‘પ્રવાસી ભારતીય’ અને ‘ભારતીય પ્રવાસી’માં શું ફરક છે ? વેલ, જે NRI છે. એમને આપણે પ્રવાસી ભારતીય કહીએ છીએ અને જે દેશી ભારતીયો જ્યાં ને ત્યાં પ્રવાસ કરે છે તેને ‘ભારતીય પ્રવાસી’ કહેવાય !
એ સિવાય પણ ઘણો ફરક છે ! દાખલા તરીકે…
***
‘પ્રવાસી ભારતીય’ પોતાનાં સગા-વ્હાલાંને મળવા માટે લાંબો પ્રવાસ કરે છે.
જ્યારે ‘ભારતીય પ્રવાસી’ પોતાનાં સગા-વ્હાલાંથી છૂટવા માટે લાંબો પ્રવાસ કરે છે. (ખાસ તો દિવાળીમાં!)
***
‘પ્રવાસી ભારતીય’ ઇન્ડિયામાં આવે છે ત્યારે લાંબા ચડ્ડા (બરમૂડા) પહેરીને બધે ફરે છે…
‘ભારતીય પ્રવાસી’ ફરવા જાય ત્યારે મસ્ત મોઘાં કપડાં પહેરે છે અને ઘરમાં હોય ત્યારે બરમુડા પહેરે છે !
***
‘પ્રવાસી ભારતીય’ અહીં મંદિરોમાં ભગવાનને શોધે છે…
‘ભારતીય પ્રવાસી’ મંદિરોમાં મફતિયો પ્રસાદ શોધે છે !
***
‘પ્રવાસી ભારતીય’ અહીં આવે ત્યારે આપણા માટે ટી-શર્ટો, જેકેટો, ચોકલેટો વગેરે ગિફ્ટમાં આપવા માટે લઈને આવે છે…
પણ જ્યારે એ પાછા જાય છે ત્યારે આપણા ‘ભારતીય પ્રવાસીઓ’ એમને ગિફ્ટમાં ખાખરા, પાપડ, અથાણાં અને થેપલાં આપીએ છીએ !
***
‘પ્રવાસી ભારતીય’ જ્યાં જાય ત્યાં પોતાની સાથે મિનરલ વોટરનું પાણી રાખે છે…
જ્યારે ‘ભારતીય પ્રવાસી’ જ્યાં જ્યાં જાય છે ત્યાંની ગલીઓ, રસ્તા, ભીંતો તથા ખૂણે-ખાંચરે પોતાનું જ પાણી (યાને કે સ્વમૂત્ર) છાંટતો ફરે છે !
***
‘પ્રવાસી ભારતીય’ અહીંના જુનાં ખંડેરો, પોળની ગાયો, ગામડાનાં ખેતરો, રસ્તાના ભિખારીઓ વગેરેના ફોટા પાડે છે.
પણ ‘ભારતીય પ્રવાસી’ જ્યાં જાય છે ત્યાં બધે પોતાની સેલ્ફીઓ જ પાડે છે ! વેરી ગુડ. નો ?
***
બાકી ‘ભારતીય પ્રવાસી’ વિદેશ જાય તો કંઈ સારી ટ્રિટમેન્ટની આશા રાખતો નથી…
પણ ‘પ્રવાસી ભારતીય’ તો અહીં ડોક્ટરો અને ડેન્ટિસ્ટોની સસ્તી ટ્રિટમેન્ટ લેવા જ આવે છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment