‘રોજ સવારે વહેલો ઉઠીશ…’ અથવા ‘પતિ સાથે ઝગડો નહીં કરું…’ જેવા સંકલ્પો આપણે લેતાં તો લઈ લઈએ છીએ પણ પછી પાળી શકતા નથી ને ?
ચિંતા ના કરો, આ વરસે અમુક મહાનુભાવોએ પણ એવા જ ‘અઘરા’ સંકલ્પો લીધા છે !
***
વ્લાદિમીર પુતિન
બસ, આ વરસે તો આખું વરસ ‘શાંતિ’ રાખવી છે !
***
મમતા બેનરજી
રોજ સવારે ઊઠીને જીભ ઉપર બે ચમચી મધ ચોપડીશ !
***
નિર્મલા સીતારામન
‘ગરીબો ગરીબ નથી પણ પૈસાદારો ઓછા ગરીબ છે’ એ વિષય પર પીએચડી કરવી છે !
***
યોગી આદિત્યનાથ
કોઈ સ્થળનું નવું નામ નહીં પાડું ! અરે ‘મગ’નું નામ ‘મરી’ પણ નહીં પાડું !
***
સલમાન ખાન
પપ્પા પસંદ કરી આપે એવી એક સારી છોકરી જોઈને પરણી જઈશ.
***
રણવીર સિંહ
આખું વરસ મારાં પોતાનાં જ કપડાં પહેરીશ ! દિપીકાના વોર્ડ-રોબ તરફ નજર સુધ્ધાં નહી કરું !
***
રોહિત શેટ્ટી
આખરે મને દિમાગનું મહત્વ સમજાયું છે. આ વરસે હું એવી ફિલ્મ બનાવીશ જે જોવા માટે દિમાગ ‘સાથે’ રાખવું પડે !
***
અભિષેક બચ્ચન
‘બિઝી રહેવાની બત્રીસ સોનેરી સલાહો’ એ વિષય ઉપર એક પુસ્તક લખીશ !
***
અમિતાભ બચ્ચન
આ વરસે એકાદ દિવસ તો જરૂરથી આરામ કરીશ ! પ્રોમિસ !
***
રોહિત શર્મા (ક્રિકેટર)
વિચારું છું કે આ વરસે IPL સિવાય પણ સિરીયસલી ક્રિકેટ રમું !
***
સચિન તેન્ડુલકર
ગાતાં શીખી જઈશ. પછી ‘મેલ-વોઈસ’માં આલ્બમો બહાર પાડીશ !
***
ધોની
બસ, બહુ થયું ! હવે જાહેરખબરોમાંથી ‘રિટાયર’ થઈ જઈશ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment