અમે ડોક્ટર નથી. કોઈ જ્યોતિષી પણ નથી. છતાં આજના દિવસ માટે અમુક સ્વાસ્થ્ય સંબંધી અતિ-ગંભીર આગાહીઓ કરી રહ્યા છીએ ! ધ્યાનથી સાંભળજો…
***
(1) હાથમાં દુઃખાવો
આજ સાંજ સુધીમાં ગુજરાતના હજારો લોકોને હાથમાં માઈલ્ડ સોજો ચડવો, મસલ્સ જકડાઈ જવા તથા હાથમાં દુઃખાવો થવાની વ્યાપક તકલીફો થશે જ થશે ! લખી રાખજો !
***
(2) ગળું છોલાવું
એ જ રીતે, આજે સાંજ સુધીમાં હજારો ગુજરાતીઓનાં ગળાં છોલાઈ ગયાં હશે ! અમુક લોકોની તકલીફ એટલી ગંભીર હશે કે ગળું બેસી જવાને કારણે બોલી પણ નહીં શકે !... લખી રાખજો.
***
(3) કાન બહેર મારી જવા
આનું કારણ શરદી નહીં હોય ! કાનનું ઇન્ફેશન પણ નહીં હોય ! છતાં લખી રાખજો, ગુજરાતભરનાં સેંકડો એવા કેસો જોવા મળશે જેમના કાનમાં થોડી-ઘણી બહેરાશ આવી ગઈ હશે !
***
(4) અપચો, લુઝ મોશન, પેટનો દુઃખાવો
તમને થશે કે શું કોઈ વાયરસ ફેલાવાનો છે ? પણ માન કે ના માનો, આજે અને કાલે સવાર સુધીમાં અસંખ્ય લોકોના આંતરડામાં આ બિમારી ઘૂસી ગઈ હશે !
***
(5) હત્યા, ખૂની હૂમલાનો ફોબિયા
આ ખતરનાક માનસિક બિમારી તો ગઈકાલથી જ ફેલાઈ ચૂકી છે. આજે પણ તેનો આતંક ચાલુ રહેશે. રસ્તે જતાં હજારો લોકોને મનમાં ફફડાટ રહેશે કે કોઈ અજાણી વ્યક્તિ અથવા અજાણી શક્તિ તેને કોઈપણ ક્ષણે મારી નાંખશે !
***
ખુલાસો :
આ તમામ મેડિકલ લક્ષણો માત્ર અને માત્ર ઉત્તરાયણને કારણે દેખાવાની સંભાવના છે!
(1) પતંગને ઠુમકા મારવાથી હાથ દુઃખતા હશે.
(2) ‘કાઈપો છે…’ જેવા ઘાટાં પાડવાથી ગળાં બેસી જશે.
(3) મોટા અવાજે વાગતા સ્પીકરોનાં મ્યુઝિકથી કાન બહેર મારી જશે.
(4) વધારે પડતું ઉંધીયુ ખાઈ નાંખવાથી પેટમાં ગડબડ થશે
...અને (5) ચાઈનિઝ દોરી વડે પોતાનું ગળું કપાઈ જવાની સતત ભીતી વર્તાતી હશે !
હેપ્પી વાસી ઉત્તરાયણ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment