એક યુવાન મિત્રએ ખરેખર ફરિયાદના સૂરમાં એક વાર કહ્યું હતું કે, ‘અંકલ, તમારા જમાનાની ફિલ્મોમાં શું ગજબના ડાયલોગ્સ આવતા હતા ! આજકાલ તો વિલન પણ ખાલી ‘પકડ કે લાઓ… કાટ ડાલો, ફેંક દો…’’ એટલું જ બોલીને બધું પતાવી દે છે !’
વાત સાવ સાચી છે. આજે અમિતાભ જેવા અમિતાભને પણ ‘ઉંચાઈ’ ફિલ્મમાં કોઈએ એવો ડાયલોગ નથી આપ્યો કે ‘પહાડ કિતના ભી ઊંચા ક્યું ના હો, જબ ઇન્સાન અપને ઈરાદોં કો આસમાન કી ઊંચાઈ તક લે જાતા હૈ તો બડે સે બડે પહાડ કો ઝૂકના હી પડતા હૈ !’ પૂછો, કેમ આવો ડાયલોગ ના આપ્યો ? તો કહેશે, કોઈનાં અસ્થિ-વિસર્જન કરવા માટે હિમાલય ચડવાનો હોય એમાં વળી ડાયલોગબાજી થોડી આવે ?
અરે ભઈ, કેમ ના આવે ? ‘દીવાર’માં તો શશી કપૂર ખાલી સહી લેવા આવ્યો હતો. એમાં તો બચ્ચન સાહેબે લાંબુલચક લિસ્ટ ફટકારી દીધું હતું કે, ‘જાવ, પહલે ઇસ કા સાઇન લે કર આઓ, ઉસ કા સાઈન લે કર આઓ…’ અને છેલ્લે હાથ ઉપરનું પેલું છુંદણું બતાડીને કહી દીધું હતું કે ‘ઉસ આદમી કા સાઈન લેકર આઓ જિસ ને મેરે હાથ પર લિખ દિયા થા !’
હવે બિચારો શશી કપૂર એમ થોડો કહેવાનો હતો કે, ‘મોટાભાઈ, તમે યાર, મગજની નસો ના ખેંચો. શું એના માટે મારે વીસ વરસ જુના ફ્લેશ બેકમાં જઈને પેલા નાના શહેરની ગલીમાં બેઠેલા બે ચાર લલ્લુઓને શોધવા જવાનું ? તમે યાર, સાઈન કરો ને, માથાકુટ કર્યા વિના ?’
બોલો, શશીકપૂર આવું બોલે તો કેવો લાગે ? પણ ભલું પૂછવું, આજકાલની ફિલ્મોમાં આવો ડાયલોગ આવે પણ ખરો ! એક તો આજની ફિલ્મોમાં જે અજય દેવગણો, સલમાન ખાનો, અને ખાસ કરીને જોન અબ્રાહ્મો જેવા પથ્થર-દિલ નહીં, પણ 'પથ્થર-ફેસ' એક્ટરો ઘૂસી ગયા છે એ લોકોના હોઠ જ ઝટ ખૂલતા નથી ત્યાં ડાયલોગ શું બોલવાના ?
અચ્છા, સલમાન ખાનનો મોસ્ટ ફેમસ ડાયલોગ શું છે ? ‘મૈં લોગોં કે દિલ મેં આતા હું, સમજ મેં નહીં !’ અલ્યા, આટલું સમજમાં આવતાં ય સાડા ત્રણ મિનિટ લાગે છે ! સલમાનનો બીજો ‘મહાન’ ડાયલોગ શું છે ? તો કહે ‘એક બાર મૈં ને કમિટમેન્ટ કર દી તો કર દી, ઉસ કે બાદ મૈં અપની ભી નહીં સુનતા !’ હા ભઈ હા, પણ જરા જોર કાઢીનો તો બોલ ? સાવ સસ્તામાંની એકાદ બીડી પીધા પછી ધૂમાડો કાઢવા ફૂંક મારતો હોય એવી રીતે બોલે તો ‘અપની ભી’ને પણ ક્યાંથી સંભળાવાની છે ?
એ હિસાબે તમે રાજકુમારને જુઓ. ‘વક્ત’માં એ મદનપુરીને પાંચમા ધોરણનો સાયન્સનો પ્રેક્ટિકલ સમજાવતો સાદો ડાયલોગ પણ કેવો ઠાઠથી બોલે છે કે 'યે ચાકુ હૈ… બચ્ચોં કે ખેલને કી ચીજ નહીં.. લગ જાયે તો ખૂન નિકલતા હૈ !’ સાલું, આપણને એમાં તો છેક સાડા ત્રણ દિવસ પછી યે લાઈટ ના થાય કે ભઈ, એમાં તે શું મોટી જ્ઞાનની વાત કરી નાંખી ? છતાં બોલો, થિયેટરમાં સીટીઓ વાગતી હતી ને ? બસ, એને કહેવાય અદાકારી !
આવી ડાયલોગબાજીની અદાકારીમાં શત્રુઘ્નસિંહાની માસ્ટરી હતી. ‘વિશ્વનાથ’માં એ ભલે આખેઆખું ઊંધું સાયન્સ ભણાવે કે ‘જલી કો આગ કહતે હૈં, બુઝી કો રાખ કહતે હૈ, ઔર રાખ મેં સે જો નિકલે ઉસે વિશ્વનાથ કહતે હૈં !’ તોય આપણે, માની જતા હતા ને ?
એ તો ઠીક, સાવ મામુલી ‘ઘાસલેટ’નો પણ કેવો જોરદાર ડાયલોગ બનાવી નાંખ્યો કે ‘ઘાસલેટ બેટા ઘાસલેટ ! મિટ્ટી કા તેલ… અગર અબ ભી સમજ મેં ના આયા હો તો યે દુકાન જલા કે દિખાઉં કિ ઘાસલેટ ક્યા ચીજ હોતી હૈ ?’ (મેરે અપને) સાહેબ, આખા હિન્દી સિનેમાના ડાયલોગ્સનો ઇતિહાસ ઉખેળીને જોઈ લો, પણ ઘાસલેટ જેવી મામૂલી ચીજ ઉપર બોલાયેલો બીજો આવો ડાયલોગ તમને નહીં મળે !
શત્રુઘ્ન સિંહાની તો માસ્ટરી ત્યાં હતી કે ફક્ત એક જ શબ્દનો ડાયલોગ : ‘ખામોશ !’ બોલે તો સોપો પડી જતો હતો.
બાકી સ્ટાઈલ તો દિલીપકુમારની પણ અલગ જ હતી. આંખો પટપટાવીને, કપાળ ઉપર કરચલીઓ પાડીને એ ‘દેવદાસ’ બનીને સાવ પોતાના કાનને ય માંડમાંડ સંભળાય એવા અવાજે બોલતા હતા કે ‘કૌન કમબખ્ત બરદાશ્ત કરને કે લિયે પીતા હૈ, મૈં તો પીતા હું કિ બસ, સાંસ લે સકું…’ એ જ દિલીપકુમાર પાસે ‘મશાલ’માં એક જ મામૂલી ડાયલોગ હતો : ‘ગાડી રોકો, ભાઈ…’ પણ બોલો, હજી યાદ આવે છે ને આખેઆખો સીન ?
એ જમાનાના ડાયલોગ્સના શહેનશાહોમાં પ્રાણનું નામ ના લો તો બિલકુલ ના ચાલે કેમ કે ‘રાશન પે ભાષન હૈ, મગર ભાષન પે રાશન નહીં હૈ.’ (ઉપકાર) પ્રાણ સાહેબ તો દરેક ફિલ્મમાં એકાદ તકિયા કલામ લઈને આવતા હતા. ‘ઠીક હૈ ના ઠીકઅ ?’
બાકી એવા જ કડક અવાજવાળા અમરીશપુરીને ‘મોગેમ્બો ખુશ હુઆ’ કહેવાનું વારંવાર મન થાય એટલા સારા ડાયલોગ્સ મળ્યા જ નહીં. એ જ રીતે અમજદ ખાન પણ ‘કિતને ડાયલોગ્સ હૈ ?’ એમ પૂછતા જ રહી ગયા ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment