જરા વિચાર કરો, કવિને કોઈ ફિલ્મનું ગાયન લખવાનું કીધું હોય અને કવિશ્રી સાત દહાડા પછી આવીને કહે કે ‘જુઓ, મેં જોરદાર શબ્દો લખ્યા છે ! સાંભળો… ડંડર ડંડર ડંડર ડે… ડંડર ડંડર ડંડર ડે… ઝુમ તલે જો ઝુમ તલે !’ તો આવું, સાંભળીને પેલો પ્રોડ્યુસર કવિને ત્યાં ઊભો પણ રહેવા દે ખરો ?
પણ બોલો, હકીકતમાં આવા શબ્દો એક ગાયનમાં છે ! ‘સઝા’ (1951) ફિલ્મનું એક ગાયન છે ( આ ગુપચૂપ ગુપચૂપ પ્યાર કરેં ) જેમાં શી ખબર કયા દેશના આદિવાસીઓ કઈ ભાષામાં આવું ગાય છે ! અને ‘ડંડર ડડર ડંડર ડે’નો શું અર્થ થાય છે એ આખી ફિલ્મમાં ક્યાંય કીધું જ નથી ! જોકે સાચી વાત એ છે કે આવા ઘનચક્કર જેવા શબ્દો, જે ખાસ કરીને કોરસ (સમૂહ ગાયકો) પાસે ગવડાવવામાં આવે છે એ તમામ શબ્દો મોટેભાગે સંગીતકારના ભેજાંની પેદાશ હોય છે !
આમાં અમારા હિસાબે આર ડી બર્મનની ખોપડીમાં સૌથી વધુ ‘ખલબલી’ થતી હશે એવું તો હવે ફિલ્મી ભૂસ્તરશાસ્ત્રીઓ પણ માનતા થઈ ગયા છે. ગયા સોમવારે આપણે પેલા ‘ધ ટ્રેન’ના ગાયનમાં કોરસ પાસે ‘આક છી આહા…’ કરીને છીંકો ખવડાવી છે તેની વાત જ કરી હતી. પણ એમને પૂછો કે ‘ઝિંગાલાલા હૂ, ઝિંગાલાલા હૂ… હૂર્રર્રર્ર’ એટલે શું ? છતાં પંચમદા કોઈપણ ભાષાની ડિક્શનેરી બતાડ્યા વિના એવું ધરાર ગવડાવશે જ ! (ફિલ્મ : શાલિમાર ગાયન : હમ બેવફા હરગિઝ ન થે.)
અચ્છા, આમેય આરડીએ ’70ના દાયકામાં કંઈ કેટલાય ગાયનોમાં પોતે ‘હેહ્ હે… હોહ્ હો’ કરીને દેકારા તો કર્યા જ છે. ઉપરથી ‘કટી પતંગ’ જેવા ગાયનમાં તો પોતે ‘હઆ… હઆ… હઆ…’ કરીને ગળામાંથી ખતરનાક ઉચ્છવાસો કાઢીને એની રીધમ જ બનાવી નાંખી છે ! આ જ આરડી બર્મને ‘ભૂત બંગલા’ ફિલ્મમાં તો અભિનય પણ કર્યો હતો. (ભૂત બનવાનો નહીં, ભૂતથી ડરવાનો અભિનય.) એમાં જોવાની વાત એ છે કે ફિલ્મનાં ગાયનોમાં એમણે જે ભૂતના અવાજો કાઢ્યા છે એ તો પોતે જ કાઢ્યા છે ! એ જ ફિલ્મના બીજા એક સિરિયસ ગાયન ‘જાગો સોનેવાલો…’માં અચાનક કોરસવાળા ‘તૂરૂરૂરૂરારારા... રૂઉઉ…’ શું ખાઈને કરી ઊઠે છે ? એવી તે કેવી તૂરા સ્વાદવાળી વાનગી હતી ?
જોકે આવાં બધાં રહસ્યો સંગીતકારો કદી ખોલતા જ નથી. ‘મિસ્ટર ઇન્ડિયા’માં જે ગ્રુપ ડાન્સરો છે એમની છાતી ઉપર આંખો ચીતરેલી છે ! અને ગાય છે શું ? ‘રાપ ચિકી લાકી ચિકી ચિકી લાકી બૂમબૂમ…’ પણ એનો અર્થ શું ?
ટુંકમાં આટલો લેખ વાંચ્યા પછી તમે સમજી જ ગયા હશો કે ફિલ્મી ગાયનોમાં કોરસ પાસે જે ગવડાવવામાં આવે છે એના શબ્દોના કોઈ મિનિંગ હોતા જ નથી. છતાં બોલો, ‘દિલ સે’ ફિલ્મના પેલા ગાયન ‘જિયા જલે જાન જલે…’માં જે કોરસવાળી છોકરીઓ ‘પુંજિર થન્જી કોન્જિક્કો, મુંથિર મુથ્થો ચિંડીક્કો, વંજિર વર્ણા ચુંદરી વાવેએએ…’ કરીને કંઈક ઉખાણાં બબડી જાય છે એનો ખરેખર મતલબ છે ! હકીકતમાં એ મલયાલમ શબ્દો છે જેનો કાચોપાકો અર્થ કંઈક એવો થાય છે કે ‘મને સુંદર સ્મિત આપ, સુંદરી ! મારા હોઠો ઉપરથી ચૂંબન ચોરી લે, સુંદરી ! ચંદ્રના નાચતા ઉજાસમાં મને સુંદર સ્મિત આપ, સુંદરી !’
ચાલો, આ તો બધુ ગુગલકાકાને પૂછ્યું એટલે એમણે કીધું. પણ અમારે એ આર રહેમાનને એમ પૂછવું છે કે ફિલ્મની વાર્તામાં પ્રિટી ઝિન્ટા દિલ્હીની છોકરી છે, શાહરૂખ પણ દિલ્હીનો છે તો પ્રિટિબેન મલયાલમ ગાનારીઓને ભાડે રાખીને છેક કેરળની કોઈ નદીમાં જઈને કેમ આવું ગાયન ગાય છે ?
આવા બધા ખુલાસા કદી મળતા જ નથી. કેમકે સંગીતકારો જ્યારે તબલાં, સારંગી, પિપૂડી, ઢોલ, ખંજરી જેવાં સાધનો ખખડાવીને કંટાળ્યા હોય છે ત્યારે જ એમને પેલા ડઝનના ભાવે મળતા કોરસ સિંગરોને ખખડાવીને એમાંથી નવા નવા અવાજો પેદા કરવાનું સુઝે છે ! જેમકે ‘બોબી’ના પેલા ગાયન ‘ના માંગુ સોના ચાંદી’ પહેલાં ગોવાનિઝ ભાષામાં કોરસ કંઈ ગાય છે તે આપણા માટે તો ‘કાંવાં સૂકુંઉવાંઆંઆં, વાંયાંરકોડીઈઈ’ જ છે ને ? (હવે એનો મિનિંગ તમે ગુગલકાકાને જાતે જ પૂછી લેજો.)
આખી વાતમાં બિચારા સંગીતકાર રવિ કંઈ વિચિત્ર રીતે હલવાયા છે. એમની દરેક તરજ આમ તો છેવટે ભજનના જ તાલમાં આવીને બેસતી હોય છે અને કોરસનો ઉપયોગ પણ એમણે ભજનની કડી રીપીટ કરતા ભક્તોની જેમ જ કર્યો છે. પરંતુ ‘ફૂલ ઔર પથ્થર’ના એક ગાયનમાં (શીશે સે પી, યા પૈમાને સી પે) શી ખબર ક્યાં દેશની ડિક્શનેરીમાંથી ‘પિસિગાલા નિકીડાલા, યોલા..’નો વાયરસ ઘૂસી ગયો હશે તે અમને હજી સુધી સમજાયું નથી.
આપણા દેશની લગભગ તમામ ભાષાઓના લોકગીતોમાં આવું અગડમ બગડમ શબ્દોવાળું ગવાતું જ રહ્યું છે. દાખલા તરીકે તમે કોઈ પંજાબીને પૂછજો કે ‘આ બલ્લે બલ્લે તો સમજ્યા, પણ ‘હડીપ્પા’ એટલે શું? અને હા, ‘જાગતે રહો’ ફિલ્મના પેલા ગાયનમાં સરદારજીઓ ‘આઉં આઉં આઉં આહું’ કર્યા કરે છે એનો અર્થ શું ?’
તો પંજાબી તમને સામું પૂછશે કે ‘અચકો મચકો કારેલી’ એટલે શું ? અને ભાઈ, તમે જ્યાં ને ત્યાં ‘લોલ’ ઘૂસાડો છો તો એ ‘લોલ’ શું છે ?’
ત્યારે તમારે કહેવું પડશે કે ‘ભઈ, આ તો આગળથી જ ‘લોલમ્ લોલ’ ચાલતું આવ્યું છે ! અમે શું કરીએ ?’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
lol
ReplyDelete