આજે પ્રજાસત્તાક દિન છે. આજના દિવસે જ ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના નાગરિકોના કયા કયા બંધારણીય અધિકારો છે તે પણ લખેલું છે.
પણ બોસ, તમને ખબર છે ? એ સિવાય પણ આપણે અમુક મૌલિક અધિકારો જાતે જ મેળવી લીધા છે ! જેમ કે…
***
દસ પાણીપુરી ખાધા પછી બે કોરી પુરી મેળવવી એ આપણો મૌલિક અધિકાર છે !
***
એ જ રીતે બે નંગ ઈડલી સાથે ત્રણ વાર એકસ્ટ્રા સંભાર મંગાવવો એ પણ આપણો મૌલિક અધિકાર છે !
***
એમ તો, ટ્રેનના ડબ્બામાં બારીમાંથી રૂમાલ નાંખીને સીટ બુક કરવાની આખી જે સિસ્ટમ છે એ ભારતીય રેલ્વેના મુસાફરનો જન્મસિધ્ધ અધિકાર છે !
***
અમુક અધિકારો આપણને અપાવવા માટે દેશની મહિલાઓએ લાંબી લડત આપી છે. જેમ કે મિનિમમ 250 ગ્રામ શાક ખરીદ્યું હોય તો શાકવાળાએ ધાણા/ફૂદીનો મફત આપવો જ પડે !
***
એ તો ઠીક, બહેનોએ ગ્રાહક સુરક્ષા અધિકારમાં સૌથી મોટું કામ એ કર્યું છે કે સાડી અથવા ડ્રેસ લેવા ગયા હોઈએ તો ‘આમાં બીજો કલર બતાડો ને ?’ ‘આમાં બીજી ડિઝાઇન નથી?’ ‘આમાં બીજી સાઈઝ આપો ને ?’ ‘આમાં કંઈ ઓછું કરો’… અને ‘તમે ઉધારમાં આપતા હો તો લઈએ…’ આવાં સત્તર બહાનાં કાઢીને સત્તર સો આઈટમો જોયા પછી, એક પણ વસ્તુ ખરીદ્યા વિના દુકાનમાંથી નીકળી જવાનો અધિકાર બહેનોએ જ અપાવ્યો છે !! કદર કરો…
***
એની સામે ભાઈઓ અધિકાર બાબતે એટલા જાગૃત નથી. સિગારેટ લેશે ત્યારે માત્ર માચિસની એક કાંડી જ માગે છે અને વાળ કપાવવા જાય ત્યારે તો બહુ ઓછા એવા છે જે જોડે જોડે બગલના બાલ ઉતરાવી શકે છે ! જાગો ગ્રાહક જાગો.
***
છેલ્લે, આપણું આધાર કાર્ડ ભલે એક જ હોય પણ ફેસબુક ઉપર ચાર અલગ અલગ નકલી નામથી એકાઉન્ટો ખોલીને ગમે તેને ગાળો ભાંડવાનો આપણો લેટેસ્ટ મૌલિક અધિકાર તો છે જ ! હેપ્પી રિ-પબ્લિક ડે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment