આવા ગુલાબી શિયાળામાં બારીમાંથી આવતો તડકો એ ચિંતનકારોનો પ્રિય વિષય છે ! પણ અમારું અવળચંડુ દિમાગ એમાં ‘તડકા’ યાને કે વઘાર કર્યા વિના રહી શકતું નથી ! વાંચો…
***
શિયાળાની સવારના તડકા માટે
જે માણસ પોતાના ઘરની
બારી ખોલી શકતો નથી…
…
તેણે નકૂચામાં તેલ પુરવાની જરૂર છે !
***
સવારનો તડકો એ
ઈશ્વરે મોકલેલી ટપાલ છે
પણ માણસ નામનો ટપાલી
આળસુ થઈ ગયો છે…
…
ઓકે. તો ઇશ્વર ઇમેલ કેમ નથી કરતા ?
***
તડકો એ
બારીનો શણગાર છે.
…
તો શું, એસીનું ડબલુ એ
બારીનો અંબોડો છે ?
***
જો ઉનાળાના તડકાને
બેન્કના લોકરમાં મુકીને
શિયાળામાં વાપરી શકાતો હોત..
….
તો એવી બેન્કોમાં નોકરી કરનારા
કેવા બફાઈ જતા હોત ?
***
જે માણસ વહેલો ઊઠીને
ઊગતા સૂર્યના પ્રકાશને
માણી શકતો નથી…
….
તે મોડો ઊઠીને વોટ્સએપમાં
ગુડ-મોર્નિંગના સૂર્યોદયો તો
જોઈ જ શકે છે ! સમજી ગયા ?
***
અજ્ઞાનના અંધારામાં સબડતા
અમુક ઘરોમાં આજે
તડકાને બદલે ઇલેક્ટ્રીક હિટરો
વપરાતાં થઈ ગયાં છે…
…
એમણે વેળાસર ધાબે સોલર પેનલ
નંખાવી લેવી જોઈએ ! સસ્તું પડે !
***
જે દિવસે દરેક માણસ
બારીમાંથી આવતા તડકાને
મદિરાની માફક પીતાં
શીખી જશે…
…
એ દિવસથી બોસ,
દુનિયામાં કવિ-સંમેલનો
થતાં બંધ થઈ જશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment