વેસ્ટર્ન કમોડની એ 'કાતિલ કોલ્ડ' પિચકારી !

તમને ખબર છે, આ શિયાળામાં સૌથી કાતિલ ઠંડીનો એક્સપિરીયન્સ ક્યાં થાય છે ? હું તમને કહું છું. તમે જ્યારે સવાર સવારના પ્રાતઃક્રિયા પતાવવા માટે, એટલે કે ‘પોટી’ કરવા માટે પેલા વેસ્ટર્ન ટાઈપના કમોડ ઉપર બેઠા હો અને… ના ના, સાંભળો તો ખરા ? 

રાત્રે ભલે ને તીખાં મરચાંના ભજિયાં કે પછી ચીલી-પનીરનું તીખું શાક ખાધું હોય પછી સવારે જે ‘મરચાં’ લાગે છે એની વાત જ નથી ! એ અનુભવ તો ઉનાળામાં પણ થાય છે. પણ બોસ, એ બધું ‘પતાવ્યા’ પછી તમે સાફસૂફી કરવા માટે જે પેલું નોબ ફેરવો કે તરત અંદરથી જે આઈસ કોલ્ડ ઠંડી પિચકારી છૂટે છે… એ કેવી ‘ધ્રુજાવી નાંખે’ તેવી હોય છે ? સાચું બોલજો !

એક તો સાલી એ પિચકારી ‘એક્ઝેક્ટલી’ કયા ચોક્કસ પોઈન્ટ ઉપર તકાયેલી છે તેનો ક્યારેય આગોતરો અંદાજો આપણને હોતો નથી. નોર્મલ દિવસોમાં પણ સાલું, સિટીંગ પોઝિશનને આમતેમ હલીને એડજસ્ટ કરતા હોઈએ છીએ, પણ આવા શિયાળામાં આખી રાત લોખંડના પાઈપમાં લગભગ કુલ્ફી જેવું ઠંડુ બની ગયેલું પાણી, આમ, ‘અણધારી’ દિશામાંથી વછૂટે અને સાવ ‘અણધાર્યા સ્પોટ’ ઉપર હિટ કરે છે, ત્યારે…

વાત જવા દો ને યાર, ભલભલા કવિઓએ એમની માશુકાની ‘કાતિલ’ નજર ઉપર કવિતાઓ, ગઝલો અને શેર લખ્યા હશે પણ આના જેવું (એટલે કે આ પિચકારી જેવું) કાતિલ તો નહીં જ, બોસ ! શાયરની માશૂકા કરી કરીને શું કરે ? એની ઠંડી કાતિલ નજર બહુ બહુ તો દિલને ચીરી શકે પણ આ તો શરીરના જે પાર્ટને…

મૂળ આખા પ્રોબ્લેમની જડ ક્યાં છે, કે આ મારું બેટું વેસ્ટર્ન કમોડ આપણે ધોળિયાઓ પાસેથી ગુલામીના પાર્ટ-પેકેજ તરીકે અપનાવી લીધું. પણ એ ધોળિયાઓ કંઈ ‘પિચકારી-સફાઈ’માં તો માનતા જ નહોતા ને ? એ લોકો તો હજીયે કાગળના ડૂચાથી કામકાજ પતાવે છે. (સીધી વાત છે બોસ, ત્યાંની ઠંડી માઈનસ પંદર સુધી જતી હોય છે. એવામાં જો એ લોકો આવી ‘સુપર-કુલ’ પિચકારી સિસ્ટમ રાખે તો તો ઊઠી જ જાયને, કોમોડ ઉપરથી !) 

આ તો આપણે દોઢ ડાહ્યા થયા કે ભૈ ના, બધું પતાવ્યા પછી ધોવાનું તો પાણી વડે જ થવું જોઈએ. એટલે કોઈ દોઢ-ડાહ્યા જિનિયસ માણસે આ પિચકારીની શોધ કરી ! ચાલો, કરી તો કરી પણ શિયાળાનું વિચારવાનું જ ભૂલી ગયા !

તમે વિચાર કરો, આ એક પિચકારીના પાપે આજે કંઈ કેટલાય લોકો સવાર સવારના ‘જવાનું’ મુલતવી રાખે છે ! છતાંય જે લોકો ‘જાય’ છે એ બધા કંઈ જોડે ગરમ પાણીનું ડબલું લઈને થોડા બેસવાના હતા ? અને ચાલો, માની લઈએ કે ગમે તેમ કરીને ગરમ પાણીનું ડબલું મેનેજ પણ કર્યું હોય છતાં પેલા ‘સિંહાસન’ ઉપર બેઠાં બેઠાં (હું એ વેસ્ટર્ન કમોડને સિંહાસન જ કહું છું, કેમ કે પોટી કરવા જેવી સાવ ક્ષુલ્લક ક્રિયા કરવા માટે ત્યાં ગોળાકાર ‘આસન’ હોય છે, પાછળ ટેકો દેવા માટે ‘શક્તિપીઠ’ હોય છે અને આજકાલ તો ત્યાં હાઈ-ફાઈ લોકો મેગેઝિનો-છાપાં વગેરે પણ રાખે છે. અરે, મેગેઝિનને બદલે મોબાઈલ લઈને બેસે છે !)… તો ત્યાં બેઠાંબેઠાં તમને મહારાજાની માફક ક્યાંક ઝોકું આવી જાય અને તમે ભૂલી જ ગયા હોય કે સાથે ઉષ્મ-જળ-પાત્ર (એટલે પેલું ડબલું) પણ છે… 

અને તમે ભૂલથી પેલું પિચકારીનું નોબ ફેરવી બેસો… તો સાચું કહેજો, ઓલમોસ્ટ ‘હારાકિરી’ કરી નાંખે એવી ફીલિંગ આવે કે નહીં ?

આપણે જાણીએ છીએ કે ગુનેગારો પાસે કબૂલાત કરાવવા માટે પોલીસ ટોર્ચર રૂમમાં એમને બરફની પાટ ઉપર સૂવડાવે છે. પણ હવે આધુનિક ટેકનોલોજી એવી નીકળવાની છે કે ગુનેગારને પેલા ‘સિંહાસન’ ઉપર બેસાડીને ધમકી આપવામાં આવશે કે ‘બોલ, સાચેસાચુ બોલવું છે કે હમણાં જ ફ્રીજમાંથી કાઢેલા ઠંડા પાણીની પિચકારી મારું ?’ 

મેડિકલ સાયન્સમાં પણ હવે એવું એડવાન્સમેન્ટ આવવાનું છે કે માનસિક દરદના રોગીઓને જે વીજળીના કરંટ વડે શોક-ટ્રિટમેન્ટ આપવામાં આવે છે તેના બદલે હવે આ નવી ‘કોલ્ડ વોટર મિનિ-કેનન’ (કેનન એટલે તોપ, ઓકે ?) વડે શૉક આપવાની મેથડ અપનાવવામાં આવશે.

ચાલો, દૂરના ભવિષ્યનું છોડો, નજીકના ભવિષ્યમાં હવે ઉત્તરાયણ પછી આ પ્રોબ્લેમ સોલ્વ તો થઈ જશે પણ આ જે ‘એઈમ એન્ડ શૂટ’ પદ્ધતિ છે એનું કંઈક કરો ભૈશાબ ! 

આપણે ગમે એટલી ચોક્કસાઈ રાખીને બેસીએ, કે ભઈ, પગના પંજા ટાઈલ્સમાં આ જ પોઝિશનમાં હોય, આપણી સાથળો આટલા જ એંગલથી ખુલેલી હોય અને આપણે પણ કમરથી આગળ એકઝેકટરી આટલા જ એંગલે ઝૂકેલા હોઈએ… ત્યારે પણ… પેલી પિચકારી ‘રાઈટ સ્પોટ’ ઉપર વાગે એની કોઈ ગેરંટી ખરી ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments