આજકાલ કમૂરતા ચાલે છે તોય NRIઓનાં મેરેજો થાય છે ને ? એ હિસાબે જોવા જાવ તો નવા જમાનામાં ઘણા નવાં પ્રકારનાં મેરેજો આવી ગયાં છે ! જુઓ...
***
ફેસબુક મેરેજ
તમે છાપામાં વાંચતા જ હશો કે બન્ને જણા ફેસબુક વડે એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ત્યારબાદ અંગત મુલાકાતો પછી તેમણે લગ્ન કર્યાં હતાં. પરંતુ… (હવે 'પરંતુ' પછી જે થયું એના લીધે જ આ બધું છાપામાં આવ્યું ને?) છતાં, મેરેજનો આ લેટેસ્ટ પ્રકાર છે.
***
ડોટ.કોમ મેરેજ
આમાં જ્યારે વડીલો કંટાળી ગયા હોય, ગોર મહારાજે થાકીને દાવ ડિકલેર કરી દીધો હોય અને કુંડળીઓ પણ આડી ફાટી હોય ત્યારે અમુક લગ્નાતૂર યુવક-યુવતીઓ તથા વાંઢા-વાંઢીઓ લાકડે માંકડે ગોઠવી આપનારી વેબસાઈટોને શરણે જાય છે.
***
પાસપોર્ટ મેરેજ
અહીં મૂરતિયો કે કન્યા માફક આવશે કે નહીં તે જોવાનું હોતું જ નથી. ઉલ્ટું, વિદેશની માફક નહીં આવનારી ઠંડી આબોહવા અને માફક નહીં જ આવે એવી મજુરીની જોબ મળવાની હોવા છતાં માત્ર અને માત્ર ફોરેનમાં સેટલ થવાનું છે એ ઘેલછાથી થનારાં મેરેજોને પાસપોર્ટ મેરેજ કહેવાય છે.
***
ટ્રાયલ મેરેજ
નાનાં બાળકો ક્રિકેટમાં જેમ ‘ટ્રાયલ બોલ’ નંખાવે છે તેમ આજકાલનાં અમુક જુવાન ભૂલકાંઓ ‘ટ્રાયલ મેરેજ’ કરે છે. તેને સારી ભાષામાં લિવ-ઈન રીલેશનશીપ કહે છે. આમાં એકમાત્ર ફાયદો એ છે કે છૂટાછેડા લેવા માટે કોર્ટમાં ટ્રાયલ થતા નથી.
***
વિડીયો મેરેજ
આજે અમુક છોકરીઓ તો મેરેજ માટે એટલે જ રાજી થઈ જાય છે કે મેરેજ પહેલાં પ્રિ-વેડિંગ શૂટ, સંગીત સંધ્યા, ગરબા, મહેંદી, હલ્દી… આ બધાનાં મસ્ત મસ્ત વિડીયો બને છે !
***
કોન્ટ્રાક્ટ મેરેજ
ના ના ! બે વરસ કે પાંચ વરસનાં લગ્નની વાત નથી. આજે લગ્નોમાં બધી જ વાતે કોન્ટ્રાક્ટ પ્રથા ચાલે છે… જાતે રાંધવું પીરસવું નથી ? કેટરરને કોન્ટ્રાક્ટ આપી દો ! જાતે લગ્નગીતો ગાવાં નથી ? ઓરકેસ્ટ્રાને કોન્ટ્રાક્ટ આપી દો ! જાતે તોરણ પણ નથી બાંધવું ? ડેકોરેટરને કોન્ટ્રાક્ટ આપી દો ! જતે દહાડે કદાચ ફેરા ફરવા માટે પણ…
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment