પહેલાં તો મને એ કહો કે યાર, કોઈ દહાડો કોઈનો કાન કેમ ક્યાંય રહી જતો નથી ? કોઈનો હોઠ કેમ રહી જતો નથી ? (બહુ રોમેન્ટિક કલ્પના છે ને !)
અચ્છા, કોઈ દિવસ તમે કોઈના મોઢે એવું સાંભળ્યું કે, ‘યાર, કાલે રાત્રે હું એક મેરેજ રિસેપ્શનમાં ગયેલો ને, ત્યાં પેલી એક સ્લીવલેસ બ્લાઉઝવાળીને જોવામાં મારી આંખ રહી ગઈ !’ ઇન ફેક્ટ, એ સિચ્યુએશનમાં પણ તમને ‘ડોકી રહી ગઈ હશે’ એવું જ વધારે માનવા જેવું લાગતું હશે. આ ડોકીઓ જ કેમ ‘રહી’ જાય છે ? કેમ કોઈ દહાડો કોઈનો પગ ચાર-રસ્તા આગળ રહી ગયો હોય એવું સાંભળવા નથી મળતું ?
ડોકી રહી જાય ત્યારે અમુક લોકો ગરમ પાણીનો શેક કરે છે. મીઠું ગરમ કરીને, પોટલીમાં બાંધીને બોચી ઉપર જાણે ખાખરા શેકવાના હોય એ રીતે દબાવતા ફરે છે ! જોકે, આશ્ચર્યની વાત એ છે કે આવે વખતે પત્નીનું જે વેલણ આખી જિંદગી લગી પતિને કોઈ હથિયાર સમું લાગતું હતું તે જ વેલણ પતિના ગળા ઉપર રાહત લાવવા માટે કોઈ રોડ-રોલરની જેમ ફેરવવામાં આવે છે ! (આમાં પત્ની પતિની ગરદન ઉપર પોતાનું હથિયાર જોરથી દબાવીને વધારે દુઃખાવો આપવાનો છૂપો આનંદ લે છે કે કેમ, એ હજી સુધી ભારત દેશનું સૌથી મોટું ‘ડિફેન્સ-સિક્રેટ’ ગણાય છે.)
જેની ડોકી રહી ગઈ હોય એની દશા રડવાની નિષ્ફળ એકટીંગ કરતા દેવ આનંદ કરતાંય ખરાબ હોય છે. (હાસ્તો, તમે માર્ક કરજો, ફિલ્મમાં રડવાનો સીન આવે ત્યારે દેવ આનંદનું ડાચું એટલું ખરાબ દેખાતું હતું કે દર વખતે એ કોઈ ટોપી, મફલર કે છેવટે હથેળી વડે ઢાંકી દેતો હતો.) પણ અહીં કંઈ બધા દેવ આનંદો નથી હોતા કે આખી જિંદગી ડોકી ઉછાળ ઉછાળ કરતા ફરીએ !
હકીકતમાં તો જેની ડોકી રહી જાય છે તેનો બિચારાનો પોઝ દેવ આનંદની ત્રાંસી ગરદનમાં કોઈએ ફાચર મારી દીધી હોય એ રીતનો ‘ફ્રીઝ’ થઈ ગયો હોય છે. બિચારું કોઈ ખબર લેવા આવ્યું હોય તેની સામું આંખ મિલાવીને પણ જોઈ શકાતું નથી. પેલો પૂછે કે ‘હજી દુઃખે છે ?’ તો જવાબમાં ‘હા’ અથવા ‘ના’માં ડોકું હલાવે તો સાલું, સરખું જ લાગે છે !
આવે વખતે માણસ એક જ પોઝમાં ‘ડાહ્યો’ લાગી શકે છે : જો તે જગદીશચંદ્ર બોઝની જેમ કપાળે બે આંગળીઓ મુકી રાખે તો જ ! બાકી, આ દર્દ ભલભલાને ગાંડા કરી મુકે તેવું છે.
બિચારો ઓફિસમાં બેઠો હોય તો બોસને લાગે કે મારો બેટો, મારા વિશે ઓફિસમાં જે ઘૂસપૂસ ચાલી રહી છે તે ધ્યાનથી સાંભળી રહ્યો છે. અને બિચારો ઘરમાં બેઠો હોય તો બૈરીને લાગે કે ક્યારનો શું આમ ગરદન ત્રાંસી કરીને પાડોશણના રસોડામાં શેનો વઘાર થઈ રહ્યો છે તે સુંઘ્યા કરતો હશે ?
મારા હિસાબે આ દુનિયામાં સૌથી કમનસીબ માણસ એ છે જે ઉત્તરાયણના દહાડે પતંગ ચગાવવા માટે ધાબે ચડ્યો હોય ત્યારે જ એની ડોકી રહી ગઈ હોય ! એથી યે કમનસીબ માણસ એ છે કે ડોકી રહી ગઈ હોવા છતાં ઓફિસે જવા માટે એ સ્કુટર કાઢતો હોય ત્યારે એપાર્ટમેન્ટના પાંચમે માળેથી કોયલના ટહૂકા જેવો અવાજ સંભળાય કે ‘ઓ હલો ? સ્હેજ ઊભા રહો ને ! મને જસ્ટ ચાર રસ્તા સુધી તમારા સ્કુટર ઉપર લિફ્ટ આપશો પ્લીઝ ?'
આવે વખતે બિચારો ડોકી ઊંચી, ત્રાંસી આડી, સીધી કરીને જોઈ પણ ન શકે કે આ ટહૂકો એના માટે હતો કે કોઈ બીજા માટે ? બાકી, જેની ડોકી રહી ગઈ હોય એને જ ખબર હોય છે કે માથા ઉપર હેલ્મેટ પહેરવા કરતાં કાઢવી કેટલી અઘરી હોય છે ! એ તો ઠીક, સાલી હેલ્મેટ પહેરી હોય છતાં ભરટ્રાફિકમાં ચાર રસ્તા આગળ જમણી બાજુ ટર્ન લેવો હોય ત્યારે તો નોર્મલ ડોકીની પણ કેવી ફાટે છે ? (નસોની વાત થાય છે.)
ગુજરાતીમાં ‘દુઃખતી નસ દબાવવી’ એવો રૂઢિપ્રયોગ રહી ગયેલી ડોકી માટે જ સર્જાયો હશે. બાકી અહીં તો એક નસ શું, માણસનો આખેઆખો અહંકાર ચોવીસ કલાક માટે દબાઈ જતો હોય છે.
મને તો એમ વિચાર આવે છે કે આખા રામાયણમાં ક્યાય પેલા દશ ડોકીવાળા રાવણની બે-પાંચ ડોકી યે એક સાથે રહી ગઈ હોય એવું કેમ બનતું નથી ? કમ સે કમ મંદોદરીએ રાવણને એવો શ્રાપ આપવો જોઈતો હતો કે ‘જી, કાલે સવારે ઊઠીને તું બ્રશ કરવા જાય એ વખતે તારી સાત ડોકીઓ ઓશિકામાં જ રહી જાય !’ કદાચ તુલસીદાસજી એવું પણ લખી શક્યા હોત કે યુદ્ધના અંતિમ દિવસે રાવણની બે ડોકી રહી ગઈ હતી. એમાં જ એનાં અસ્ત્ર-શસ્ત્રો નિશાન ચૂકી જતાં હતાં.
ખેર, આમ તો કવિશ્રી શૈલેન્દ્ર ડોકીના દરદીઓને માટે લખી જ ગયા છે કે ‘મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે…’ પરંતુ કવિશ્રી આનંદ બક્ષી જ આ દર્દને સાચા શબ્દોમાં વાચા આપી શક્યા છે કે ‘લોગ આતે હૈં, લોગ જાતે હૈં, સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈં….’
સાલું, પેલા હરક્યુલિસે આખી દુનિયાનો ગોળો માથે ઉપાડી લીધો હતો ત્યારે એની ડોકી કેમ નહોતી રહી ગઈ ? પૂછવું પડશે.
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment