ઠ… ઠ… ઠંડી અચાનક વધી ગઈ છે ! આવી કડકડતી ઠંડીની મોસમમાં માણો થોડાં શબ્દ કાર્ટૂન્સ ! (ચિત્રો નથી એટલે મનમાં કલ્પના કરી લેવી.)
***
જાહેર શૌચાલય
સવારનું દૃશ્ય છે. એક ચાલીના જાહેર શૌચાલયની બહાર ખુબ લાંબી લાઈન લાગી છે. લોકો મફલર, શાલ, સ્વેટર, બુઢિયા ટોપી સહિત લાઈનમાં ઠૂંઠવાતા ઊભા છે.
શૌચાલયની બાજુની દિવાલે મોટા અક્ષરે લખેલું પાટિયું છે. જેમાં લખ્યું છે:
‘નળમાંથી ગરમ પાણી આવે છે. એકસ્ટ્રા ચાર્જ માત્ર બે રૂપિયા !’
***
દાંતનું દવાખાનું
એક ડેન્ટિસ્ટના દવાખાનામાં ડોક્ટરની સામે એક ઘરડા કાકા બેઠા છે. આંખે જાડા ચશ્મા, માથે બુઢિયા ટોપી, ગળામાં મફલર, અડધી બાંયનું સ્વેટર, હાથમાં લાકડી.
કાકા કહે છે : ‘ડોક્ટર સાહેબ રાત્રે ઠંડીને લીધે મારા દાંતમાંથી કડકડ કડકડ અવાજો આવે છે !’
ડોક્ટર શાંતિથી જવાબ આપે છે :
‘કાકા, એક કામ કરો, રાત્રે સૂતાં પહેલાં તમારા દાંતનું ચોકઠું કાઢીને ગરમ પાણીના ગ્લાસમાં મુકવાનું રાખો !’
***
કાશ્મીરના બરફીલા જંગલમાં
બે ત્રણ આતંકવાદીઓ સખત ઠંડીમાં થરથર ધ્રુજી રહ્યા છે. ચારે બાજુ બરફ છવાયેલો છે. ઉપરથી બરફનો વરસાદ પણ તીવ્ર પવનના સૂસવાટા સાથે ચાલુ છે…
એક આતંકવાદી સેટેલાઈટ ફોન વડે તેના કમાન્ડર સાથે વાત કરી રહ્યો છે :
‘જનાબ ! હમારા યહાં બહુત બૂરા હાલ હૈ. આપને તો હમેં સિર્ફ દો દો સ્વેટર ઔર એક એક કંબલ લેકર હિન્દુસ્તાન કી બોર્ડર મેં છોડ દિયા ! મગર યહાં ઠંડ ઈતની હૈ કિ પિશાબ તક રૂક ગઈ હૈ ! અબ અગર આપ ઈજાજત દેં તો ગરમી લાને કે લિયે, હમ જો બોમ્બ લાયે હૈ, ક્યા વો ફોડ સકતે હૈં ?’
***
ફિલ્મ હિરોઈનના બંગલે
બંગલામાં CBIની રેડ પડી છે. કાળા કોટવાળા ઓફિસરો ઘડીકમાં દિવાલની ઘડિયાળ તરફ તો ઘડીકમાં પોતાની કાંડા ઘડિયાળ તરફ જોઈને ગુસ્સો કરી રહ્યા છે.
હિરોઇનનો સેક્રેટરી કહે છે :
‘સાહેબો, મેડમ અંદર બાથરૂમમાં જ છે. ક્યાંય ભાગી ગયા નથી… પણ શું છે કે છેલ્લા બે કલાકથી બાથટબમાં જઈને નહાવાની હિંમત કરી શકતાં નથી !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment