અમુક ઘટનાઓમાં ન્યુઝ સાંભળીને ખરેખર મુંઝાઈ જવાય છે કે આમાં કરવું શું ? હસવું, રડવું, ગુસ્સો કરવો કે દયા ખાવી ? દાખલા તરીકે…
***
સુખોઈ અને મિરાજ નામના બે ‘ફાઈટર’ વિમાનો આકાશમાં એકબીજા જોડે ભટકાઈ પડ્યાં !
આ એવા ફાઈટર વિમાનો છે જે સેકન્ડના ચોથા ભાગમાં પોતાની દિશા બદલી શકે છે ! છતાં એકબીજા સાથે જ ભટકાયાં ? કમાલ છે !
***
જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટી ગયું :
જોવાની વાત એ છે કે જેમાં ફક્ત 1181 ઉમેદવારોને જ નોકરી મળવાની હતી. છતાં બાકીના 9 લાખ 53 હજાર ઉમેદવારોને લાગે છે કે એમનો ટાઈમ બરબાદ થઈ ગયો !
***
રાહુલ ગાંધીએ શ્રીનગરમાં જઈને લાલચોકમાં તિરંગો ફરકાવ્યો.
જે જગ્યા ઉપર રાહુલબાબાના પિતાશ્રી તેમજ કોંગ્રેસ સરકારના મનમોહનસિંહને તિરંગો ફરકાવવો હોય તો 2000 થી 5000 સુરક્ષા જવાનોને તહેનાત રાખવા પડતા હતા, ત્યાં રાહુલબાબાએ આમ જ તિરંગો ફરકાવી દીધો ? હદ થઈ ગઈ નહીં ?!
- છતાં રાહુલજીને મોદી સરકાર પસંદ નથી. બોલો.
***
દુનિયાભરનાં યુદ્ધોમાં જેટલા અમેરિકન સૈનિકો મર્યા (1.2 મિલિયન) એના કરતાં વધારે લોકો અમેરિકાની અંદર જ થયેલા ગન-શૂટિંગમાં મર્યાં છે. (1.5 મિલિયન)
- અને એ જ અમેરિકા હજી યુક્રેનના નાગરિકોને ‘બચાવવા માટે’ ટેન્કો, વિમાનો અને મિસાઈલો વડે ‘મદદ’ કરે છે !
***
અદાણીની કંપનીઓના શેર ગગડી ગયા એમાં LICના પણ 3325 કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.
- ઉપરથી આ જે કડાકો બોલી ગયો એમાં જે લોકોને હાર્ટ-એટેક આવ્યો હશે એમનો જે વીમા પાકશે એના રૂપિયા પણ LICને જ ચૂકવવા પડશે ને !
***
અમેરિકન મિડિયા એક બાજુ કહે છે કે ચીનના 80 ટકા લોકોને કોરોના થયો છે. અને બીજી બાજુ કહે છે કે આમ છતાં આખા ચીનમાં સ્પ્રિંગ ફેસ્ટિવલ ઉજવાઈ રહ્યો છે.
- તો ભાઈ સાહેબ, બધા દરદીઓ ફેસ્ટિવલ ક્યાં ઉજવે છે ? હોસ્પિટલોમાં ? કહેતા ભી દિવાના…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment