ‘ભૂખ’ લાગે…
એને કહેવાય શિયાળો !

*** 

પત્ની કરતાં રજાઈ વ્હાલી લાગે…
એને કહેવાય શિયાળો !

*** 

ગરમ પાણીથી નહાયા પછી યે સાલી, ધ્રુજારી ચડે…
એને કહેવાય શિયાળો !

*** 

વહેલા જાગી ગયા પછી બીજાઓને ઊંઘતા જોઈને જે ‘જેલસી’ થઈ આવે…
એને કહેવાય શિયાળો !

*** 

સખ્ખત પેશાબ લાગી હોય છતાં ઓઢેલો ધાબળો કાઢીને બાથરૂમ જવાની ‘આળસ’ આવ્યા કરે…
એને જ કહેવાય શિયાળો !

*** 

અરે, બે નંબર કરી લીધા પછી કમોડમાંથી જે અણધારી પિચકારી છૂટે… અને એ સાથે જ આખા શરીરમાં જે કરંટ ફરી વળે…
એને જ કહેવાય શિયાળો !

*** 

ભાવતું ના-હોય છતાં ‘હેલ્ધી બોડી’ બનાવવાના વહેમમાં કડિયાતું, મેથીપાક, ચ્યવનપ્રાશ વગેરે ખાધા કરીએ… અને બોડી તો બને જ નહીં…
એને કહેવાય શિયાળો !

*** 

બાકી, ફૂટપાથ ઉપર સૂતેલા ગરીબોને ધાબળા ઓઢાડીને ‘પૂણ્ય’ કમાનારા જતા રહે પછી એ જ ધાબળાને બજારમાં વેચીને, રોકડી કરીને, ફરી પાછા ફૂટપાથ ઉપર સૂઊ જાય…

એને પણ કહેવાય ‘પૂણ્યદાયી’ શિયાળો !

***

- મન્નુ શેખચલ્લી

Comments