આ નવી ઠંડીના સેકન્ડ વેવમાં જ્યારે અને જ્યાં પણ ગરમાગરમ મસાલેદાર, આદુ-ફૂદીનાવાળી ચા મળી જાય તો તે પ્રિયતમા કરતાં પણ વ્હાલી લાગે છે ને ?
એટલે જ ગુજરાતના ખ્યાતનામ શાયરો ચા વિશે જે લખી ગયા છે તે ‘ગુસ્તાખી માફ’ સાથે સાંભળીએ…
***
નયનને બંધ રાખીને
અમે જ્યાં ચૂસકી લીધી છે
તમારાથી વધારે મેં
તમારી ચાયને ચાહી છે !
***
તલબ તો ખરેખર વારસાગત
ટેવ છે મારી
હું મારી ચાને છોડીને તને
મળવા નહીં આવું !
***
આપણે બન્ને પરસ્પર
એવી ઈચ્છા રાખીએ
તપેલી મારે ત્યાં ઉકળે
ને મારી ચ્હા તને મળે !
***
દોસ્ત એટલો જ ફરક છે
ચા અને માણસમાં
એક ઉકળીને શાન આપે છે
એક શાન જોઈને ઉકળે છે !
***
જોકે એક જમાનામાં જે ઠાઠથી રકાબીમાં રેડીને ચ્હાના મસ્ત સબડકા લેતા હતા એ ભૂતકાળ થઈ ગયાં છે ! હવે તો ‘પા’ ચ્હા પેપર-કપમાં આવે છે ! એટલે જ કવિઓ કહે છે કે…
પહેલાં સમું ચ્હાનું
ધોરણ રહ્યું નથી
હવે કાગળની પ્યાલીમાં ય
તલબ બૂઝાય છે !
***
હવે ક્યાં આગ્રહ છે કે
કિટલી હો, ને ‘અડધી’ હો…
હવે તો ‘પા’ પેપર કપમાં
મળે તોય મહેફિલ છે !
***
છતાં ચ્હા એવી ચીજ છે કે કવિઓ મૃત્યુ પર્યંત તેને છોડવા માગતા નથી ! એટલે જ કહે છે કે…
શૂન્ય મારી જિંદગીને
તો જ લેખું ધન્ય હું
મૃત્યુ ટાણે જો મળે
કડક-મીઠી ગુજરાતની !
***
જિંદગીભર જાતને
અદ્રશ્ય રાખી તેં ખુદા
છેક છેલ્લી ચાય દેવા
રૂબરૂમાં આવજે !
***
કયામતની રાહ પણ
એટલે હું જોઉં છું
ત્યાંની કિટલી ઉપર
મારી ઉધારી પણ હશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment